વોડાફોન-આઇડિયા દેવાના ડુંગર તળેઃ બિરલા નિયંત્રણ છોડવા તૈયાર

Wednesday 04th August 2021 05:19 EDT
 
 

મુંબઇઃ ભારે દેવામાં ડૂબેલી વોડાફોન-આઈડિયા લિમિટેડને લઈને આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ હાથ ઊંચા કરી દીધા છે. તેઓ કંપનીમાં પોતાનો હિસ્સો છોડવા તૈયાર છે. તેમણે સરકારને કહ્યું છે કે આ કંપનીનું અસ્તિત્વ ટકાવવા માટે કોઈ પણ સરકારી કે સ્થાનિક ફાઈનાન્સિયલ કંપનીને હું મારો હિસ્સો વેચવા રાજી છું. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબાને લખેલા પત્રમાં તેમણે કહ્યું કે, હું કંપની પરનું મારું નિયંત્રણ છોડવા રાજી છું. ઉલ્લેખનીય છે કે ત્રણ વર્ષમાં કંપનીનું વેલ્યુએશન ૮૫ ટકા ઘટ્યું છે. કંપનીમાં બિરલાનો હિસ્સો ૨૭ ટકા છે.
વોડાફોન ઈન્ડિયાના પ્રમોટર અને ચેરમેન કુમાર મંગલમ બિરલા છે. આ કંપનીમાં તેમનો હિસ્સો ૨૭ ટા (રૂ. ૬૪૦૧ કરોડ) અને બ્રિટનની કંપની વોડાફોન પીએલસીનો હિસ્સો ૪૪ ટકા છે. કંપનીનું હાલનું માર્કેટકેપ રૂ. ૨૩,૭૦૬.૭૦ કરોડ છે. વોડાફોન પીએલસી અને આઈડિયાનું વિલીનીકરણ ઓગસ્ટ ૨૦૧૮માં પૂરું થયું હતું. એ વખતે કંપનીનું મૂલ્યાંકન રૂ. ૧.૫૫ લાખ કરોડ આંકવામાં આવ્યું હતું. જે હવે ૮૫ ટકા જેટલું ઘટી ગયું છે.
કંપનીની નબળી હાલત જોતા બંને પ્રમોટરે કંપનીમાં વધુ રોકાણ નહીં કરવાનું નક્કી કર્યું છે. વોડાફોન પહેલેથી જ કંપનીમાં પોતાનું તમામ રોકાણ ગુમાવી ચૂકી છે. વોડાફોન ઈન્ડિયા પર આશરે રૂ. ૧.૮ લાખ કરોડનું દેવું છે. રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ઓછા ડેટા દરના કારણે પણ કંપનીનું બજારમાં ટકી રહેવું મુશ્કેલ થઈ ગયું છે. ત્રણ વર્ષમાં કંપની ૪૦ કરોડ ગ્રાહકોમાંથી એક તૃતિયાંશ હિસ્સો ગુમાવી ચૂકી છે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી બજારમાં દબદબો રાખવા જિયો ડેટાના ભાવ ઓછા રાખશે, ત્યાં સુધી બાકીની કંપનીઓના અર્થતંત્રમાં સુધારાની આશા નથી.
કંપનીના બોર્ડે સપ્ટેમ્બર ૨૦૨૦માં રૂ. ૨૫ હજાર કરોડની મૂડી ભેગી કરવાની મંજૂરી તો આપી હતી, પરંતુ સરકારી મદદ વિના રોકાણકાર કંપનીને મૂડી આપવા તૈયાર નથી. હકીકતમાં આ સ્થિતિ લાઈસન્સ ફી અને સ્પેક્ટ્રમ ચાર્જને વ્યાખ્યાયિત કરવાના વિવાદમાંથી સર્જાઈ છે. ઓપરેટરો ઈચ્છે છે કે ફક્ત ટેલિકોમ સંબંધિત જરૂરી સેવાઓથી થતી કમાણીનો હિસ્સો જ વહેંચાય. જ્યારે સરકાર ભાડાં, ડિવિડન્ડ, વ્યાજથી અને સ્થાવર મિલકતો વેચીને થતી કમાણીમાં પણ હિસ્સો ઈચ્છે છે. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે સરકારની માંગને યોગ્ય ઠેરવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter