એશિયન એચિવર્સ એવોર્ડ્ઝમાં અધધધ દાનની સરવાણી વહી

વિજેતાઓ અને સેલેબ્રિટીસ ગ્રોવનર હાઉસ ખાતે ભવ્ય ઊજવણીમાં જોડાયા

Wednesday 21st September 2016 06:36 EDT
 
 

લંડનઃ શુક્રવાર તા. ૧૬મી સપ્ટેમ્બરની સલૂણી સાંજે લંડનના પાર્ક લેનસ્થિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાયેલા પ્રતિષ્ઠિત અને ભવ્યતમ ૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ સમારંભમાં એવોર્ડ્ઝના વિજેતાઓના નામની જાહેરાત વેળા તાળીઓના ગડગડાટથી હોલ ગુંજી ઉઠ્યો હતો.
એવોર્ડ્ઝવિજેતામાં લંડન-સ્થિત શૈક્ષણિક કૌશલ્ય અને તાલીમ વિકાસજૂથ રીજેન્ટ ગ્રૂપના સીઈઓ સેલ્વા પંકજ; ભારત-આફ્રિકામાં મહિલાઓના કલ્યાણ અર્થે અવિરત કાર્ય કરતી સામાજિક સંસ્થા બિન્ટીના સંચાલક સીઈઓ મનજિત ગિલ; સેરેબ્રલ પાલ્સીથી ગ્રસ્ત લોન્ગ જમ્પર પેરાલિમ્પિયન રાયન રઘુ અને લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી વિભૂષિત લોર્ડ નરેન પટેલ KTનો સમાવેશ થયો હતો.
શુક્રવારનો દિવસ પ્રારંભે વરસાદી રહ્યો હતો છતાં, ભવ્યાતિભવ્ય ૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ સમારંભમાં સિદ્ધિઓની ઉજવણી કરવા પાર્ક લેનસ્થિત પ્રતિષ્ઠિત ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે ઉપસ્થિત ૮૦૦થી વધુ મહેમાનોની ભાવના પર તેની કોઈ અસર ન હતી. પ્રવેશદ્વારે ફેન્સી વસ્ત્રોમાં સજ્જ પ્રવેશકો માનવંતા આગંતુક મહેમાનોને આવકારતા હતા અને સેલેબ્રિટીઝ અને મહેમાનોએ રેડ કાર્પેટ પર પગરણ કરી હોલમાં પ્રવેશ લીધો હતો.
એવોર્ડ સમારંભની રાત્રિની સર્વોત્તમ સફળતા તો એ રહી હતી કે ચેરિટી પાર્ટનર ઈન્ડિયન ઓશન ડિઝાસ્ટર રીલિફ (IODR) માટે અતુલનીય £૧૮૦,૦૦૦ના દાનની સરવાણી વહી હતી.

વર્ષ ૨૦૦૪માં બોક્સિંગ ડેના દિવસે વિનાશક સુનામી પછી ૨૦૦૫માં ચેરિટી સંસ્થા IODRની સ્થાપના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ દ્વારા તેના ૧૬ વર્ષમાં સમર્થિત વિવિધ ચેરિટી સંસ્થાઓ માટે લાખો પાઉન્ડના દાન એકત્ર કરવા માટે સતત મદદ કરવામાં આવી છે.

‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના વાચકો દ્વારા નોમિનેટ કરવામાં આવેલા મહાનુભાવોમાંથી એવોર્ડ્ઝ વિજેતાઓની પસંદગી વિદ્વાન નિર્ણાયકગણ દ્વારા કરવામાં આવી હતી. નિર્ણાયક જજીસ પેનલમાં ગૂગલ યુકેના કોમર્શિયલ માર્કેટિંગ હેડ નિષ્મા રોબ, EYના ઓડિટ પાર્ટનર સાન ગુણાપાલા, ઈન્ડિયાકાસ્ટ-ઈન્ડિયાકાસ્ટ મીડિયાના બિઝનેસ હેડ ગોવિંદ શાહી, કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહઅધ્યક્ષ અને સાંસદ શૈલેશ વારા, ડેટપ્લે એન્ડ એપ્રેન્ટિસ રનર-અપના સહસ્થાપક વાના કૌટ્સોમિટિસ, ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર રોની ઈરાની તેમજ લંડન સ્ટોક એક્સચેન્જ પીએલસીના સીઈઓ અને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટના ડિરેક્ટર નિખિલ રાઠી જેવા પ્રખ્યાત મહાનુભાવોનો સમાવેશ થયો હતો.
ABPL Groupના પ્રકાશક/તંત્રી સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘૧૬મા વર્ષમાં પ્રવેશેલા એશિયન એચિવર્સ એવોર્ડ્ઝના વિજેતાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા ઈચ્છું છું. વહી ગયેલાં વર્ષોની માફક આ વિજેતાઓ ઉદાહરણરુપ વ્યક્તિત્વો છે, જેઓએ માત્ર પોતાની પસંદગીના વ્યાવસાયિક ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા નથી દર્શાવી, પરંતુ તેઓ સામાજિક ન્યાય, સમાનતા અને ઓછાં સદનસીબ છે તેમના માટે કાર્ય કરનારા અતુલનીય આદર્શ પણ બની રહ્યાં છે.
‘આ લોકોને તેમની સખત મહેનત તેમજ સમાજ અને કોમ્યુનિટીને આપેલા નોંધપાત્ર પ્રદાન બદલ કદર કરનારો વિશિષ્ટ મંચ પૂરો પાડવાનું મને ભારે ગૌરવ થાય છે. આપણા ચેરિટી પાર્ટનર માટે £૧૮૦,૦૦૦નું દાન એકત્ર કરવામાં મદદ કરનારા માનવંતા મહેમાનોની ઉદારતાથી હું ભાવવિભોર બન્યો છું. ઓક્શનમાં દાન આપનારા તમામનો હું દિલથી આભાર માનવા ઈચ્છું છું.’
આ સલૂણી સાંજે ફરી એક વખત ઈસ્ટેન્ડર્સના સ્ટાર નીતિન ગણાત્રાએ યજમાન તરીકેની જવાબદારી સુપેરે નિભાવી હતી અને કોસ્મોપોલિટન યુકેના ગ્લેમરસ એડિટર ફરાહ સ્ટોરે તેમને સુંદર સાથ આપ્યો હતો. બિઝનેસ ટાયકૂન્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને પાર્લામેન્ટ તથા યુનિફોર્મ્ડ સર્વિસીસના સભ્યો સહિત ૬૫૦થી વધુ મહેમાનો ૧૬મા વાર્ષિક એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ સમારંભમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
સેલેબ્રિટી મહેમાનોમાં ઉદ્યોગપતિ જી. પી. હિંદુજા, રેમી રેન્જર સીબીઈ, સાંસદ સીમા મલ્હોત્રા, ક્રિકેટમાં દંતકથારુપ અને ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈક ગેટિંગ, પૂર્વ ભારતીય ક્રિકેટર ફારૂક એન્જિનિયર, આઈઓડીઆરના ચેરમેન અને સ્થાપક ટોની મથારુ, પાકિસ્તાની ફિલ્મસ્ટાર અરમીના ખાન, એક્સ-ફેક્ટરના પૂર્વ સ્પર્ધક મોનિકા માઈકલ અને MOBO એવોર્ડ્ઝના સ્થાપક કાન્યા કિંગ MBEનો સમાવેશ થયો હતો.
અગ્રણી એથનિક મીડિયા આઉટલેટ્સ સનરાઈઝ રેડિયો અને કલર્સ ટીવી એવોર્ડ્ઝના મીડિયા પાર્ટનર્સ હતા. લંડનસ્થિત સમાચાર સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ દ્વારા વર્ષ ૨૦૦૦માં ધ એશિયન એચિવર્સ એવોર્ડ્ઝની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે ૪૫મા વર્ષમા કાર્યરત આ સામયિકો યુકેના એશિયન સમુદાયમાં વિશાળ વાચકવર્ગ ધરાવે છે.

લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતા લોર્ડ નરેન પટેલ KT

લોર્ડ પટેલ KT FmedSci FRSE (જન્મ ૧૧ મે, ૧૯૩૮) બ્રિટિશ ઓબ્સ્ટેટ્રીશીયન્સ, ક્રોસ બેન્ટ પીઅર ક્રોસ અને યુનિવર્સિટી ઓફ ડુંડીના ચાન્સેલર છે.
લોર્ડ પટેલ ૧૯૬૯માં રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રીશીયન્સ એન્ડ ગાયનેકોલોજીસ્ટ્સના મેમ્બર અને ૧૯૮૮માં ફેલો બન્યા હતા. ૧૯૯૯માં તેઓ રોયલ સોસાયટી ઓફ એડિનબરાના ફેલો તરીકે ચૂંટાયા હતા. ૧૯૯૪-૯૫માં તેમણે એકેડમી ઓફ મેડિકલ રોયલ કોલેજીસ ઓફ સ્કોટલેન્ડના ચેરમેન તરીકે અને ૧૯૯૬-૯૮ દરમ્યાન એકેડમી ઓફ મેડિકલ રોયલ કોલેજીસ ઓફ યુકેના ચેરમેન તરીકે સેવા આપી હતી. ૧૯૯૫-૯૮ સુધી તેઓ રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટેટ્રીશીયન્સ એન્ડ ગાયનેકોલોજીસ્ટ્સના પ્રમુખ,
ઉપરાંત ૧૯૮૭થી ૧૯૯૨ સુધી ઓનરરી સેક્રેટરી અને ૧૯૯૨થી ૧૯૯૫ સુધી વાઈસ પ્રેસીડેન્ટ રહ્યા હતા. લોર્ડ પટેલને ૧૯૯૭માં નાઈટહૂડની પદવી મળી હતી અને ૧ માર્ચ, ૧૯૯૯ના રોજ બેરન પટેલ તરીકે લાઈફ પીઅર બનાવાયા હતા.

એશિયન એચિવર્સ એવોર્ડ્ઝ ૨૦૧૬ના  વિજેતાઓની સંપૂર્ણ યાદી

બિઝનેસપર્સન ઓફ ધ યર
- મિ. નિક કોટેચા,
સીઈઓ મોર્નિંગસાઈડ ફાર્માસ્યુટિકલ્સ

એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર
- મિ. સેલ્વા પંકજ, સીઈઓ રીજેન્ટ ગ્રૂપ

સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર
- મિ.રાયન રઘુ, પેરાલિમ્પિયન

યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસીસ
- PC કાર્મી રેખી (મિસ), મેટ્રોપોલિટન પોલીસ

લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
- લોર્ડ નરેન પટેલ KT

મીડિયા, આર્ટ્સ એન્ડ કલ્ચર
- ધ સિંહ ટ્વીન્સ, એવોર્ડવિજેતા પેઈન્ટર્સ

વુમન ઓફ ધ યર
- મિસ મનજિત ગિલ, વિમેન્સ ચેરિટી ‘બિન્ટી’ના
સીઈઓ અને સ્થાપક

એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ
- મિસ ઝલાખા અહમદ, વિમેન્સ ચેરિટી
‘અપના હક’ના સીઈઓ અને સ્થાપક

પ્રોફેશનલ ઓફ ધ યર
- જો સિધુ QC, બેરિસ્ટર

એડિટર્સ એવોર્ડ ફોર યંગ એન્ટ્રેપ્રીન્યોર
વિવેક ચઠ્ઠા, નાઈન હોસ્પિટાલિટીના ડાયરેક્ટર, યુકેના રિઅલ એસ્ટેટમાં રેસિડેન્શિયલ ડેવલપર અને કોમર્શિયલ ઈન્વેસ્ટર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter