લંડનઃ બોલિવુડની સ્ટાર ગાયિકા અનુરાધા પૌડવાલે લેબર પાર્ટીના સાંસદ ગેરેથ થોમસ દ્વારા લોન્ચ કરાયેલા ‘સેવ ગુજરાતી’ અભિયાનને સમર્થન આપ્યું છે. યુકે પ્રવાસના ભાગરૂપે પાર્લામેન્ટ ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં અનુરાધા પૌડવાલ તેમના આગામી પ્રવાસ, પાર્લામેન્ટમાં તેમની કામગીરી તેમજ યુકે સ્કૂલ્સ સિસ્ટમમાં ગુજરાતી ભાષાના શિક્ષણ અને પરીક્ષાના રક્ષણ અંગે વાતચીત કરવા લેબર પાર્ટીના સાંસદો ગેરેથ થોમસ (હેરો વેસ્ટ), વિરેન્દ્ર શર્મા (ઈલિંગ સાઉથોલ) અને જ્હોન એશવર્થ (લેસ્ટર સાઉથ)ને મળ્યાં હતાં.
બે સપ્તાહના ગાળામાં યુકે અને ભારત વચ્ચે મહત્ત્વપૂર્ણ સંપર્કનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાતી જેવી ભાષાઓની રક્ષા કરવા સરકારને ખુલ્લા પત્રને ટેકો આપવા અંગે ૭,૬૦૦થી વધુ લોકોએ સહી કરી છે. આપ સૌને પણ પિટિશનમાં સહી કરવા વેબસાઈટ www.gareththomas.org/save_gujarati ની મુલાકાત લેવા અનુરોધ છે.
સાંસદ ગેરેથ થોમસે જણાવ્યું હતું કે,‘બોલીવૂડનું પ્રખ્યાત નામ યુકેમાં આ મહત્ત્વપૂર્ણ ભાષાના રક્ષણ માટેની પિટિશનને સમર્થન આપે તે અદ્ભૂત છે. ગુજરાતી ભાષા શીખીને તેમના જીવનમાં કેટલાં લાભ મળ્યાં છે તેમ જણાવતાં લોકોની આવેદનપત્ર પર સહી અથવા રુબરુ મુલાકાત લેનારાની સંખ્યાથી હું ગદ્ગદ થયો છું. અભિયાનને ટેકો આપવા બદલ હું અનુરાધા પૌડવાલનો આભારી છું અને પાર્લામેન્ટના ઈવેન્ટ અને મુલાકાતને તેમણે માણી હશે તેવી મને આશા છે.’


