લંડનઃ પ્રમુખસ્વામી મહારાજના ધામગમનના સમાચાર વાયુવેગે પ્રસર્યા બાદ યુકે, કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, નાઇરોબી સહિત વિશ્વભરના હરિભક્તોનો મોટો સમૂહ તેમના દર્શન અને અંત્યેષ્ઠીમાં ભાગ લેવા ભારત જઇ પહોંચ્યો છે. લંડન સ્થિત ભારતીય હાઇકમિશને ૧૫મી ઓગસ્ટની જાહેર રજા અને ૧૪મીના રોજ રવિવારની રજા છતાં ઇમરજન્સી વિઝા આપવા માટે ૧૪ અને ૧૫ના રોજ ઓફિસ ખુલ્લી રાખી હતી. સારંગપુર ખાતે લંડન મંદિરના વરિષ્ઠ સંત પૂ. પ્રબુધ્ધમુની સ્વામીને વિદેશવાસી હરિભક્તો સાથે સંકલનની જવાબદારી સોંપાઇ હતી.
બાપાની અંતિમવિધી ૧૭ ઓગસ્ટના રોજ થશે જેને નિહાળવા માટે લંડન મંદિરમાં સવારે ૧૦-૩૦ કલાકે વ્યવસ્થા કરાઇ છે. ઘરે રહીને વેબસાઇટ live.baps.org પર પણ અંત્યેષ્ઠી જોઇ શકાશે. બાપાની અંતિમિવિધી અને દર્શન માટે અમેરિકાથી ૫૫, નાઇરોબીથી ૯, યુકેથી ૧૬, ઓસ્ટ્રેલિયાથી ૧૬ મળી કુલ ૫૫ સંતો પધાર્યા છે.
લંડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના સુત્રોના જણાવ્યા મુજબ મંદિરના ૧૬ સંતો અને ટ્રસ્ટી મંડળનો કાફલો પ્રમુખસ્વામી મહારાજના દર્શનાર્થે ભારત જવા રવાનો થયો હતો. બે સંતો ભારતથી પરત થતા મંગળવારે બપોરે નિસડન મંદિરના કોઠારી સ્વામી પૂ. સત્યવ્રત સ્વામી અને અન્ય એક સંત ભારત જવા રવાના થયા હતા.
યુકેથી આશરે ૫૦૦ જેટલા હરિભક્તો પ્રમુખસ્વામીના દર્શન માટે ભારત ગયા છે. વિદેશવાસી હરિભક્તોને અંતિમવિધીમાં ભાગ લેવા સારંગપુર ખાતે પાસની વ્યવસ્થા રખાઇ હતી, જેનું તમામ સંકલન પૂ. પ્રબુધ્ધમુની સ્વામી કરનાર છે. તેમનું ઇન્ટરનેશનલ કાઉન્ટર પૂ. સ્વામીશ્રીના દર્શન માર્કી પાસે મૂકાયું છે.
પૂ. પ્રબુધ્ધમુની સ્વામીએ સારંગપુરથી ફોન પર જણાવ્યું હતું કે યુકેથી ૫૦૦ મળી વિદેશના કુલ ૩૫૦૦થી ૪૦૦૦ ભક્તો દર્શન અને અંત્યેષ્ઠી માટે ભારત જનાર છે. સૌ માટે ૨૪ કલાક દર્શન અને તે પછી અંત્યેષ્ઠી માટે વ્યવસ્થા કરાઇ છે. રોકાવા માટે કોઇ વ્યવસ્થા કરાઇ નથી. પૂ. બાપાની અંતિમ વિધિ મંદિરના પગથીયાની સામે (સ્મૃતિ મંદિર સામે) પ્રાંગણમાં થશે. અંતિમવિધિને ૪૦,૦૦૦ લોકો જોઇ શકે તેવી સગવડ છે.
પૂ. બાપાના નિધનને પગલે લંડન મંદિર ખાતે શનિવાર ૨૦ ઓગસ્ટના રોજનો પાટોત્સવ મોકૂફ રખાયો છે. જેની તારીખ હવે પછી જાહેર કરાશે. ૨૦ ઓગસ્ટના રોજ મુખ્ય હવેલીમાં KYS સભા યોજાઇ છે. બાળ મંડળનું કાર્ય રાબેતા મુજબ ચાલશે. તા. ૨૧ સોમવારના રોજ રવિ સભા સાંજે ૫-૩૦ શરૂ થશે. જ્યાૃરે ગુરૂવારે ૨૫ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી સભા રાબેતા મુજબ રહેશે અને મહાપ્રસાદનો લાભ મળશે નહિં.


