15 રાજ્યોની 57 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી

Sunday 22nd May 2022 05:47 EDT
 
 

નવી દિલ્હી: દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 57 બેઠકો પર 10 જૂને ચૂંટણી યોજાવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આ ચૂંટણી પછી અકાલી દળ ગૃહમાં હાજરી ગુમાવશે જ્યારે ભાજપને મહત્તમ લાભ થવા છતાં તે સંપૂર્ણ બહુમતીથી દૂર રહે તેવી શક્યતા છે. આ ચૂંટણી પછી ગૃહમાં ‘આપ’નું કદ વધશે. ચૂંટણી પંચે ગયા ગુરુવારે જાહેરાત કરી હતી કે જૂન અને ઓગસ્ટ વચ્ચે વિવિધ તારીખોએ કેટલાક સભ્યોની નિવૃત્તિને કારણે ખાલી પડનારી બેઠકો પર ચૂંટણી યોજાશે.
રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સભ્યોમાં કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારામન, પિયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી, કોંગ્રેસના નેતાઓ અંબિકા સોની, જયરામ રમેશ તથા કપિલ સિબલ અને બસપાના સતીષ ચંદ્ર મિશ્રાનો સમાવેશ થાય છે. આ સભ્યો 21મી જૂન અને પહેલી ઓગસ્ટ વચ્ચે નિવૃત્ત થશે. કેન્દ્રીય મંત્રીઓએ આ ચૂંટણીમાં ફરી ચૂંટાઈ આવવું પડશે. રાજ્યસભાની ચૂંટણીનો આગામી તબક્કો વર્ષ 2024માં આવશે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 11 બેઠકો પર ચૂંટણી
રાજ્યસભાની આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની સૌથી વધુ 11 બેઠકો પર મતદાન થશે જ્યારે તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 6-6, બિહારમાં પાંચ, કર્ણાટક, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશમાંથી 4-4, મધ્ય પ્રદેશ અને ઓડિશામાં 3-3, પંજાબ, ઝારખંડ, હરિયાણા, છત્તીસગઢ તથા તેલંગાણામાં 2-2 તથા ઉત્તરાખંડમાં એક બેઠક પર ચૂંટણી યોજાશે.
હાલમાં 245 સભ્યોની રાજ્યસભામાં ભાજપના 95, કોંગ્રેસના 29 સાંસદો છે. રાજ્યસભાના નિવૃત્ત થઈ રહેલા સાંસદોમાં ભાજપને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ નુકસાન થશે, જ્યાં તેના ત્રણ સભ્યો વિદાય લઈ રહ્યા છે. આ સિવાય ઝારખંડ અને રાજસ્થાનમાંથી પણ તેના સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. જોકે, ભાજપને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સૌથી વધુ લાભ મળશે. ઉત્તર પ્રદેશમાં ખાલી પડી રહેલી 11 બેઠકોમાંથી પાંચ ભાજપની છે. શાસક પક્ષ ઉત્તર પ્રદેશમાં આઠ બેઠકો જીતે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં યોજાનારી રાજ્યસભાની આ ચૂંટણી ઘણી મહત્વની બની જશે.
‘આપ’નું સંખ્યાબળ વધશે
આ ચૂંટણી પછી ઉપલા ગૃહમાં નવ નિશ્ચિત અને એક સંભવિત બેઠક સાથે આમ આદમી પાર્ટીની તાકાત વધશે. આ દેખાવ સાથે ‘આપ’ ગૃહમાં ટોચના પાંચ પક્ષોમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રમાં શાસક પક્ષ શિવસેના-એનસીપી-કોંગ્રેસનું જોડાણ રાજ્યની ત્રણેય બેઠકો સરળતાથી જીતી લેશે જ્યારે ભાજપ તેની ત્રણમાંથી બે બેઠકો જીતશે. આ ચૂંટણી પછી ગૃહમાંથી અકાલી દળના એકમાત્ર સભ્ય નિવૃત્ત થઈ જશે જ્યારે બસપા એક સાંસદ સુધી સિમિત થઈ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter