ઇંગ્લેન્ડમાં ‘નિબંધ વેપાર’ પ્રતિબંધિત

Wednesday 20th October 2021 06:57 EDT
 
 

 લંડનઃ ઇંગ્લેન્ડમાં શૈક્ષણિક અખંડિતતા અને ધોરણોનું રક્ષણ કરવાની યોજના હેઠળ સરકારે વિદ્યાર્થીઓ માટે કોમર્શિયલ નિબંધ લેખન સેવાઓ અને ‘નિબંધ મિલો’ પર  પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે નિબંધ મિલ્સ દ્વારા થતી છેતરપિંડીને રોકવાની યોજના હેઠળ આ નિર્ણય કર્યો છે. યુકેમાં વિદ્યાર્થીઓ પાસેથી ફી મેળવી નિબંધ લેખન સેવા પ્રદાન કરવાની પ્રવૃત્તિ હવેથી ગુનાહિત ગણાશે.

સરકારનું કહેવું છે કે આ પગલું વિદ્યાર્થીઓને ‘કોન્ટ્રાક્ટ છેતરપિંડી સેવાની ભ્રામક માર્કેટિંગ ટેકનિક્સ’થી સુરક્ષિત કરશે. સ્કિલ્સ મિનિસ્ટર એલેક્સ બર્ગહાર્ટે જણાવ્યું હતું કે નિબંધ મિલ્સ ‘સંપૂર્ણપણે અનૈતિક’ છે. ક્વોલીટી એસ્યોરન્સ એજન્સી ફોર હાયર એજ્યુકેશન અનુસાર યુકેમાં હાલ આવી ૧,૦૦૦થી વધુ નિબંધ મિલો કાર્યરત છે. એજન્સીના ગેરેથ ક્રોસમેને કહ્યું કે આ નિર્ણય સ્પષ્ટ સંકેત આપે છે પરંતુ, ઉચ્ચ શિક્ષણક્ષેત્રે આવા ગેરકાયદે સંગઠનોને રોકવા માટે સાથે મળીને કામ કરવું પડશે.

વર્ષ ૨૦૧૮ના સર્વેમાં સૂચવવામાં આવ્યું હતું કે તાજેતરના સ્નાતકોમાંથી ૧૫.૭ ટકા લોકોએ છેતરપિંડીનો સ્વીકાર કર્યો હતો, પરંતુ યુકેની યુનિવર્સિટીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ દ્વારા નિબંધ મિલનો ઉપયોગ દુર્લભ હતો. એક પ્રવક્તાએ જણાવ્યું કે આવી યુનિવર્સિટીઓ છેતરપિંડીઓ સામે લડવા માટે ઝડપથી કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે યુનિવર્સિટીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો છે. બીજી તરફ, વિદ્યાર્થીઓએ પણ સરકારના નિર્ણયને આવકારી કહ્યું હતું કે, વધુ શૈક્ષણિક પીઠબળ મળવું જોઈએ, જેથી નિબંધ મિલને પ્રાથમિકતા આપવી પડે નહિ. નેશનલ યુનિયન ઓફ સ્ટુડન્ટ્સે કહ્યું હતું કે, ‘આ ખાનગી કંપનીઓ વિદ્યાર્થીઓની નબળાઈઓ અને અસુરક્ષાનો લાભ લઈ શોષણ દ્વારા નાણાં કમાવવા માટે શિકાર કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter