‘દાગીના વેચી વકીલની ફી ચૂકવું છુંં’

લંડનની કોર્ટમાં અનિલ અંબાણીનું નિવેદન

Wednesday 30th September 2020 05:33 EDT
 
 

લંડન: એક સમયે ભારતના ટોચના ઉદ્યોગપતિઓની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતા અનિલ અંબાણી નાદારીના આરે પહોંચી ગયા છે. દેવાના જંગી બોજ તળે દટાયેલા અનિલ અંબાણીના દાવા અનુસાર, હાલ તેઓ દાગીના વેચીને વકીલોની ફી ચૂકવી રહ્યા છે... તેમના ખર્ચા પત્ની અને પરિવાર ઉઠાવી રહ્યો છે. આ બધી કબૂલાત તેમણે બ્રિટનની કોર્ટ સમક્ષ કરી છે.
ચીનની ત્રણ બેન્કોને ચૂકવવાના થતા ૭૧.૭ કરોડ ડોલર (રૂ. ૫૨૮૧ કરોડ) અંગે લંડન કોર્ટમાં ચાલતા કેસમાં અંબાણીએ એવી સ્પષ્ટતા કરી છે કે પોતે વૈભવી જીવનશૈલી જીવી રહ્યાની બધી વાતો ખોટી ચગાવાઇ છે. વાસ્તવમાં પોતે બહુ સીધીસાદી જિંદગી જીવે છે અને કોર્ટ કેસ લડવા માટે દાગીના પણ વેચવાનો વારો આવ્યો છે.
અનિલ અંબાણીએ આ કેસની સુનાવણી બંધ બારણે ચલાવવાની અપીલ કરી હતી પરંતુ કોર્ટે તેમની વિનંતી ફગાવી દીધી હતી. અંબાણી પર ચીનની ત્રણ બેન્ક દ્વારા પર્સનલ ગેરંટીના કથિત ઉલ્લંઘનનો આરોપ છે. જોકે અનિલ અંબાણીએ કોર્ટને જણાવ્યું હતું કે, મેં આ પ્રકારની કોઈ પર્સનલ ગેરંટી આપી નથી. ગયા મે મહિનામાં હાઇ કોર્ટ ઓફ ઇંગ્લેન્ડના કોમર્શિયલ ડિવિઝને ચુકાદો આપ્યો હતો કે અનિલ અંબાણી પર્સનલ ગેરંટી સાથે બંધાયેલા છે અને તેમણે ત્રણે ચીની બેન્કોને ૨૧ દિવસમાં ૭૧.૭ કરોડ ડોલર ચૂકવી દેવા જોઈએ. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સે વર્ષ ૨૦૧૨માં તેમની પર્સનલ ગેરંટી સાથે ચીનની બેન્કો પાસેથી રૂપિયા ૯૨.૫ કરોડ ડોલરની લોન લીધી હતી.

અંબાણી વિ. ચીનની ત્રણ બેન્ક

યુકે હાઇ કોર્ટે ૨૨ મે ૨૦૨૦ના રોજ અનિલ અંબાણીને આદેશ કર્યા હતા કે ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇના, એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ બેન્ક ઓફ ચાઇના અને ચાઇના ડેવલપમેન્ટ બેન્કને ૧૨ જૂન ૨૦૨૦ સુધીમાં ૭૧.૭ કરોડ ડોલર (આશરે રૂ. ૫,૨૮૧ કરોડ) અને કાનૂની ખર્ચ તરીકે ૫૦ હજાર પાઉન્ડ (આશરે રૂ. ૭ કરોડ) ચૂકવી દેવાના રહેશે. આ ત્રણેય બેન્કોએ અનિલ અંબાણીની કંપનીઓને ૯૨.૫ કરોડ ડોલરની લોન આપી હતી. આ ત્રણેય બેન્કો દાવો કરે છે કે આ લોન માટે અનિલ અંબાણી પોતે પર્સનલ ગેરંટર બન્યા હતા. જોકે અનિલ અંબાણી બેન્કોના આ દાવાને માનવાનો ઇન્કાર કરી રહ્યા છે.

વૈભવી જીવનશૈલી માત્ર અટકળ

રિલાયન્સ ગ્રૂપ (ADAG)ના ચેરમેન અનિલ અંબાણીએ બ્રિટીશ કોર્ટને ચીનની ત્રણ બેન્ક સાથેના લોન કરાર અંગેના કેસમાં બોલતા કહ્યું હતું કે ‘મારી પસંદ વૈભવી હોવાની વાતો માત્ર અટકળો છે.’ ૬૧ વર્ષના અંબાણી કોર્ટ સમક્ષ વીડિયોલિન્ક દ્વારા ક્રોસ એક્ઝામિનેશન માટે હાજર રહ્યા હતા. તેમણે બ્રિટનની કોર્ટમાં ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ બેન્ક ઓફ ચાઇનાની મુંબઇ બ્રાન્ચ, ચાઇના ડેવલપમેન્ટ બેન્ક અને એક્ઝિમ બેન્ક ઓફ ચાઇનાને મળેલા એસેટ ડિસ્કલોઝર ઓર્ડરમાં અનિલ અંબાણીએ ઘણી બાબતોની સ્પષ્ટતા કરી હતી.
એસેટ ડિસ્ક્લોઝર અંગેના આદેશ મુજબ અંબાણીએ વિશ્વભરમાં એક લાખ ડોલરથી વધુ કિંમતની તમામ એસેટ અંગે માહિતી આપવી જરૂરી હતી. અનિલ અંબાણીએ ચીનની બેન્કોને તા. ૧૨ જૂન ૨૦૨૦ સુધીમાં બાકી નાણાં ઉપરાંત કાનૂન ખર્ચના ૫૦ હજાર ડોલર (આશરે રૂ. ૭ કરોડ) ચૂકવવાના હતા. આ રકમ ચૂકવી ન શકતાં ચીનની બેન્કોએ તેમની સંપત્તિનું ડિસ્કલોઝર માંગ્યું હતું.

રૂ. ૯.૯ કરોડના દાગીના વેચ્યાઃ અંબાણી

અનિલ અંબાણીએ કોર્ટમાં સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરીથી જૂનના છ મહિના વચ્ચે મેં રૂ. ૯.૯ કરોડના દાગીના વેચ્ચા છે. અને હવે મારી પાસે કોઇ કિંમતી ચીજવસ્તુ બચી નથી. જ્યારે ત્રણેય બેન્કના વકીલોએ અનિલ અંબાણીની મોંઘીદાટ કારો અને વૈભવી જીવનશૈલી અંગે પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે મીડિયામાં ચાલતા આ પ્રકારના અહેવાલો તદ્દન પાયાવિહોણા છે. અંબાણીને તેમની લક્ઝુરિયસ કારના કાફલા વિશે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે, આ બધી અફવાઓ મીડિયામાં આવી છે. મારી પાસે ક્યારેય રોલ્સ રોયસ હતી જ નહીં. હું અત્યારે ફક્ત એક જ કારનો ઉપયોગ કરી રહ્યો છું.

‘મારો ખર્ચ પત્ની અને પરિવાર ઉઠાવે છે’

ચીનની ત્રણ બેન્કને લોનની પરત ચૂકવણીમાં નિષ્ફળતા બદલ કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહેલા અનિલ અંબાણીએ યુકેની કોર્ટમાં કબૂલાત કરી છે કે, આજે મારી આર્થિક હાલત એટલી બધી કથળી ગઇ છે કે મારો ખર્ચ પણ પત્ની ટીના અંબાણી અને મારો પરિવાર ઉઠાવી રહ્યા છે. હું અત્યારે બિલકુલ સામાન્ય જીવન જીવી રહ્યો છું. ફક્ત એક જ કારનો ઉપયોગ કરું છું. અને આવકના બીજા કોઇ સ્ત્રોત નથી.

માતા અને પુત્ર પાસેથી ઉછીના લીધા છે

ચીનની ૩ બેન્કો દ્વારા લંડનની હાઇ કોર્ટમાં દાખલ કરાયેલા કેસની સુનાવણીમાં મુંબઇથી વીડિયો લિન્ક દ્વારા હાજર રહેલા અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, હું ભવ્ય અને જાજરમાન જિંદગી જીવી રહ્યો છું તેવી અટકળો ખોટી છે. હું ઘણું શિસ્તબદ્ધ જીવન જીવું છું. મારી પાસે અત્યારે નાણાં જ નથી. મારો ખર્ચ અત્યારે મારી પત્ની અને પરિવાર ઉઠાવી રહ્યાં છે. મેં વકીલોની ફી ચૂકવવા માટે મારા રૂ. ૧૦ કરોડના ઘરેણાં વેચી દીધાં છે. હું અત્યંત મોંઘી કારોમાં ફરું છું તેવી વાતો ખોટી છે. મેં માતા પાસેથી રૂ. ૫૦૦ કરોડ જ્યારે પુત્ર પાસેથી
રૂ. ૩૧૦ કરોડ ઉધાર લીધાં છે. લંડનની હાઇ કોર્ટમાં અનિલ અંબાણીની ૩ કલાકની પૂછપરછ દરમિયાન તેમની સંપત્તિઓ, ખર્ચ અને તેમના પરના કુલ દેવા અને જવાબદારીઓ અંગે શ્રેણીબદ્ધ સવાલો કરાયાં હતાં.
ચીની બેન્કોના વકીલ બંકિમ થાનકી ક્યૂસીએ અંબાણીને કહ્યું કે, તમે પૂરતી માહિતી નથી આપી રહ્યા, શું ટ્રસ્ટોમાં તમારું આર્થિક હિત છે? કોર્ટેને માલુમ પડ્યું છે કે, અંબાણીનું બેન્ક બેલેન્સ ૩૧ ડિસેમ્બરે રૂ. ૪૦.૧ લાખ હતું, જે ૧ જાન્યુઆરી, ૨૦૨૦એ રાતોરાત ઘટીને ૨૦.૮ લાખ થઇ ગયું છે.

હું ક્રેડિટ કાર્ડ વાપરતો જ નથી: અનિલનો દાવો

સુનાવણી દરમિયાન અંબાણીએ કબૂલ્યું હતું કે, અત્યાર સુધી હું ભારતના સૌથી શ્રીમંત લોકોની યાદીમાં સામેલ હતો, પરંતુ હવે મારી પાસે ૧.૧૦ લાખ ડોલરની એકમાત્ર કલાકૃતિ બચી છે. અંબાણીને લંડન, કેલિફોર્નિયા, બૈજિંગ સહિતના સ્થળે શોપિંગ કરવાના અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ વિશે પણ સવાલો પણ કરાયા હતા.
ચીની બેન્કો વતી વકીલ બંકિમ થાનકી ક્યુસીએ જણાવ્યું હતું કે, અનિલ અંબાણી ક્રેડિટ કાર્ડ દ્વારા હેરોડ્સ, ડોલ્ચે, ગબાના જેવા લક્ઝુરિયસ સ્ટોર્સમાંથી ખરીદી કરી રહ્યાં છે. આ સમયે અનિલ અંબાણીએ જણાવ્યું હતું કે, હું ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતો નથી. તેમણે કહ્યું કે, આમાનું મોટા ભાગનું શોપિંગ મારી માતાએ કર્યું હતું. અંબાણીના નિવાસસ્થાન ‘સી-વિન્ડ’માં આઠ મહિનાનું વીજ બિલ રૂ. ૬૦.૬ લાખ આવ્યું હતું. આ ઉલ્લેખ સંદર્ભે તેમણે ઓળિયોઘોળિયો ઇલેક્ટ્રિકસિટી કંપની પર નાખતા કહ્યું હતું કે, કંપની ખૂબ મોંઘા ભાવે વીજળી આપે છે.

‘જીવન પરિવાર અને કંપની માટે સમર્પિત’

અનિલ અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અનિલ અંબાણી હંમેશાથી સરળ વ્યક્તિ રહ્યા છે. તેમણે પોતાનું સમગ્ર જીવન પરિવાર અને કંપની માટે સમર્પિત કર્યું છે. મેરેથોન રનર સાથે ધાર્મિક છે. તેઓ સંપૂર્ણ શાકાહારી અને નોન-સ્મોકર છે. તેઓ મનોરંજન માટે બહાર જવાના બદલે ઘરમાં પરિવારજનો સાથે ફિલ્મ જોવાનું વધારે પસંદ કરે છે.

અનિલ અંબાણીએ કોર્ટને શું શું કહ્યું?

• હું શિસ્તબદ્ધ જીવન જીવું છું, હું શરાબસેવન કે ધૂમ્રપાન કરતો નથી.
• હું મારા ભાઇ મુકેશની માલિકીના મકાનમાં ભાડું ચૂકવ્યાં વિના વસવાટ કરી રહ્યો છું.
• મારી પાસે લક્ઝરી કારોનો કાફલો નથી, હું ફક્ત એક જ કારનો ઉપયોગ કરી રહ્યો છું.
• હું મારા પરિવાર અને કંપની પ્રત્યે પ્રતિબદ્ધ છું અને મેરેથોન રનર પણ રહી ચૂક્યો છું.
• હું આજીવન શાકાહારી રહ્યો છું અને બહાર જઈ આનંદ કરવાના બદલે ઘરમાં જ બાળકો સાથે મૂવી જોઉં છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter