ઓક્સફર્ડ સતત છઠ્ઠા વર્ષે પ્રથમઃ શ્રેષ્ઠ યુનિ.ની યાદીમાં યુકેની આગેકૂચ

Wednesday 08th September 2021 04:01 EDT
 
 

લંડનઃ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં બ્રિટિશ યુનિવર્સિટીઓએ આગેકૂચ કરી છે અને તેના માટે કોરોના મહામારી સામે લડતમાં આપેલા નોંધપાત્ર યોગદાનના કારણે પ્રાપ્ત પ્રતિષ્ઠા કારણભૂત છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી સતત છઠ્ઠા વર્ષે પ્રથમ સ્થાને અને કેમ્બ્રિજ પાંચમાં ક્રમે આવી છે. પ્રથમ ૧૦ ટોપ યુનિવર્સિટીઓમાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સિવાય બધી યુનિ. યુએસની છે જેમાં, કેલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, હાર્વર્ડ, સ્ટેનફોર્ડ, માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને પ્રિન્સટોનનો સમાવેશ થયો છે.

વાર્ષિક વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં બ્રિટિશ યુનિવર્સિટીઓએ શ્રેષ્ઠતા દર્શાવી છે જે કોરોના માહામારી વિરુદ્ધની લડાઈમાં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ સહિતની સંસ્થાઓમાં સંશોધનોને આભારી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર સારાહ ગિલ્બર્ટની આગેવાની હેઠળ એસ્ટ્રેઝેનેકા વેક્સિન વિકસાવાઈ હતી.ઓક્સફર્ડ યુનિવર્સિટીએ સતત છઠ્ઠા વર્ષે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે કેમ્બ્રિજ એક સ્થાનના લાભ સાથે પાંચમાં ક્રમે આવી છે. યાદીમાં ટોપ ૨૦૦ યુનિવર્સિટીઓમાં યુકેની ૨૮માંથી ૧૯ યુનિવર્સિટીએ પોતાના અગાઉના ક્રમ જાળવ્યા છે અથવા સુધાર્યા છે. યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટર પ્રથમ વખત ટોપ ૫૦ ક્રમમાં આવી છે.

આ વર્ષની યાદીમાં ૯૯ દેશની ૧,૬૨૨ યુનિવર્સિટીનો સમાવેશ થયો છે અને યાદીમાં પ્રતિનિધત્વ બાબતે યુકે ત્રીજા સ્થાને છે. વિશ્વના અગ્રણી નિષ્ણાતોએ ૨૦૨૨ની યાદી તૈયાર કરવા ૧૪.૪ મિલિયન રિસર્ચ પ્રકાશનોનું વિશ્લેષણ કર્યું હતું. આ ઉપરાંત, ૨૨,૦૦૦ એકેડેમિક્સનો સર્વે તેમજ શિક્ષણ અને સંશોધનો પરનો ડેટા તપાસ્યો હતો.

શ્રેષ્ઠ ૨૦ બ્રિટિશ યુનિવર્સિટીનો વિશ્વક્રમ 

ઓક્સફર્ડ (૧), કેમ્બ્રિજ (૫), ઈમ્પિરિયલ (૧૨), યુનિ. કોલેજ લંડન (૧૮), લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ (૨૭),  એડિનબરા (૩૦), કિંગ્ઝ કોલેજ લંડન (૩૫), માન્ચેસ્ટર (૫૦), વોરવિક (૭૮), ગ્લાસગો (૮૬), બ્રિસ્ટોલ (૯૨), બર્મિંગહામ (૧૦૫), શેફિલ્ડ (૧૧૦), ક્વીન મેરી, લંડન (૧૧૭), લેન્કેસ્ટર (૧૨૨), સાઉધમ્પ્ટન (૧૨૪), લીડ્ઝ (૧૨૭), નોટિંગહામ (૧૪૧), એક્સટર (૧૪૩) અને ન્યૂકેસલ (૧૪૬)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter