યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓનો સંઘર્ષ

Wednesday 22nd September 2021 05:43 EDT
 
 

લંડનઃ યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ નાણાકીય સંઘર્ષનો સામનો કરી રહ્યા છે. બ્રિટિશ યુનિવર્સિટીઓની સારી પ્રતિષ્ઠા હોવાથી ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓ યુકેમાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે પરંતુ, તેમને યુનિવર્સિટીઓ દ્વારા કોઈ મદદ મળતી ન હોવાથી તેઓ મુશ્કેલીમાં મૂકાયા છે.

ભારતથી આવેલા ૨૧ વર્ષીય વિદ્યાર્થી મણિનું કહેવું છે કે બ્રિટિશ યુનિવર્સિટીઓની પ્રતિષ્ઠા સારી  છે અને તેના પિતાએ લંડનમાં અભ્યાસ કર્યો હોવાથી તેમના પગલે ચાલવા ઈચ્છે છે. જ્યાં સુધી તેની પાસે ફંડ હતું ત્યાં સુધી તો વાંધો આવ્યો નહિ પરંતુ, હવે તેને જરૂર છે ત્યારે યુનિવર્સિટી મદદ કરી રહી નથી તેવી તેની ફરિયાદ છે. હવે તેને પોતાની પસંદગી સામે પ્રશ્ન થઈ રહ્યો છે કે અભ્યાસ માટે યુકે આવવાનો નિર્ણય યોગ્ય હતો?

ભારતમાં તેના ત્રણ વર્ષનો સ્ટુડન્ટ વિઝા પૂરો થઈ ગયો અને નવા વિઝાની મંજૂરી માટે તેણે બેન્કમાં ૪૦,૦૦૦ પાઉન્ડની સિલક બતાવવા જરૂરી રહે છે. આટલી મોટી રકમની વ્યવસ્થા તેના માટે મુશ્કેલ છે. મણિની યુનિવર્સિટીએ નાણાકીય મદદનો ઈનકાર કરી અભ્યાસ મુલતવી રાખવાની ઓફર પણ કરી છે. હવે મણિ વધુ એક વર્ષ બગાડવા અને નોકરી મેળવવામાં વિલંબ ઈચ્છતો નથી. આથી તેના પરિવાર પાસે ઘર ગિરવે મૂકવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી.

યુનિવર્સિટીઝ યુકે અનુસાર વર્ષ ૨૦૧૯-૨૦માં યુકેમાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ૫૩૮,૬૧૫ હતી. ઈન્ડિપેન્ડન્ટ થિન્ક ટેન્ક HEPIના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને તેમના થકી દેશમાં આવતા નાણાથી યુકેના દરેક વિસ્તારમાં લોકો નાણાકીય દૃષ્ટિ વ્યક્તિદીઠ સરેરાશ ૩૯૦ પાઉન્ડથી સમૃદ્ધ થયા છે. એનાલિસીસ કહે છે કે એક જ વર્ષ આવતા વિદેશી વિદ્યાર્થીઓ યુકેના અર્થતંત્ર માટે ૨૮.૮ બિલિયન પાઉન્ડના મુલ્ય સમાન છે.

જોકે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ સહન કરવી પડતી મુશ્કેલીઓથી યુનિવર્સિટીઓ વાકેફ છે. તેમને મદદ કરવા ઘણી સંસ્થાએ PCR ટેસ્ટ્સ અને ક્વોરેન્ટાઈન ફીઝ ચૂકવવાની ઓફર્સ પણ કરેલી છે. સસેક્સ અને લિવરપૂલ જેવી યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને સમયસર યુકે લાવવા ફ્લાઈટ્સ ચાર્ટર કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter