ઇન્દોરઃ મધ્ય પ્રદેશના શાનદાર ઇન્દોરના યજમાનપદે યોજાયેલું 17મું પ્રવાસી ભારતીય સંમેલન દરમિયાન ‘ગુજરાત સમાચાર’ - Asian Voiceના પ્રકાશક - એડિટર ઇન ચીફ શ્રી સી.બી. પટેલને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત લેવાનો અવસર સાંપડ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રવાસી ભારતીય દિવસ પ્રસંગે ભારત સરકાર દ્વારા સન્માનિત 27 મહાનુભાવોમાં સી.બી. પટેલનો પણ સમાવેશ થતો હતો. પ્રવાસી ભારતીય સમ્માન માટે સમગ્ર બ્રિટનમાંથી પસંદ થનાર એકમાત્ર ભારતીય સી.બી. પટેલને મીડિયા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ આ એવોર્ડ એનાયત થયો છે.
માનનીય વડા પ્રધાન દ્વારા યોજાયેલી લંચ પાર્ટીમાં સી.બી. પટેલ ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અતિશય વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે માનનીય વડા પ્રધાનના આમંત્રણથી યોજાયેલી આ બેઠક અનેક પ્રકારે યાદગાર બની રહી હતી.
કુર્તા-જેકેટમાં સજ્જ વડા પ્રધાન કાર્યક્રમોની ભરમાર વચ્ચે પણ એકદમ હળવાશભર્યા મૂડમાં જણાતા હતા. લંચ દરમિયાન યોજાયેલી આ બેઠક દરમિયાન બન્ને મહાનુભાવોએ એકબીજાના ખબરઅંતર પૂછ્યછયા હતા તેમજ ભૂતકાળની યાદો તાજા કરી હતી. સી.બી. પટેલ મળતાં જ નરેન્દ્રભાઇ બોલી ઉઠ્યા હતા કે ‘કેમ છો, સી.બી.? તમે તો પહેલાં જેવા જ ફિટ છો...’
ઉલ્લેખનીય છે કે એબીપીએલ પરિવાર માનનીય નરેન્દ્રભાઇ સાથે વર્ષોજૂનો નાતો ધરાવે છે. નરેન્દ્રભાઇએ વડા પ્રધાન તરીકે દેશનું કે મુખ્ય પ્રધાન તરીકે ગુજરાતનું સુકાન સંભાળ્યું તે પૂર્વેથી સી.બી. પટેલ તેમની સાથે સંપર્ક ધરાવે છે. ‘ગુજરાત સમાચાર’ના અગાઉ હોક્સ્ટન સ્ટ્રીટમાં આવેલા કાર્યાલય ખાતે કર્મયોગ હોલનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઇના શુભ હસ્તે થયું હતું.
નરેન્દ્રભાઇ વડા પ્રધાન તરીકે બ્રિટનની પ્રથમ મુલાકાત દરમિયાન વેમ્બલી એરેનામાં યોજાયેલા જાહેર સમારંભમાં કહી ચૂક્યા છે કે ‘મારા મિત્ર સી.બી. પટેલ જ્યારે જ્યારે ગાંધીનગર આવતા ત્યારે (લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ માટે) મારો કોલર પકડતા હતા.’
ઉલ્લેખનીય છે કે હાલમાં લંડન-અમદાવાદ વચ્ચે ઓપરેટ થઇ રહેલી એર ઇંડિયાની ડાયરેક્ટ ફ્લાઇટ તે વેળા બંધ હતી, અને ‘ગુજરાત સમાચાર’ - Asian Voice દ્વારા આ મુદ્દે ઝૂંબેશ ચલાવવામાં આવી હતી તે સંદર્ભે માનનીય વડા પ્રધાને આ ઉલ્લેખ કર્યો હતો. આ પછી તેમણે લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. આમ, બ્રિટનવાસી ગુજરાતીઓનો વતનપ્રવાસ સરળ બનાવતી લંડન-અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ મોદી સરકારની દેણ છે એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી.


