15 રાજ્યો અને 57 બેઠકોઃ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપે વિપક્ષનો ખેલ બગાડ્યો

Friday 10th June 2022 06:28 EDT
 
 

નવી દિલ્હીઃ દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠક માટે 10 જૂને યોજાનારી ચૂંટણીમાં ચાર રાજ્યો રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ગળાકાપ સ્પર્ધા જોવા મળશે. આ રાજ્યોમાં નિર્ધારિત બેઠક કરતા વધારે ઉમેદવાર મેદાનમાં હોવાથી ચૂંટણી યોજાવી નક્કી છે. ભાજપે આ ચારેય રાજ્યમાં પોતાની સંખ્યાથી જીતી શકાતી બેઠક ઉપરાંત એક-એક ઉમેદવાર ઉતારીને કોંગ્રેસના સમીકરણો બગાડી નાખ્યા છે.
હરિયાણામાં બે સીટ માટે ત્રણ ઉમેદવાર
હરિયાણામાં રાજ્યસભાની 2 સીટ પર ચૂંટણી યોજાવાની છે જેના માટે ત્રણ ઉમેદવાર મેદાનમાં છે. જીત માટે 31 ધારાસભ્યની જરૂર છે. ભાજપ પાસે 41 સભ્ય છે અને તેના ઉમેદવાર કૃષ્ણલાલ સરળતાથી જીતી જશે. કોંગ્રેસ પાસે પણ 31 ધારાસભ્ય છે અને તેના ઉમેદવાર અજય માકનને પૂરા મળશે, પણ જો એક પણ વોટ સરક્યો તો ભાજપ અને જેજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા સાથે મામલો ફસાઈ જશે. કાર્તિકેયના પિતા કોંગ્રેસના મહત્ત્વના નેતા
રહ્યા હોવાથી માકનની મુશ્કેલી વધી શકે છે.
રાજસ્થાનમાં પણ કોંગ્રેસની મુશ્કેલી વધી
રાજસ્થાનમાં ભાજપે અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને ટેકો આપીને કોંગ્રેસના ત્રીજા ઉમેદવારનું સંકટ વધારી દીધુ છે. રાજ્યમાં જીત માટે 41 ધારાસભ્યના મત જોઈએ છે. ભાજપ પાસે પોતાના એક ઉમેદવારને 41 મત આપ્યા બાદ 30 વોટ વધે છે, જે ચંદ્રાને જશે. તેવામાં જો ચંદ્રા 11 મત મેળવી લેશે તો કોંગ્રેસના ત્રીજા ઉમેદવાર હારી જશે. કોંગ્રેસના 108 ધારાસભ્ય છે એટલે કે તેને 15 વધુ ધારાસભ્યોનો ટેકો જરૂરી છે. કોંગ્રેસ 126 MLAનું સમર્થન હોવાનો દાવો કરે છે.
કર્ણાટકમાં જેડીએસ માટે સંકટ વધ્યું
કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેએ એક-એક ઉમેદવાર ઉતાર્યા છે. તેવામાં JDSના એક માત્ર ઉમેદવારની જીતની સંભાવના ઘટી ગઈ છે, ત્યાં જીત માટે 45 મત જરૂરી છે. ભાજપ પાસે 122 ધારાસભ્ય છે અને તે પોતાના બે ઉમેદવાર નિર્મલા સીતારામન અને અભિનેતા જગ્ગેશને જીતાડયા બાદ ત્રીજા ઉમેદવાર લહરસિંહ માટે 32 મત બચાવી લેશે. તેને વધુ 13 મતની જરૂર છે. કોંગ્રેસ પાસે 70 મત છે અને બીજા ઉમેદવાર માટે તે 25 મત બચાવી શકશે અને તેને 20 મતની જરૂર પડશે. એમ અહીં ભાજપ ભારે પડશે.
મહારાષ્ટ્રમાં શિવસેનાની મુશ્કેલીમાં વધારો
મહારાષ્ટ્રમાં ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારીને મહાવિકાસ અઘાડીમાં શિવસેનાની તકલીફ વધારી છે. 6 બેઠક માટે દરેક સીટ પર 42 મતની જરૂર છે. ભાજપ બે સીટ સરળતાથી જીતી શકે છે. મહાવિકાસ અઘાડી પણ 3 સીટ સરળતાથી જીતી શકે છે. તેના 4 ઉમેદવાર છે. કોંગ્રેસ અને એનસીપી પોતાના ઉમેદવારને જીતાડી લેશે પણ શિવસેનાના બે પૈકી એક જ જીતી શકશે. ભાજપને ત્રીજા ઉમેદવાર માટે વધુ 11 ધારાસભ્યનું સમર્થન જોઈશે જ્યારે શિવસેનાને 30 ધારાસભ્યોનો ટેકો જરૂરી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter