31 વર્ષ બાદ ખુલ્લી હવામાં શ્વાસ લેવા છેઃ રાજીવ ગાંધીનો હત્યારો પેરારિવલન જેલમુક્ત

Tuesday 24th May 2022 06:51 EDT
 
 

નવી દિલ્હી: ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના હત્યારા એ. જી. પેરારિવલનને જેલમુક્ત કરવામાં આવ્યો છે. રાજીવ ગાંધી હત્યાકેસમાં 1998માં પેરારિવલનને દોષિત ઠેરવીને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેને બાદમાં કોર્ટે આજીવન કેદમાં ફેરવી નાખી હતી. 1991માં જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે પેરારિવલનની ઉંમર માત્ર 19 વર્ષની હતી, તેણે 30 વર્ષથી વધુની સજા કાપી લીધી હોવાથી અંતે તેને છોડી મુકવાનો આદેશ કોર્ટે આપ્યો છે.
50 વર્ષીય પેરારિવલન પર આરોપ હતો કે તેણે રાજીવ ગાંધીની હત્યાના માસ્ટરમાઇન્ડ એલટીટીઇના ઉગ્રવાદી સિવાસરનને નવ વોલ્ટની બે બેટરી પહોંચાડી હતી, જેનો ઉપયોગ બોમ્બમાં કરવામાં આવ્યો હતો. બાદમાં આ જ બોમ્બથી રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી.
જેલમાંથી બહાર આવ્યા બાદ પેરારિવલને કહ્યું હતું કે મારી માતા છેલ્લા 31 વર્ષથી મને છોડાવવા માટે લડી રહી હતી, તેમણે મારા માટે ઘણું બલિદાન આપ્યું છે.
હવે આગળ શું કરશે તે અંગે જ્યારે પેરારિવલનને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે હાલ તો મારે બહાર નીકળ્યા પછી ખુલ્લામાં શ્વાસ લેવા છે. આગળનું હાલ કંઇ જ નક્કી નથી કર્યું. ફાંસીની સજાથી બચી જવા અંગે પેરારિવલને કહ્યું હતું કે દરેક વ્યક્તિ આખરે માનવી છે અને તેને ફાંસી આપવી યોગ્ય નથી.
ફાંસીની સજા આજીવન કેદમાં બદલાઇ
1998માં ટાડા કોર્ટ દ્વારા પેરારિવલનને દોષી ઠેરવીને ફાંસીની સજા આપવામાં આવી હતી, જેને બાદમાં સર્વોચ્ચ અદાલત દ્વારા યોગ્ય ઠેરવવામાં આવી હતી. જોકે બાદમાં 2014માં ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાખવામાં આવી હતી. અને આ વર્ષે માર્ચ મહિનામાં તેને જામીન આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અપરાધીએ 31 વર્ષ જેલમાં સજા કાપી છે જેના આધારે તેને જામીન મંજૂર કરવામાં આવે છે.
વર્ષ 2015માં જ પેરારિવલને તામિલનાડુના ગવર્નર સમક્ષ દયા અરજી કરી હતી. જોકે રાજ્યપાલ દ્વારા કોઇ જ જવાબ આપવામાં ન આવતાં તેણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ ઉપરાંત તામિલનાડુ સરકાર દ્વારા પણ તેને છોડી મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે આ પ્રકારના અપરાધમાં બહુ જ ઓછી સજા કાપી ચૂકેલાને પણ છોડી મૂકવામાં આવે છે જ્યારે પેરારિવલને 31 વર્ષ જેલમાં કાઢ્યા છે તો તેને કેમ ન છોડવામાં આવે? લાંબા સમય સુધી ચાલેલી દલીલો બાદ અંતે સુપ્રીમ કોર્ટે આર્ટિકલ 142 હેઠળ અપરાધીને છોડી મુકવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે 21 મે 1991ના રોજ તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની તામિલનાડુમાં એક રેલીમાં આત્મઘાતી વિસ્ફોટથી હત્યા કરવામાં આવી હતી. આ આત્મઘાતી વિસ્ફોટને ધાનુ નામની એક મહિલાએ અંજામ આપ્યો હતો. આ વિસ્ફોટમાં રાજીવ ગાંધી ઉપરાંત અન્ય 14 લોકો પણ માર્યા ગયા હતા. આ કેસમાં કુલ સાત લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જેમાં એ.જી. પેરારિવલનનો પણ સમાવેશ થાય છે.
રાજીવના હત્યાને છોડવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ દુર્ભાગ્યપૂર્ણઃ કોંગ્રેસ
રાજીવ ગાંધીની હત્યામાં સામેલ એ.જી. પેરારિવલનને સુપ્રીમ કોર્ટ દ્વારા છોડી મૂકવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસે આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટના છોડી મૂકવાના આદેશને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આરોપ લગાવ્યો હતો કે નરેન્દ્ર મોદી સરકારે એવી પરિસ્થિતિ પેદા કરી દીધી કે કોર્ટે આ નિર્ણય લેવો પડ્યો.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે આતંકવાદને લઈને કેન્દ્ર સરકારનું આ વલણ નિંદનીય છે. સુપ્રીમનો ચુકાદો દુર્ભાગ્યપૂર્ણ છે. આનાથી કરોડો ભારતીય નાગરિકોની ભાવનાને ઠેસ પહોંચી છે કેમ કે કોર્ટે રાજીવ ગાંધીના એક હત્યાને છોડી મૂક્યો છે.
સત્ય બહુ જ સ્પષ્ટ છે આ માટે જવાબદાર મોદી સરકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter