83 તેજસ વિમાનો માટે હિન્દુસ્તાન એરોનોટિક્સને રૂ. 36,468 કરોડનો ઓર્ડર

Saturday 02nd December 2023 14:45 EST
 
 

નવી દિલ્હી: મોદી સરકારે જાહેર ક્ષેત્રની ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ને 83 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ MK IA તેજસ વિમાનોની ડિલિવરી માટે રૂ. 36,468 કરોડનો ઓર્ડર આપ્યો છે. વડાપ્રધાને બેંગલૂરુમાં સંરક્ષણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી કંપનીની મુલાકાત લઇ ‘તેજસ’ વિમાનમાં ઉડાન ભરી હતી.
શનિવારે સૂત્રોએ જણાવ્યું હતું કે ‘તેજસ’ એરક્રાફ્ટની ડિલિવરી ફેબ્રુઆરી 2024 સુધીમાં શરૂ થવાની છે. સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં દેશની સજ્જતા અને સ્વદેશીકરણ વધારવા માટે મોટા પગલાં લીધાં છે, જેમાં ‘તેજસ’ ફાઈટરનો સમાવેશ થાય છે. આ વિમાનનું પ્રથમ વર્ઝન 2016માં ભારતીય હવાઈદળમાં સામેલ કરાયું હતું. હાલ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) ‘તેજસ’ સાથે ભારતીય વાયુસેનાની બે સ્ક્વોડ્રન સંપૂર્ણ રીતે કાર્યરત છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ‘તેજસ’નું અપડેટેડ અને વધુ ઘાતક વર્ઝન LCA MK2ના વિકાસ માટે
રૂ. 9,000 કરોડ મંજૂર કરાયા છે. વિમાનના એન્જિન સહિત સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા ભારતમાં અમેરિકાની જીઇ એન્જિનના ઉત્પાદન માટે ટેક્નોલોજીના ટ્રાન્સફર માટે સમજૂતી થઇ છે.
અવર્ણનીય અનુભવઃ વડાપ્રધાન
વડાપ્રધાન મોદીએ બેંગ્લુરુમાં ‘તેજસ’માં ઉડ્ડયન કર્યું હતું. બાદમાં એક પોસ્ટ શેર કરી કહ્યું કે, ‘આ ઉડ્ડયનથી અવર્ણનીય અનુભવ મળ્યો છે. સંરક્ષણે ક્ષેત્રે દેશની સ્વદેશી ક્ષમતાઓ પર મારો વિશ્વાસ વધી ગયો છે.’
‘તેજસ’માં 45 મિનિટના ઉડ્ડયનનો અનુભવ શેર કરતાં પોસ્ટમાં લખ્યું હતુંઃ આજે મેડ-ઈન-ઈન્ડિયા ‘તેજસ'માં ઉડ્ડયન કરતાં હું અત્યંત ગર્વ સાથે કહી શકું છું કે આપણી મહેનત અને લગનના કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં વિશ્વમાં કોઈનાથી પાછળ નથી. ભારતીય એરફોર્સ, ડીઆરડીઓ અને એચએએલ સાથે સમગ્ર ભારતવાસીઓને મારી શુભેચ્છાઓ.




to the free, weekly Gujarat Samachar email newsletter