અમદાવાદઃ અમદાવાદથી લંડન ગેટવિક એરપોર્ટ જઇ રહેલી ફ્લાઇટ જે પ્રકારે દુર્ઘટનાગ્રસ્ત બની છે તે જોતાં ભોગ બનેલા પ્રવાસીઓનો આંક મોટો હોવાની સંભાવના છે. ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના જણાવ્યા પ્રમાણે, વિમાનમાં કુલ 242 પ્રવાસી હતા, જેમાં 230 પેસેન્જર, બે પાઇલટ તથા અને 10 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. 242 પ્રવાસીમાં 169 ભારતીય જ્યારે 53 મુસાફરો બ્રિટનના, 7 પોર્ટુગલના અને 1 પ્રવાસી કેનેડાના હતા. ફ્લાઇટનું સંચાલન કેપ્ટન સુમિત સભરવાલ સંભાળતા હતા જ્યારે ક્લાઇવ કુંદર ફર્સ્ટ ઓફિસર તરીકે હતા. દુર્ઘટના પછીના પહેલા સત્તાવાર નિવેદનમાં એર ઇંડિયાએ જણાવ્યું હતું કે અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ જઇ રહેલી ફ્લાઇટ AI 171 આજે 12 જૂનના રોજ દુર્ઘટનાનો ભોગ બની છે. અમે વધુ માહિતી મેળવી રહ્યા છીએ.