અમદાવાદ, લંડનઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ મહામારી પ્રસરી છે ત્યારે સંખ્યાબંધ લોકો સરહદો બંધ થવાથી અને અચોક્કસ મુદત સુધી વિમાની ઉડ્ડયનો બંધ થવાથી રઝળી પડ્યા છે. આવી જ રીતે વયોવૃદ્ધ બ્રિટિશ ભારતીયો પણ ગુજરાતના કચ્છ વિસ્તારમાં ફસાઈ પડ્યા છે.
કેટલાક લોકોએ ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનનો સંપર્ક કરી આ રીતે રઝળી પડેલા બ્રિટિશ ભારતીયોના સ્થળાંતર માટે અમદાવાદથી લંડન સુધી ફ્લાઈટની વ્યવસ્થા કરવા વિનંતી પણ કરી છે.
યુકેમાં વસતાં એનઆરઆઇ જેઠાલાલ સવાણીએ ભારતથી યુકે પરત ફરવા માટે ૩૦ એપ્રિલની ફ્લાઈટની રિટર્ન ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું. કોરોના વાઇરસના પ્રકોપની વર્તમાન પરિસ્થિતિમાં ભારતમાં કોઈ વિદેશી ફ્લાઈટ આવતી નથી કે અહીંથી જતી પણ નથી. વિશ્વભરમાં કોવિડ-૧૯ના સામનાના કારણે આવી હાલત સર્જાઈ છે ત્યારે અચોક્કસતાનું વાતાવરણ છે અને સવાણીને પણ તેઓને કોઈ ફ્લાઈટમાં જવા મળશે તેના વિશે શંકા છે.
હાલ કચ્છ જિલ્લાના કેરા ગામે રહેતા ૬૫ વર્ષના જેઠાલાલ સવાણીએ ભારતસ્થિત બ્રિટિશ હાઈ કમિશનનો સંપર્ક કર્યો હતો.
તેમના જેવા અનેક બ્રિટિશ ભારતીયો આવી જ હાલતમાં હોવાની ચિંતા પછી તેમણે આ બાબતે એક અભિયાન આરંભ્યું છે. સવાણી કહે છે કે, ‘આ રીતે કચ્છમાં રઝળી પડેલા મોટા ભાગના લોકો સીનિયર સિટિઝન છે. હું ઈન્ટરનેટની સુવિધા ધરાવું છું અને ઈંગ્લિશ ભાષામાં કોમ્યુનિકેટ કરી શકું છું જે, અન્ય ઘણા લોકો કરી શકતા નથી. આના પરિણામે, આ તમામ લોકોને સાંકળવા બે દિવસનું અભિયાન શરૂ કરવા મને વિચાર આવ્યો હતો.’
કચ્છના સ્થાનિક અખબારમાં એક અહેવાલ છપાયાના ગણતરીના કલાકોમાં લગભગ ૬૫ લોકોએ તેમનો સંપર્ક કર્યો હતો. આ લોકોની જિંદગી પણ સંપૂર્ણ લોકડાઉનના કારણે અટકી જ પડી હતી. ભારતે તેની તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ૧૪ એપ્રિલ સુધી બંધ કરી છે. ભારતમાં વાઇરસનો રોગચાળો કોમ્યુનિટી ટ્રાન્સમિશનના ત્રીજા તબક્કામાં પ્રવેશની શક્યતા ધરાવે છે તેવા માહોલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ૧.૩૬ બિલિયનની વસ્તીને ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે.
સવાણીએ જણાવ્યું છે કે, ‘કચ્છ અંતરિયાળ જિલ્લો છે અને લોકડાઉન હળવું કરાશે ત્યારે પણ દિલ્હી અથવા મુંબઈ જવાનું કાર્ય સરળ નહિ જ હોય. આથી, અમે બ્રિટિશ હાઈ કમિશન અને સંબંધિત અન્ય સરકારી સત્તાવાળાઓને અહીં ફસાઈ ગયેલા લોકોનું સ્થળાંતર કરવા અમદાવાદથી લંડન સુધી ફ્લાઈટની વ્યવસ્થા કરવા વિનંતી કરીએ છીએ.’
અનેક બિનનિવાસી ભારતીયોએ સવાણીના ઈમેઈલ એકાઉન્ટ jethalal.savani@gmail.com તેમજ તેમના ફોન પર સંપર્ક કર્યો હતો. જોકે આમાંથી કેટલાકે આ પગલાં સામે પ્રશ્નો પણ ઉઠાવ્યા હતા. સવાણી કહે છે કે, ‘કેટલાકે તો મને પૂછ્યું કે તમે આવી સંવેદનશીલ માહિતી શા માટે એકત્ર કરી રહ્યા છો? જોકે, મેં સ્પષ્ટ કર્યું જ છે કે જેઓ બ્રિટિશ હાઈ કમિશનનો સંપર્ક કરવા અસમર્થ હોય તેમણે જ મારો સંપર્ક કરવો જોઈએ.’