મુંબઇઃ વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. અનિલ અગ્રવાલે કહ્યું છે કે તેઓ તેમની 75 ટકાથી વધુ સંપત્તિ સામાજિક કાર્યો માટે દાન કરશે અને હવે પછીનું જીવન વધુ સાદગીથી જીવશે. અનિલ અગ્રવાલે એક ભાવુક પોસ્ટમાં લખ્યું છે કે તેમણે આ વચન પુત્ર અગ્નિવેશને આપ્યું હતું. પુત્રના અવસાન બાદ, તેમણે આ સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે અને કહ્યું છે કે હવે તેમનું બાકીનું જીવન આ જ ઉદ્દેશ્ય માટે સમર્પિત રહેશે. અનિલ અગ્રવાલ ભારતના સૌથી ધનાઢ્ય લોકોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. મેટલ કિંગ કહેવાતા અનિલ અગ્રવાલ વેદાંતા ગ્રૂપના સ્થાપક અને ચેરમેન છે.
કાર્ડિયાક એરેસ્ટે યુવા પુત્રનો જીવ લીધો
49 વર્ષની ઉંમરે અગ્નિવેશ અગ્રવાલનું અમેરિકામાં સારવાર દરમિયાન કાર્ડિયાક અરેસ્ટથી નિધન થયું હતું. એક પિતા માટે યુવાન પુત્રને ગુમાવવાથી મોટું કોઈ દુ:ખ નથી. અનિલ અગ્રવાલે લખ્યું કે તેઓ અને તેમના પત્ની કિરણ અગ્રવાલ સંપૂર્ણપણે ભાંગી પડ્યા છે, પરંતુ વેદાંતામાં કામ કરનાર દરેક વ્યક્તિ તેમને પોતાના સંતાન જેવો લાગે છે. એકના એક પુત્રના અવસાનથી અગ્રવાલ પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે. સ્કીઇંગ દુર્ઘટના બાદ ન્યૂયોર્કની માઉન્ટ સાઇનાઇ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કાર્ડિયાક એરેસ્ટથી અગ્નિવેશનું નિધન થયું છે. અગ્નિવેશ અગ્રવાલ વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર હતા. અગ્નિવેશનો જન્મ 3 જૂન, 1976ના રોજ પટનામાં થયો હતો. અગ્નિવેશ જીવનમાં ખેલ, સંગીત અને લિડરશીપના સેક્ટરમાં ઓળખ બનાવી હતી. તેમણે મેયો કોલેજ, અજમેરથી અભ્યાસ કર્યા બાદ ફુજેરાહ ગોલ્ડની સ્થાપના કરી અને હિન્દુસ્તાન ઝિંકના ચેરમેનન જવાબદારી સંભાળી હતી.
અનિલ અગ્રવાલઃ ભંગારના વેપારીમાંથી મેટલ કિંગ
1954માં પટનામાં જન્મેલા અનિલ અગ્રવાલનું બાળપણ સામાન્ય મારવાડી પરિવારમાં વિત્યુ હતું. ઘરની આર્થિક મુશ્કેલીએ તેમને નાની ઉંમરે જવાબદાર બનાવી દીધા અને અધવચ્ચે જ અભ્યાસ છોડવો પડ્યો. માત્ર 19 વર્ષની ઉંમરે તેઓ એક ટિફિન બોક્સ અને પથારી સાથે મુંબઇ આવ્યા હતા. તે સમયે તેમનું એક માત્ર લક્ષ્ય હતું પોતાની મહેનત પર ઓળખ બનાવવી. શરૂઆતના વર્ષોમાં તેમણે ઘણા પ્રકારના ધંધા વેપાર કર્યા, પર સતત નવ પ્રયાસોમાં અસફળતા મળી, તેમ છતાં હિંમત ન હારી. વર્ષ 1976માં તેમણે વેદાંતા લિમિટેડની શરૂઆત કરી. તેમણે સ્ક્રેપ મેટલના વેપારથી શરૂઆત કરી, જેનાથી તેમને ઉદ્યોગની પાયાની જરૂરિયાત સમજાઇ ગઇ. 1986માં સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના સાથે મેન્યુફેક્ચરિંગની દુનિયામાં પગ મૂક્યો. 1993માં દેશની પ્રથમ ખાનગી કોપર સ્મેલ્ટર અને રિફાઇનરી શરૂ કરવું નિર્ણાયક વળાંક હતો. 2001માં બાલ્કો (BALCO) અને ફરી હિન્દુસ્તાન ઝિંક લિમિટેડના અધિગ્રહણે બિઝનેસને નવી ઉંચાઇએ પહોંચાડ્યો. આ બિઝનેસ ડીલે તેમને મેટલ કિંગ તરીકે પ્રસ્થાપિત કર્યા.


