વેલેન્ટાઈન ડે માટે ભારતથી રૂ. ૭૦ કરોડના ગુલાબની નિકાસ

Thursday 14th February 2019 05:48 EST
 
 

અમદાવાદઃ વિશ્વભરના યુવાહૈયા ‘વેલેન્ટાઇન ડે’ની ઉજવણીમાં ગુલતાન થાય એ સ્વાભાવિક છે. વેલેન્ટાઇન કાર્ડ, વેલેન્ટાઇન ગિફ્ટ, વેલેન્ટાઇન ઇ-કોમર્સનું રૂ. ૪૦૦૦ કરોડનું વૈશ્વિક બજાર છે. જો કે વેલેન્ટાઇન ડે એ ગિફટ ઉપરાંત સૌથી સહજ અપાતી ચીજ હોય તો તે ગુલાબનું ફૂલ અને ચોકલેટ છે. પ્રેમી તે જેને મનોમન ચાહતો કે ચાહતી હોય તેને જો વર્ષ દરમ્યાન એવા સંકેત મળે કે તેઓ તેના સંબંધમાં સંમતિ સાથે આગળ વધી શકે છે તો તે માટે તેઓ વેલેન્ટાઇન ડે નો બેતાબીથી ઇંતેજાર કરતા હોય છે.

જેવી ૧૪ ફેબ્રુઆરી આવે તે સાથે જ મોટેભાગે છોકરો હિંમત કરીને વેલેન્ટાઇન અદામાં અરજ કરતા છોકરીને ગુલાબ ઓફર કરતા પૂછે છે કે, ‘વિલ યુ બી માય વેલેન્ટાઇન’, માત્ર આ રીતે પ્રથમ વખતના યુગલો જ નહીં જેઓ પ્રેમી કે પરણીત છે તેઓ પણ વેલેન્ટાઈન ડેની ઉજવણી ગુલાબ, કાર્ડ, ભેટ કે ડિનર સાથે કરે છે.

આપણે સામાન્ય રીતે એવું જ માનતા હોઇએ છીએ કે કુદરતી સૌંદર્ય, સંપદા કે બાગાયત એટલે તો હોલેન્ડ અને સ્વિત્ઝર્લેન્ડની જ. બ્રિટન સહિત યુરોપ કે અમેરિકામાં જ ફૂલોનું કલ્ચર અને બ્યુટી છે. ભારતમાં તો ભગવાનને ચઢાવવાના પીળા ફૂલ, ગુલાબ કે આંકડાની જ બોલબાલા છે, પણ આ માન્યતાનો છેદ ઉડાડતા જાણી લો કે વેલેન્ટાઇન ડે માટે ભારતથી બ્રિટન સહિત યુરોપમાં રૂ. ૭૦ કરોડના ગુલાબના ફૂલોની નિકાસ થઇ હતી.

આ ઉપરાંત મલેશિયા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં પણ ભારતથી ખાસ ગુલાબના ફૂલોની નિકાસ થઈ હતી. ઇન્ડિયન સોસાયટી ઓફ ફલોરીકલ્ચર પ્રોફેશનલ્સ નામની સંસ્થા ભારતના ફૂલોનો કારોબાર સંભાળે છે. બ્રિટનના પ્રેમીઓ માને છે કે ભારતનું ‘રેડ રોઝ’ પ્રેમિકાને રીઝવવામાં અવ્વલ છે. બ્રિટનને જે ભારતીય ગુલાબનું ફૂલ પ્રિય છે તે તેના ખેડૂતને ભારતમાં રૂ. ૧૦માં પડે છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેના રૂ. ૨૫થી ૫૦ જેટલા ઉપજે છે. બ્રિટનના ફૂલોના પારખુ અને ચાહકો તો જેના પર પસંદગી ઢોળે છે તે ભારતીય જ હોય છે.

છેલ્લા વર્ષોથી ભારતના ફૂલોની આવી માગ જોતા ફૂલોની ખેતીનો, ખેડૂતોનો તેમજ વેપારીઓનો સુવ્યવસ્થિત સંગઠિત બિઝનેસ બનતો જાય છે. આંતરરાષ્ટ્રીય મહોત્સવ, સગાઇ, લગ્નો, બેબી શાવર વગેરેમાં પણ ફૂલો અને ભારતીય મહેંદી રંગ જમાવે છે. વિશ્વના ૧૫૦ દેશોમાં ભારતના ફૂલોની રૂ. ૬૦૦ કરોડ જટલી રકમની નિકાસ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter