BSF દ્વારા બાંગલાદેશ સરહદેથી ૪.૭૬ લાખ પશુની દાણચોરી પકડાઈ

Wednesday 24th March 2021 07:31 EDT
 

નવી દિલ્હીઃ બોર્ડર સિક્યુરિટી ફોર્સે ભારત -બાંગ્લાદેશ સરહદેથી છેલ્લાં પાંચ વર્ષમાં દાણચોરીથી બાંગલાદેશમાં લઈ જવાતા ૪.૭૬ લાખ પશુ પકડી પાડ્યા હોવાનું કેન્દ્રિય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું. અહેવાલો મુજબ સરહદેથી ૨૦૧૬માં ૧૬૮,૮૦૧, ૨૦૧૭માં ૧૧૯,૨૯૯, ૨૦૧૮માં ૬૩,૭૧૬, ૨૦૧૯માં ૭૭,૪૧૦ અને ૨૦૨૦માં ૪૬,૮૦૯ પશુ પકડવામાં આવ્યા હતા.વર્ષોવર્ષ આ સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. ૨૦૧૬માં આ સંખ્યા લગભગ ૧.૭૦ લાખ હતી તે ૨૦૨૦માં ઘટીને માત્ર ૪૭,૦૦૦ થઈ છે.

નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે બીએસએફએ સતત પેટ્રોલિંગ, નાકાબંધી, ઓબ્ઝર્વેશન પોસ્ટ ઉભી કરીને અને હાલની બોર્ડર આઉટપોસ્ટને વધુ સક્ષમ બનાવવા સહિત સરહદે પશુની દાણચોરી અટકાવવા અસરકારક પગલાં લીધા હતા.

બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદે પશુધનની દાણચોરી ચિંતાનો વિષય રહે છે અને આ દૂષણને ડામવા તાજેતરના વર્ષોમાં ઘણાં પગલાં લેવાયા છે. તાજેતરમાં જ પશુઓની દાણચોરીમાં સંડોવાયેલા હોવાના કારણે બીએસએફના ત્રણ જવાનોને ફરજમાંથી દૂર કરાયા હતા.

બીએસએફના સ્પેશિયલ ડિરેક્ટર જનરલ પંકજ કુમાર સિંઘે જણાવ્યું કે આ ત્રણ કર્મીઓ ઉપરાંત પશુઓની સરહદપાર દાણચોરીના કેસમાં ગયા વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં અન્ય ડઝનબંધ અધિકારીઓની ટ્રાન્સફર કરાઈ હતી.

રાયે જણાવ્યું કે જ્યારે પણ દાણચોરીમાં બીએસએફના કર્મીઓની સંડ઼ોવણી પ્રકાશમાં આવે છે ત્યારે તપાસ પછી બીએસએફ દ્વારા શિસ્તભંગના યોગ્ય પગલાં લેવાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter