25 વર્ષમાં ભારતને વિકસિત દેશ બનાવવા પ્રતિબદ્ધ બનીએ – મોદી

વડાપ્રધાને લાલકિલ્લા પરથી પ્રજાને પાંચ પ્રણ લેવાનું આહવાન કર્યું, યુવાનોને જીવનના 25 વર્ષ દેશ માટે સમર્પિત કરવા હાકલ

Wednesday 17th August 2022 05:10 EDT
 
 

નવી દિલ્હી

ભારત અને વિશ્વના તમામ દેશોમાં વસવાટ કરતા ભારતીયોએ સોમવારે 15 ઓગસ્ટ 2022ના રોજ દેશના 76મા સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરી. આઝાદી મળ્યાના 75 વર્ષની સ્મૃતિમાં મોદી સરકાર દ્વારા વર્ષ 2021માં દાંડી યાત્રાના આયોજન સાથે જ દેશમાં અમૃત મહોત્સવની ઉજવણી શરૂ કરી દેવાઇ હતી. 15મી ઓગસ્ટ 2022ના રોજ હર ઘર તિરંગાના નારા હેઠળ દેશના દરેક નાગરિકે પોતાના નિવાસ પર તિરંગો ફરકાવીને 76મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી હતી.

પરંપરા મુજબ આ વખતે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ખાતે તિરંગો ફરકાવીને આઝાદીના 75 વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. દેશને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ પર્વ નિમિત્તે હું તમામ ભારતીયો અને ભારતને પ્રેમ કરતા તમામને અભિનંદન આપું છું. આપણો તિરંગો વિશ્વભરમાં ખૂબ ઊંચે ફરકી રહ્યો છે.

ઐતિહાસિક લાલ કિલ્લા પરથી 9મી વાર દેશજોગ સંબોધન કરતાં પીએમ મોદીએ ભારતને વિકસિત દેશ બનાવવા પાંચ પ્રતિજ્ઞાઓ પર પોતાની તમામ ઉર્જા કેન્દ્રિત કરવા નાગરિકોને આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આવો આપણે આગામી 25 વર્ષમાં ગુલામીના તમામ પ્રતિકોમાંથી મુક્ત થઇએ, આપણા વારસા અને સંસ્કૃતિ પર ગૌરવ કરીએ, એકજૂથ બનીએ અને નાગરિકો તરીકે આપણી ફરજો પ્રત્યે સભાન બનીએ.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, હું યુવાનોને તેમના જીવનના આગામી 25 વર્ષ દેશના વિકાસ માટે સમર્પિત કરવા અપીલ કરું છું. આપણે સમગ્ર માનવજાતના વિકાસ માટે પણ કામ કરીશું. આ ભારતની શક્તિ છે. ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરે એટલે કે 2047માં વિકસિત દેશ બને તેવા સ્વપ્નને સાકાર કરવા આપણે મોટા લક્ષ્યાંકો હાંસલ કરતા આગળ વધવું પડશે.

લાલ કિલ્લા પરથી સંબોધન કરતાં પીએમ મોદીએ ભારતને લોકશાહીની જનેતા ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણા દેશે સાબિત કરી દીધું છે કે આપણી વૈવિધ્યતા અને દેશભક્તિના એકસૂત્રે બંધાયેલા તાંતણાએ ભારતને ડગાવી ન શકાય તેવો મજબૂત બનાવ્યો છે. કોઇપણ દેશ માટે મહત્વાકાંક્ષી સમાજ ખૂબ મહત્વનો છે. ભારતના દરેક પરિવારમાં રહેલી મહત્વાકાંક્ષા માટે આપણને ગૌરવ છે. દેશનો દરેક નાગરિક ન્યૂ ઇન્ડિયાની ઝડપી પ્રગતિ માટે ઉત્સાહી અને અધીરો છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતના આત્મા અંગેની સમજણ મને એમ કહે છે કે ન્યૂ ઇન્ડિયાના વિકાસ માટે આપણે સમગ્ર દેશમાં તમામનો વિકાસ સુનિશ્ચિત કરવો પડશે. મહાત્મા ગાંધીનું પણ આજ સ્વપ્ન હતું.

ભ્રષ્ટાચાર અને ભાઇભતીજાવાદ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ આ બંને દુષણોને દેશ સામેના સૌથી મોટા પડકાર ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, પરિવારવાદ એક શેતાન છે અને દેશે તેની સામે એકજૂથ થવું પડશે. આપણે ટેલેન્ટ ધરાવતા લોકોને તક આપવી જોઇએ જેથી તેઓ દેશના વિકાસ માટે કામ કરી શકે. હું ફક્ત રાજકારણમાં પરિવારવાદની વાત નથી કરતો. રાજનીતિનો આ દાનવ અત્યારે દેશના દરેક સંસ્થાનમાં પગદંડો જમાવીને બેસી ગયો છે. ભ્રષ્ટાચારના દાનવને પ્રોત્સાહન આપતા લોકોને સજા કરવા સમાજ તરીકે એકજૂથ થવાની જરૂર છે. દેશ ભ્રષ્ટાચાર સામે તો ગુસ્સો બતાવે છે પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે નહીં. ભ્રષ્ટાચારીઓને સજા કરવાની માનસિકતા નહીં કેળવીએ ત્યાં સુધી દેશ ઝડપથી પ્રગતિ કરી શકશે નહીં.

ભારતને વિકસિત દેશ બનાવવા પીએમ મોદીએ લેવડાવેલી પાંચ પ્રતિજ્ઞા

  1. વિકસિત ભારત માટે માર્ગ તૈયાર કરવા મોટા લક્ષ્યાંકો સાથે આગળ વધીએ
  2. ગુલામીના પ્રતિકોમાંથી મુક્ત થઇએ
  3. આપણા વારસા અને સંસ્કૃતિ પર ગર્વ કરીએ
  4. તમામ ભારતીયો એકજૂથ બનીએ
  5. નાગરિકો તરીકે આપણી ફરજો પ્રત્યે સભાન બનીએ

પીએમ મોદીએ તિરંગાની પ્રિન્ટ ધરાવતી પાઘડી પહેરી

2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન અને દેશજોગ સંબોધન સમયે અલગ અલગ પ્રકાર અને રંગોની પાઘડી પહેરતા આવ્યા છે. 76મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ તિરંગાની પ્રિન્ટ ધરાવતો સફેદ સાફો ધારણ કર્યો હતો. જે તેમના દ્વારા શરૂ કરાયેલા હર ઘર તિરંગા અભિયાન સાથે મેળ ખાઇ રહ્યો હતો. 2021માં તેમણે કોલ્હાપુરી ફેંટા સ્ટાઇલનો સાફો ધારણ કર્યો હતો. તે પહેલાં તેમણે કેસરી અને ક્રીમ રંગનો લાંબી ટેઇલ સાથેનો સાફો પહેર્યો હતો. 2017માં તેમણે લાલ અને પીળા રંગ અને સોનેરી લાઇન ધરાવતી પાઘડી પહેરી હતી.

આઝાદી પછી પહેલીવાર સ્વદેશી તોપો દ્વારા તિરંગાને સલામી અપાઇ

ભારત આઝાદ થયાના 75 વર્ષમાં પહેલીવાર લાલ કિલ્લા ખાતે આયોજિત થતા સ્વતંત્રતા સમારોહમાં મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત દેશમાં જ તૈયાર કરાયેલી બે હોવિત્ઝર તોપો દ્વારા 21 ગોળા દાગીને તિરંગાને સલામી અપાઇ હતી. અત્યાર સુધી સાત 25 પાઉન્ડર બ્રિટિશ ગન્સ દ્વારા તિરંગાને સલામી અપાતી હતી. પરંતુ ભારતના 76મા સ્વતંત્રતા દિવસે 25 પાઉન્ડરની સાથે દેશમાં જ બનેલી બે હોવિત્ઝર તોપો દ્વારા સલામી આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter