100 પાક. જવાન ઠાર, 13 વિમાન તોડી પડાયાં: ભારતીય સેના

ઓપરેશન સિંદૂરનું એક વર્ષ

Saturday 16th May 2026 06:33 EDT
 
 

નવી દિલ્હીઃ આતંકવાદના તારણહાર પાકિસ્તાનને પાઠ ભણાવવા હાથ ધરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ના એક વર્ષ બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને આ લશ્કરી મિશન દરમિયાન પાકિસ્તાનમાં કેવી તબાહી વેરાઇ હતી તેના આંકડા જાહેર કર્યા છે. ગત વર્ષે 4 દિવસ ચાલેલા ‘ઓપરેશન સિંદૂર’માં ભારતીય સેનાએ જણાવ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાનના 100 જવાન ઠાર મરાયા હતા અને 13 વિમાન તોડી પડાયા હતા.
આ ઓપરેશનની પ્રથમ વર્ષગાંઠ પર સાતમી મેના રોજ થલ સેના, વાયુસેના અને નૌકાદળના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં ઉપસ્થિત ચારમાંથી ત્રણ એ જ અધિકારીઓ હતા, જેમણે તે સમયે ઓપરેશનની દરેક માહિતી દેશ સાથે શેર કરી હતીઃ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ, એર માર્શલ અવધેશ કુમાર ભારતી અને વાઈસ એડમિરલ એન. પ્રમોદ.
એર માર્શલ અવધેશકુમારે જણાવ્યું કે તે ‘ઓપરેશન સિંદૂર’માં ભારતનું કોઈ સૈન્ય માળખું કે નાગરિક સંપત્તિને નુકસાન થયું ન હતું. તેના બદલે અમે પાક.ના 13 વિમાનને તોડી પાડયા હતા. 300 કિમી દૂરથી હાઈ વેલ્યુ એરબોર્ડ એસેટને તોડી પાડવી એ એક રેકોર્ડ હતો. તેમના 11 એરબેઝ તબાહ કર્યા. ઓપરેશનના પહેલા દિવસે આતંકીઓના જે 9 તાલીમ કેન્દ્રોનો નાશ કરાયો હતો, તેમાં 100થી વધુ આતંકીઓ માર્યા ગયા હતા. ભારતનો માર ખાધા પછી પાકે યુદ્ધવિરામની માગ કરી હતી.
મુનીરના પ્રમોશનનો સવાલ અને ખડખડાટ હાસ્ય
બ્રીફિંગ દરમિયાન જ્યારે એક પત્રકારે પૂછ્યું કે, પાક સેના પ્રમુખ મુનીર દ્વારા પોતાને ફિલ્ડ માર્શલ બનાવવાના પગલાંને તેઓ કેવી રીતે જુએ છે? આ સાંભળીને ત્રણેય અધિકારી એકસાથે હસી પડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેઓ આ સમગ્ર પ્રક્રિયાને માત્ર મનોરંજન તરીકે જુએ છે.
65 ટકા સ્વદેશી હથિયારોથી લડાયું યુદ્ધ
લેફ્ટનન્ટ જનરલ ઘાઈ (તત્કાલીન ડીજીએમઓ)એ જણાવ્યું કે આ ઓપરેશન ભારતની વ્યૂહાત્મક વિચારસરણીમાં એક મોટું પરિવર્તન હતું. આમાં આત્મનિર્ભર ભારતની તાકાત જોવા મળી. સમગ્ર યુદ્ધમાં 65 ટકા સ્વદેશી હથિયારોનો ઉપયોગ કર્યો હતો.
સૌથી વધુ બ્રહ્મોસ મિસાઈલ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમે પાકમાં તબાહી મચાવી હતી. હવે ભારતીય સેના ‘મિશન સુદર્શન ચક્ર’ પર કામ કરી રહી છે.
પાકિસ્તાનના 80 ટકા હથિયારો ચીની મૂળના
લેફ્ટનન્ટ જનરલ ઘાઈએ કહ્યું કે પાકિસ્તાન અને ચીન વચ્ચેનો સંબંધ ખૂબ જ ઊંડો છે. આ સંબંધને એમ સમજો કે પાકિસ્તાનના 80 ટકા હથિયારો ચીની મૂળના છે. ભલે આપણે એક જ સરહદ પર ત્રણ વિરોધીઓ - ચીન, પાકિસ્તાન કે તુર્કીયે સામે લડી રહ્યા હોઈએ, બસ અમે તમને એ વિશ્વાસ અપાવીએ છીએ કે ગત વર્ષે અમે જે કંઈ પણ શીખ્યું છે, તેને આત્મસાત કરી લીધું છે અને અમે મજબૂત માર્ગ પર છીએ.
સ્પષ્ટ ચેતવણીઃ ફરી આવું થયું થયું તો...
વાઈસ એડમિરલ પ્રમોદે કહ્યું કે પાક.ની અંદર આતંકી ઠેકાણા પર લાંબા અંતરના પ્રિસિઝન (સચોટ) હથિયારોથી હુમલો કરીને ભારતે તેની પરમાણુ બ્લેકમેલની નીતિને પડકાર આપ્યો હતો. જો ‘ઓપરેશન સિંદૂર’ સંતુલિત સંકલ્પનું પ્રમાણ હતું, તો ભવિષ્યમાં અમારી પ્રતિક્રિયા સ્થાયી અને નિર્ણાયક વિજયનું ઉદાહરણ હશે. જો ફરીથી પડકાર આપ્યો, તો અમે માત્ર પ્રતિક્રિયા જ નહીં આપીએ, પરંતુ શરૂઆતથી જ યુદ્ધક્ષેત્રની દિશા નક્કી કરીશું.
સૈન્ય કોન્ફરન્સમાં મહત્ત્વના નિર્ણયો
પ્રેસ બ્રીફિંગ પછી સૈન્ય કમાન્ડરોની કોન્ફરન્સ યોજાઈ હતી. આમાં કાઉન્ટર-ડ્રોન સિસ્ટમ, સ્વાર્મ એટેક, ડીપ સ્ટ્રાઈક અને રીયલ ટાઈમ ડેટા વોરફેર સાથે જોડાયેલા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. ભવિષ્યના યુદ્ધોમાં તકની કી સરસાઈ મેળવવા માટે પાકિસ્તાન સરહદે આવેલા રાજસ્થાન અને પંજાબની આંતરરાષ્ટ્રીય સીમાઓ પર લેયર્ડ ડિફેન્સ શીલ્ડ તૈયાર કરવામાં આવી રહી છે.
દક્ષિણ પશ્ચિમી કમાનની રેજિમેન્ટોમાં વિશેષ ડ્રોન યુનિટ્સ બનાવવામાં આવી રહ્યા છે. ‘અશ્વિન’ ડ્રોન પ્લાટૂન પાયદળ સેના અને આર્ટિલરીની દરેક યુનિટમાં નાની સબ-યુનિટ્સ તરીકે તૈનાત કરવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter