લેબર પાર્ટીના સાદિક ખાન લંડનના પ્રથમ મુસ્લિમ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૪૫ વર્ષના સાદિક ખાને કન્ઝર્વેટીવ ઝેક ગોલ્ડ સ્મિથને ૧૩.૬ ટકાના માર્જીનથી હરાવ્યા હતા. આમ એક બિલિયોનેર ઉમેદવાર સામે બસ ચાલકના પુત્રે વિજય મેળવ્યો હતો. સાદિક ખાનને ૧,૩૧૦,૧૪૩ મત મળ્યા હતા જ્યારે ઝેક ગોલ્ડસ્મિથને ૯૯૪,૬૧૪ મત મળ્યા હતા. વિપક્ષ લેબર પાર્ટી અને તેના નેતા જેરેમી કોર્બીન માટે આ વિજય અતિ મહત્ત્વનો ગણાય છે કારણ કે સ્કોટલેન્ડમાં તે ત્રીજા સ્થાને ઊતરી ગયો છે. પાકિસ્તાનમાં સાદિક ખાનના વિજયને વધાવી લેવામાં આવ્યો હતો. સાદિક ખાને તેમના નજીકના પ્રતિસ્પર્ધી લેબર પાર્ટીના ઝેક ગોલ્ડસ્મિથને ૩.૧૫ લાખ કરતાં વધુ મતની જંગી સરસાઇથી હરાવ્યા છે.
બ્રિટનમાં એક પાકિસ્તાની બસ ડ્રાઇવરના પુત્ર અને વકીલ સાદિક ખાને ઇતિહાસ રચ્યો હતો, તેઓ બ્રિટનની રાજધાની લંડનના પહેલા મુસ્લિમ મેયર બની ગયા છે. આ સાથે લંડન પર બ્રિટનની કન્ઝર્વેટિવ પાર્ટીના આઠ વર્ષના શાસનનો અંત આવ્યો છે. મતોની ગણતરીને અંતે સાદિક ખાનને કુલ ૧૩,૧૦,૧૪૩ (૫૭ ટકા) મત પ્રાપ્ત થયા હતા, જ્યારે પ્રતિસ્પર્ધી અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મિથ ૯.૯૪,૬૧૬ (૪૩ ટકા મત) મત સાથે બીજા સ્થાને રહ્યા હતા. બ્રિટનના ઇતિહાસમાં સાદિકને સૌથી મોટા કદનો પર્સનલ મેન્ડેટ પ્રાપ્ત થયો છે. લંડનના મેયરની આ હાઇપ્રોફાઇલ ચૂંટણીમાં લેબર પાર્ટીના સાદિક ખાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના ઝેક ગોલ્ડસ્મિથ વચ્ચે ખરાખરીનો જંગ હતો. જોકે, આખરે લંડનવાસીઓએ સાદિકને મેયર તરીકે પસંદ કર્યા છે. આ સાથે જ સાદિકે એક બીજો ઇતિહાસ પણ રચી દીધો છે કેમ કે યુરોપિયન દેશોની કોઇ પણ રાજધાનીમાં હજુ સુધી કોઇ મુસ્લિમ નાગરિક મેયર બની શક્યો નથી. લેબરપાર્ટીએ લંડન એસેમ્બ્લીમાં ૧૨ બેઠકો મેળવી છે. કન્ઝર્વેટિવ પાર્ટીએ આઠ, જ્યારે ગ્રીન અને યુકિપ પાર્ટીને ફાળે બે- બે બેઠકો ગઈ છે.
પોતાના વિજયપ્રવચનમાં સાદિક ખાને જણાવ્યું હતું કે,‘ લંડનવાસીઓએ તેમનામાં જે આશા અને વિશ્વાસ વ્યક્ત કર્યો તે બદલ તેઓ લંડનવાસીઓના આભારી છે.’ સાદિકે જણાવ્યું હતું કે, ‘હું બ્રિટનની જનતાનો આભાર માનુ છું. હું સત્તા સંભાળવા બાદ સેલ્ફી લેવામાં મારો સમય વેડફવાનું પસંદ નહીં કરું, મારે પ્રજાલક્ષી ઘણા કામ કરવા છે. ડર આપણને સુરક્ષિત નથી રાખતો. ભય આપણને કમજોર બનાવે છે.’ તેમણે લંડનની હાઉસિંગ કટોકટીના ઉકેલને અગ્રીમતા આપવા વચન આપ્યું છે. જાહેર પરિવહન સેવાનાં ભાડામાં ચાર વર્ષ સુધી વધારો ના કરવાનું પણ વચન આપ્યું છે. એફોર્ડેબલ હાઉસનું શમણું બતાવીને તેઓ સત્તા પર આવ્યા છે. લંડનની હવામાં પ્રદૂષણનું પ્રમાણ કાયદેસરની સ્થિતિએ નીચે લાવવા પ્રયાસ કરવા સાદિક વચનબદ્ધ છે.
ભારતીય મૂળના લોકોને આકર્ષવા મોદીનો સહારો
લંડનમાં મેયર બોરિસ જહોનસનના અનુગામી માટે ચૂંટણીઓ યોજાઇ હતી. જ્હોનસન ૨૦૦૮થી મેયર હતા. આ ચૂંટણીમાં મૂળ ભારતીયોનો પણ દબદબો રહ્યો, અહીં અનેક ગુજરાતીઓ પણ વસે છે, જેથી તેઓને આકર્ષવા માટે કન્ઝર્વેટિવ ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મિથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત માગ્યા હતા સાથે સાદિકને મોદી વિરોધી ચીતરવામાં આવ્યા હતા. વડાપ્રધાન કેમરનની કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મિથે ભારતીય મૂળના મતદાતાઓને આકર્ષવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન યાત્રાનો સહારો લીધો હતો. તેમણે પોસ્ટર્સ જારી કર્યા હતા, જેમાં તેઓ મોદી સાથે હસ્તધૂનન કરતા દેખાયા હતા. જોકે આ પ્રકારનો પ્રચાર ઝેક અને કન્ઝર્વેટિવ પાર્ટીને ભારે પડી ગયો અને મોટાભાગના મૂળ ભારતીયોએ મોદીના નામે આકર્ષિત થવાને બદલે સાદિક ખાનને જ મત આપ્યા હતા. એક મૂળ ગુજરાતી અને લંડનમાં વસતા મતદાર રત્ના કામદારે મીડિયાને જણાવ્યું હતું કે સાદિકને હરાવવામાં અને મૂળ ભારતીયોના મત મેળવવા મોદી કાર્ડનો પણ ઉપયોગ કામ ન લાગ્યો કેમ કે મોદીની છાપ ભારતમાં જ નહિ. બ્રિટનમાં વસતા મૂળ ભારતીયોમાં પણ હવે સારી નથી રહી તેમની પોલિસી નિષ્ફળ રહી છે અને લોકોને સ્થાનિક નેતામાં રસ હોય. અહીં લોકોમાં સાદિક વધુ પ્રખ્યાત છે. માત્ર મુસ્લિમો જ નહીં પણ હિંદુઓ, શીખો, ક્રિશ્ચિયન એમ દરેક ધર્મના મુળ ભારતીયો અને સ્થાનિકોએ સાદિકને મત આપ્યા છે. ૪૫ વર્ષીય સાદિક બ્રિટનમાં મોદીનો અનેક વખત વિરોધ કરી ચૂક્યા છે અને મોદીની ભારતમાં કામગીરીની પણ ટીકા કરતા રહ્યા છે. ગત વર્ષે વેમ્બલી સ્ટેડિયમમાં થયેલા ‘યુકે વેલકમ્સ મોદી’ ઈવેન્ટમાં સાદિકે ભાગ લીધો ન હતો.
બસ ડ્રાઇવરના પુત્ર સાદિક ખાન
લંડનમાં પાકિસ્તાની મૂળના બસ ડ્રાઈવરના પુત્ર સાદિક ખાન પિતાનાં આઠ સંતાનો પૈકી પાંચમું સંતાન છે. ૪૫ વર્ષીય સાદિક ખાનનો જન્મ ૧૯૭૦માં લંડનમાં થયો હતો. પિતા બસ ડ્રાઇવર હતા અને માતા સિલાઇ કામ કરી ગુજરાન ચલાવતા હતા. સાદિક ખાને એક સામાન્ય સરકારી શાળામાં પ્રારંભિક શિક્ષણ લીધા પછી કાયદાની ડીગ્રી લીધી છે. તેઓ રેસિસ્ટ ભેદભાવો વિરુદ્ધ અવાજ ઉઠાવવા માટે જાણીતા બન્યા અને હ્યૂમનરાઈટ્સ વકીલ તરીકે કરીયરની શરૂઆત કરી હતી. તેઓ ૧૫ વર્ષની વયે લેબર પાર્ટી સાથે જોડાઇ ગયા અને ૨૦૦૫માં સાઉથ લંડનની ટૂટિંગ બેઠક પરથી ચૂંટણી જીત્યા અને બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં તત્કાલીન નેતા સદન જૈક સ્ટોના અંગત સંસદીય સચિવ બની ગયા. જે બાદ પાર્ટી અને લંડનમાં પણ તેમનું પલડુ ભારે થતું ગયું. યુરોપમાં શહેરોના મેયરની ચૂંટણીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. તમામ યુરોપીય દેશોનાં અખબારોએ સાદિકની રાજકીય કારકિર્દી કરતાં પ્રથમ મુસ્લિમ લંડનના મેયર બન્યા તે મથાળાં પર પસંદગી ઉતારી હતી.
વિજય માટે ધર્મનું કાર્ડ પર આધાર નહિ
પાકિસ્તાની મૂળના એક બસચાલકના પુત્ર લંડનના મેયર બનતાં પાકિસ્તાનમાં તેમની મોટાપાયે પ્રશંસા થઈ રહી છે. પાકિસ્તાનમાં ટ્વિટર પર સાદિકની બોલબોલા રહી. પાકિસ્તાનવાસીઓએ સાદિક ખાનના વિજયને ઐતિહાસિક કહેતાં લંડનના બહુસંસ્કૃતિવાદની પ્રશંસા કરી છે. ટ્વિટર પર થયેલી એક ટિપ્પણીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. મુનાજ નામના એક પાકિસ્તાનીએ ટ્વિટર પર લખ્યું છે કે અસહિષ્ણુતા અને ધર્મનાં નામે ભેદભાવ કરનારાં લોકોને લંડન દ્વારા પ્રેમનો સંદેશો અપાયો છે. લંડન એટલે વિવિધ સંસ્કૃતિનું મિલન કે જ્યાં ધાર્મિક ભેદભાવ નથી. કેટલાકે લખ્યું છે કે સાદિક એક સારા વ્યક્તિ છે અને ચૂંટણીમાં વિજય માટે તેઓ ધાર્મિક કાર્ડ રમ્યા નથી.
સાદિક પર કટ્ટરપંથીઓ સાથે સંબંધના આક્ષેપ
સાદિક ખાન પર કટ્ટરવાદીઓ સાથે એક મંચ પર આવવાનો આક્ષેપ છે. તેઓ નેશન ઓફ ઈસ્લામ ગ્રુપના કટ્ટરપંથી લીડર બાબર અહમદને રિપ્રેઝન્ટ કરતા હતા. અહમદે તાલિબાનને સપોર્ટ કરવાની વાત પણ કબૂલી હતી.જેના કારણે તેઓને અમેરિકાની જેલની સજા પણ થઈ હતી.
શું ભારતમાં આવું શક્ય છે? : ઓમર અબ્દુલ્લા
કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલાએ સાદિક ખાનના વખાણ કર્યા હતા અને લંડન વાસીઓનો પણ આભાર માન્યો હતો, તેઓએ ટ્વિટર વડે જણાવ્યું હતું કે સાદિકનો વિજય એ સાબિત કરે છે કે મત મેળવવા માટે કોઇને ડરાવવાની જરુર નથી. આભાર લંડન વાસીઓ, તમે પુરા વિશ્વને સાચી અને મજબુત લોકશાહીનો સંદેશો આપ્યો છે. શું ભારતના નાગરિકો કોઇ લઘુમતીમાંથી આવતા નાગરિકને આ પ્રકારની ઉંચી પોસ્ટ પર ચૂંટી લાવશે ? લંડનમાં જે બન્યું તે શું ભારતમાં પણ શક્ય છે ?
લેબર પાર્ટીના વડા કોર્બીનની પ્રતિષ્ઠા દાવ પર
લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને બુધવારે જણાવ્યું હતું કે તેઓ કાઉન્સિલની એક પણ સીટ હારશે નહીં. ગુરુવારે જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ હજી પણ પોતાની વાત પર અડીખમ છે તો તેમણે કહ્યું કે અમે કોઇ પણ સીટ પર હારવા માટે લડી રહ્યા નથી. કોર્બીનના નેતૃત્વમાં લેબર પાર્ટીની પ્રથમ ચૂંટણી છે. તેમાં કોર્બીનની પ્રતિષ્ઠા દાવ પર છે. તેનાથી ૨૦૨૦માં યોજાનારી સંસદીય ચૂંટણીઓ પર પણ અસર પડવાની સંભાવના છે.


