અમદાવાદઃ એર ઈન્ડિયાના બોઈંગ 787-8 ડ્રીમલાઈનર વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યાના બે દિવસ બાદ ડીજીસીએ (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન)એ તમામ એરલાઈન્સને નિર્દેશ આપ્યો છે કે 21 જુલાઈ સુધીમાં બોઇંગ 737 અને 787 સીરીઝના તમામ વિમાનોમાં એન્જિન ફ્યૂઅલ સ્વિચની તપાસ પૂરી કરો. ડીજીસીએ કહ્યું કે આ તપાસ અમેરિકન એફએએ (ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન) દ્વારા 2018માં જારી બુલેટિન અનુસાર કરાશે. તે વેળા અનેક ફરિયાદો બાદ બુલેટિન જારી કરાયું હતું. જેમાં બોઈંગ 737 જેવા વિમાનોમાં ફ્યુઅલ સ્વિચનું લોકિંગ ફીચર નિષ્ક્રિય થવાની ઘટનાઓ રિપોર્ટ કરવામાં આવી હતી.
ડીજીસીએ દ્વારા એરક્રાફ્ટ, એન્જિન અને તેના કોમ્પોનન્ટ્સમાં જરૂરી ફેરફાર અનિવાર્ય કરવાના નિર્દેશ અપાયા છે. મૂળે, એર ઈન્ડિયાની દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઈટ એઆઈ-171ની તપાસમાં સામે આવ્યું કે એન્જિનની ફ્યૂઅલ કટ-ઓફ સ્વિચ અચાનક 'RUN' થી 'CUTOFF' પોઝિશનમાં જતી રહી, જેનાથી એન્જિન બંધ થઈ ગયું. એરક્રાફ્ટ દુર્ઘટના તપાસ બ્યૂરો (એએઆઈબી)ના રિપોર્ટ અનુસાર, એર ઈન્ડિયાએ એફએએની એડવાઈઝરી હેઠળ ભલામણ કરાયેલી તપાસ નહોતી કરાવી કારણ કે તે ફરજીયાત નહોતી. દેશમાં હાલમાં બોઈંગ 787 વિમાનોનું સંચાલન એર ઈન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઈસજેટ જ મુખ્ય રીતે કરી રહી છે.