સીઇએચટી, ચારુસેટ અને સત્તાવીસ ગામે માનવસેવાની ધૂણી ધખાવી છેઃ સમાજના આગેવાનો

સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે ધ ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT)નો શુભારંભ

Wednesday 20th July 2022 05:07 EDT
 
 

લંડનઃ સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે રવિવારે નવી રચાયેલી સખાવતી સંસ્થા ધ ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ (CEHT)નો શુભારંભ કરાયો હતો. આ ટ્રસ્ટ મધ્ય ગુજરાતમાં આણંદ જિલ્લાના ચાંગા ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેન ચારુસેટ યુનિવર્સિટી અને ચારુસેટ હોસ્પિટલ સાથે સંકળાયેલું છે. આ સંસ્થાનો સામાજિક વિકાસ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે. આ ઉદ્દઘાટન પ્રસંગે ચાંગા ખાતે આવેલા ચારુસેટ કેમ્પસના મહાનુભાવોનું પ્રતિનિધિ મંડળ હાજર રહ્યું હતું.
આ પ્રસંગે ચારુસેટ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય પ્રગતિશીલ સમાજના બે સ્થંભ છે. કટોકટીનો દરેક સમય આપણને એકબીજા સાથે મજબૂત રીતે સંકળાવાની તક આપે છે. ચારુસેટ, CEHT અને સત્તાવીસ ગામ માનવસેવાના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે ધૂણી ધખાવી રહ્યાં છે. ચારુસેટ યુનિવર્સિટીને એ-પ્લસ યુનિવર્સિટી રેટિંગથી પુરસ્કૃત કરાઇ તે આપણા માટે ગૌરવની ક્ષણ છે. હું અપીલ કરવા માગુ છું કે અમારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ છે. ત્યાં અમે હર ઘડી તમારી સાથે છીએ. આવો અને શ્રેષ્ઠ સારવાર પ્રાપ્ત કરો.
આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલના સીઓઓ ડો. ઉમા પટેલે હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ વિશ્વકક્ષાની સુવિધા અને સેવાઓની માહિતી આપી હતી. પોતાની રજૂઆતમાં તેમણે ચારુસેટે સિદ્ધ કરેલા સીમાસ્થંભો વર્ણવ્યા હતા. ચારુસેટ હેલ્થ એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ અને કેળવણી મંડળના ટ્રસ્ટી વિરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાજબી કિંમતે ગુણવત્તાયુક્ત આરોગ્યસેવા ઉપલબ્ધ કરાવવાનો છે.
કેળવણી મંડળના ટ્રસ્ટી વિષ્ણુભાઇ પટેલે જણાવ્યું હતું કે, કિરીટભાઇ આર. પટેલની દીર્ઘદ્રષ્ટિ અને ઉદારતાના કારણે આજે અમે અહીં સત્તાવીસ બિલ્ડિંગ ખાતે હાજર રહી શક્યાં છીએ.
માતૃસંસ્થાના ઉપપ્રમુખ નવનીતલાલ પટેલે જણાવ્યું હતું કે, ચારુસેટ માનવજાતની સુખાકારી માટેનું એક મિશન છે. હું દરેકને સક્રિય રીતે તેમાં સામેલ થવાની અપીલ કરું છું.
CEHTના ડિરેક્ટર કમલેશભાઇ જી. પટેલે જણાવ્યું હતું કે, CEHTની સ્થાપના કરવાની મુસાફરીનો પ્રારંભ ચાર વર્ષ પહેલાં થયો હતો. કોઇ પણ મુસાફરી દરમિયાન અનુભવો આપણને શીખવે છે ને ખરાબ સમયમાં જ સાચા મિત્રોનો અનુભવ થાય છે. દરેક આત્માની સુખાકારી માટે શિક્ષણ અને આરોગ્ય અત્યંત મહત્વના છે. સેવા શું છે તે સમજવામાં આપણે ઘણી વાર ગોથું ખાઇ જઇએ છીએ. સેવા એટલે ઉચ્ચ નૈતિકતા, મૂલ્યો અને વિશ્વસનીયતા છે. સમાજની સેવા જ જીવનની સાચી સિદ્ધિ છે. તેના દ્વારા જ જીવનનું સાચુ સુખ અનુભવી શકાય છે.
આ પ્રસંગે એલએચ લિમિટેડના ચેરમેન ડો. જયેશ વી. પટેલે ટ્રસ્ટની કામગીરી અને લક્ષ્યાંકો અંગે માહિતી આપી હતી. લેખક અને વિચારક અનિલકુમાર પટેલે જણાવ્યું હતું કે, આપવાથી વૃદ્ધિ થાય છે. દાનમાં જાદુઇ શક્તિઓ રહેલી છે. તે દાતા અને દાન મેળવનાર વચ્ચે એક સંબંધ જોડે છે. પ્રારંભે તે ભલે એક નાનું કૃત્ય લાગે પરંતુ તેનું અંતિમ પરિણામ મહાન હોય છે.
કાર્યક્રમના સંચાલક હર્ષદભાઇ પટેલે મહેમાનોની ઓળખ કરાવતા જણાવ્યું હતું કે, કિરીટભાઇ આર. પટેલ સત્તાવીસ ગામ બિલ્ડિંગનો આધારસ્થંભ છે. તેમણે સમાજની દરેક પ્રવૃત્તિને ઉદારતાથી સહાય કરી છે. તેમણે અત્યાર સુધીમાં 6.50 લાખ પાઉન્ડ દાન પેટે આપ્યા છે. આ ઉદારતા માટે તેમને ભારતમાં દાન ભાસ્કર એવોર્ડથી સન્માનિત કરાયા છે. શ્રી કિરીટભાઇ એન. પટેલ (ચાંગા/યુકે)નાં બહેન ઇન્દિરાબહેન (બોરિયાવી/યુકે) દ્વારા 50,000 પાઉન્ડનું દાન આપવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં પાયલ પટેલે સરસ્વતી વંદના અને ઇતની શક્તિ હમે દેના દાતા ગીત રજૂ કર્યાં હતાં. આભાર દર્શન CEHTના સેક્રેટરી ઇન્દ્રભાઇ પટેલે કર્યું હતું.
આ ટ્રસ્ટને શ્રી કિરીટભાઇ એન. પટેલ (ચાંગા/ યુ. કે.)નાં બહેન ઇન્દીરાબહેન (બોરિયાવી/ યુ. કે.) દ્વારા 50,000 પાઉન્ડનું દાન આપવામાં આવ્યું છે.

શિક્ષણનો વિકાસ અને આરોગ્ય સેવાઓમાં સુધારો અમારો મુખ્ય ઉદ્દેશ્યઃ કિરીટભાઇ પટેલ
ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથે વાત કરતાં નવા રચાયેલા ચારુસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટના ચેરમેન કિરીટભાઇ આર. પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણના વિકાસ અને સમાજની સેવા થઇ શકે તે માટે આરોગ્ય સેવાઓમાં સુધારાના ઉદ્દેશ્યથી CEHTની રચના કરાઇ છે. સસ્તા દરે આરોગ્ય સેવાઓ, ઉપલબ્ધતા અને જાગૃતિ જેવા પડકારોનો સામનો નવી ટેકનોલોજીમાં રોકાણ, યોગ્ય પ્રોજેક્ટસને સહાય અને લાંબા ગાળાની ભાગીદારીઓ દ્વારા કરી શકાય. સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરવા, દવાઓનો પૂરવઠો જાળવી રાખવા અને ગ્રામીણ સમાજમાં આરોગ્ય અંગેની જાગૃતિ માટે કેમ્પોનું આયોજન કરવા અમે ભંડોળ ઊભુ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું. અંતે તો તંદુરસ્ત સમાજ જ સુખી સમાજ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter