30 જાન્યુઆરીએ ‘ગાંધી નિર્વાણ દિવસ’

Wednesday 25th January 2023 05:40 EST
 
 

લંડનઃ દર વર્ષે 30 જાન્યુઆરીનો દિવસ ‘ગાંધી નિર્વાણ દિવસ’ તરીકે મનાવાય છે. 1948માં આ દિવસે મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. માત્ર ભારતમાં જ નહિ, વિશ્વના અન્ય પ્રદેશોમાં અને વિશેષતઃ યુકેમાં ‘ગાંધી નિર્વાણ દિવસ’ મનાવાય છે. લંડનમાં દર વર્ષે ધ ઈન્ડિયા લીગ અને ભારતીય હાઈ કમિશન દ્વારા ટાવિસ્ટોક સ્ક્વેર અને પાર્લામેન્ટ સ્કેવર ખાતે આ દિવસે કાર્યક્રમ યોજવામાં આવે છે.

લંડનમાં ટાવિસ્ટોક સ્ક્વેરમાં આ કાર્યક્રમનો આરંભ ભારતના યુકેસ્થિત હાઈ કમિશનર દ્વારા પુષ્પાંજલિ અને સંબોધન સાથે થાય છે. આ પછી, કેમડેન બરોના મેયર, સાંસદો, ઉમરાવો અને ધ ઈન્ડિયા લીગના પ્રેસિડેન્ટ સહિત આમંત્રિત મહેમાનોના હસ્તે પુષ્પાંજલિ કરવામાં આવે છે. ભારતીય વિદ્યા ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીને પ્રિય ભજનોની પ્રસ્તુતિ કરવામાં આવે છે.

1948ની 30મી જાન્યુઆરીએ સાંજે 5.17 કલાકે મહાત્મા ગાંધી તેમની ભત્રીજીઓ સાથે પ્રાર્થનાસભામાં હાજરી આપવા અને સંબોધવા બિરલા હાઉસના બગીચામાં જઈ રહ્યા હતા. આ સમયે નાથુરામ ગોડસેએ તદ્દન નજીકથી તેમની છાતીમાં પિસ્તોલની ત્રણ ગોળીઓ ધરબી દીધી હતી. મહાત્મા ગાંધીના મુખમાંથી આખરી શબ્દો ‘હે રામ’ નીકળ્યા હતા. આજે બિરલા હાઉસનું આ સ્થળ ‘ગાંધી સ્મૃતિ’ નામે ઓળખાતું સ્મારક છે.

દર વર્ષે ભારતના રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા નવી દિલ્હીમાં યમુના નદીની પાસે આવેલા રાજઘાટ ખાતેની સમાધિ પર જઈને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter