CAA હેઠળ ભારતીય નાગરિકત્વ માટે શરણાર્થીઓએ ધર્મનો પુરાવો આપવો પડશે

Thursday 30th January 2020 07:27 EST
 

નવી દિલ્હીઃ નાગરિકત્વ સુધારા કાયદા હેઠળ જે શરણાર્થીઓને ભારતની નાગરિકત્વ મેળવવું હશે તેમણે પોતાનો ધર્મ સાબિત કરવાનો રહેશે. આ કાયદા સાથે સંકળાયેલા અધિકારીઓએ આ જાણકારી ૨૯મીએ આપી હતી. બીજી તરફ આસામમાં સીએએ વિરોધી આંદોલનના પગલે નાગરિકતા મેળવવા માટે ૩ મહિનામાં અરજી કરવાની રહેશે. સંસદમાં સીએએ મંજૂર થયો છે અને એમાં પાકિસ્તાન, અફઘાન અને બાંગ્લાદેશના લઘુમતી હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. જે હિંદુ, શીખ, જૈન, બુદ્ધ, પારસી અને ખ્રિસ્તી આ ત્રણ દેશોમાં ધાર્મિંક ભેદભાવનો સામનો કરી રહ્યા છે તેમને નાગરિકતા આપવામાં આવશે. જેઓ ૨૦૧૪ના ડિસેમ્બર પહેલાં ભારત આવ્યા છે તેમને ભારતની નાગરિકતા અપાશે. આ કાયદામાં મુસ્લિમ સમુદાયને બહાર રાખવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શરણાર્થીઓ પાસેથી તેમના મૂળ દેશમાં આ લોકો સાથે થયેલા ધાર્મિંક ઉત્પીડનના પુરાવા માગશે એવી કોઈ સંભાવના નથી. આ ત્રણ દેશોના લઘુમતીઓને નાગરિકતા આપવા કાયદો બની ગયો છે પણ ભારતનું નાગરિકત્વ મેળવવા માટે આ શરણાર્થીઓએ તેમના ધર્મનું પ્રમાણપત્ર આપવું પડશે. એમાં કોઈ પણ સરકારી દસ્તાવેજ, બાળકોનું સ્કૂલ એનરોલમેન્ટ સર્ટિફિકેટ, સિટિઝનકાર્ડ વિગેરેનો સમાવેશ છે. આ સાથે તેમણે એ પણ દસ્તાવેજ દર્શાવવા પડશે જેમાં એ સાબિત થાય કે તેઓ ૨૦૧૪ના ડિસેમ્બર પહેલાં ભારતમાં આવ્યા છે. નાગરિકતા આપવા માટેના નવા નિયમો ઘડવામાં આવી રહ્યાં છે. જોકે કુલ કેટલા દસ્તાવેજ આપવા પડશે એ સ્પષ્ટ નથી.

બીજી તરફ દેશ વિદેશ અને ભારતમાં નાગરિકતા સુધારા કાયદા અંગે ક્યાંક વિરોધ અને ક્યાંક તરફેણના સૂર ઊઠ્યા છે તેવામાં યુરોપિયન યુનિયન પણ આ મુદ્દે પાછળ રહ્યું નથી. યુરોપિયન દેશોના સંગઠન યુરોપિયન યુનિયનની સંસદમાં સીએએના વિરોધમાં સાંસદોએ પ્રસ્તાવ તૈયાર કર્યો છે. પહેલી વખત આવું થઇ રહ્યું છે કે ભારતના કાયદાને લઇને યુરોપિયન યુનિયનમાં એક સાથે ૧૫૦થી વધુ સાંસદો પ્રસ્તાવ રજૂ કરવા અંગે વિચાર કર્યો છે.

૨૭મી જાન્યુઆરીએ અહેવાલ હતા કે, ૨૮ દેશોના યુરોપિયન યુનિયનની સંસદમાં ૧૫૦થી વધુ સાંસદોએ આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદાથી ભારતમાં નાગરિકતા નક્કી કરવાના ધારા ધોરણોમાં બહુ જ ખતરનાક બદલાવ આવી જશે. આનાથી દેશના બહુ જ મોટી સંખ્યામાં લોકો સ્ટેટલેસ એટલે કે નાગરિકતા વગરના થઇ જશે અને આવા લોકોનો કોઇ દેશ નહીં રહે. અને તેનાથી ભારતમાં નાગરિકતા સંકટ પેદા થઇ શકે છે.

સીએએ ભારતનો આંતરિક મામલો : ફ્રાન્સ

દેશભરમાં સીએએનો વિરોધ થઇ રહ્યો છે જેને લઇને સાંસદોએ આરોપ લગાવ્યો છે કે ભારત સરકારે સીએએના વિરોધમાં જે પણ લોકો અવાજ ઉઠાવી રહ્યા છે તેનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે. સીએએ અને એનઆરસી બંને મળી જશે તો અનેક લોકોની નાગરિકતા છીનવાઇ જશે. ભારત સરકારે જવાબમાં કહ્યું છે કે નાગરિકતા કાયદો ભારતનો આંતરિક મામલો છે અને તેને સંસદના બંને ગૃહમાં પસાર કરાયો છે. જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે, મોદી સરકારે આંતરીક મામલાને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી દીધો.

ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ભારતના આંતરિક મામલે ચર્ચા કરવાનો કોઇને અધિકાર નથી. ફ્રાન્સે આ મામલે કહ્યું હતું કે સીએએ એ ભારતનો આંતરિક મામલો છે અને તેમાં અમે કોઇ જ દરમિયાનગીરી નથી કરવાના. કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સીએએ પર બોલનાર યુરોપિયન યુનિયન સંસદ પાકિસ્તાનમાં હિંદુઓ શીખો પર થતા અત્યાચાર વિશે પણ કંઈક બોલે. જોકે બીજી તરફ સીએએ વિરોધી હિંસા માટે પીએફઆઈએ રૂ. ૧૨૦ કરોડનું ફંડ આપ્યું હોવાનું ઈડીએ જાહેર કર્યું છે.

સીએએ વિરોધી હિંસા માટે રૂ. ૧૨૦ કરોડ ફંડ અપાયુંઃ ઈડી

કેરળ સ્થિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) સામે ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલી મની લોન્ડરિંગના કેસની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઈડી)એ એક અહેવાલ રજૂ કર્યો છે. ગૃહ મંત્રાલયને સોંપવામાં આવેલા આ અહેવાલમાં દાવો છે કે, પીએફઆઈ અને રેહાબ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (આરએફઆઈ) દ્વારા દેશભરમાં સીએએ અને એનઆરસીના વિરોધમાં પ્રદર્શનો અને હિંસાને વેગ આપવા આર્થિક ભંડોળ અપાયું હતું. આઈએએનએસ નામની ન્યૂઝ એજન્સી સમક્ષ આ દાવા કરાયા હતા. ઈડીએ દાવો કર્યો હતો કે, પીએફઆઈ અને આરએફઆઈ દ્વારા કપિલ સિબ્બલ, ઈન્દિરા જયસિંહ તથા દુષ્યંત દવે જેવા ટોચના વકીલોને પણ આ માટે લિગલ ફી તરીકે લાખો રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

સમગ્ર ભારતમાં હિંસાત્મક પ્રદર્શનો

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં થઈ રહેલા પ્રદર્શનોના સંબંધમાં તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કહ્યું છે કે આ હિંસા પાછળ પીએફઆઈ અને આરએફઆઈનો હાથ હતો. ઉત્તર પ્રદેશમાં ૭૩ બેંક ખાતામાં રૂ. ૧૨૦ કરોડ જમા કરાવાયા હતા. ઈડીના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે દેશવિરોધી તાકાતોએ સીએએના વિરોધ પ્રદર્શન વખતે હિંસા ભડકાવવા માટે આ પૈસાનો ઉપયોગ કર્યો હતો. ઈડીએ કથિત રીતે જણાવ્યું કે, ડિસેમ્બર, ૨૦૧૯માં ઉત્તર પ્રદેશમાં થયેલા વિરોધ પ્રદર્શન માટે રૂ. ૧૨૦ કરોડનું ફંડ પૂરું પાડયું હતું. જોકે આ બધા વચ્ચે ૨૭મીએ પ. બંગાળમાં નાગરિકતા કાયદાના વિરોધનો પ્રસ્તાવ મંજૂર થયો છે અને કાયદો રદ કરવાની માગણી કરાઈ છે.

પ. બંગાળમાં સીએએનો વિરોધ

કેરળ, પંજાબ અને રાજસ્થાન બાદ પશ્ચિમ બંગાળની વિધાનસભામાં પણ નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં સોમવારે પ્રસ્તાવ મંજૂર થયો છે અને સીએએનો વિરોધ કરનારું પશ્ચિમ બંગાળ ચોથું રાજ્ય બન્યું છે. મુખ્ય પ્રધાન મમતા બેનરજીના આ પ્રસ્તાવને બંગાળની વિધાનસભામાં વિપક્ષો કોંગ્રેસ અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેજા હેઠળ ડાબેરી પક્ષોનો પણ ટેકો મળ્યો હતો. જોકે ભાજપના વિધાનસભ્યોએ આ પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો હતો અને આવો કાયદો મંજૂર કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર માન્યો હતો. ભાજપના સભ્યોએ મમતા બેનરજી ઉપર વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આસામને ઇન્ડિયાથી અલગ કરોઃ શરજિલ

સીએએ વિરોધમાં જેએનયુના વિદ્યાર્થી શરઝિલ ઇમામ એક વાયરલ વીડિયોમાં કહેતો દેખાય છે કે, અમારી પાસે સંગઠિત લોકો હોય તો આસામને હિન્દુસ્તાનને હંમેશા માટે અલગ કરી શકીએ છીએ. હંમેશા માટે નહીં તો એક બે મહિના માટે આસામને હિંદુસ્તાનથી જુદું પાડી શકીએ છીએ. રેલવે ટ્રેક પર એટલો ભંગાર નાંખો કે તેમને હટાવતા મહિનો થઈ જાય. આસામને ભારતથી કાપવું આપણી જવાબદારી છે. આમ કરીશું તો તેઓ આપણી વાત સાંભળશે. જોકે ભડકાઉ નિવેદનો બદલ મંગળવારે શરજિલની અટકાયત કરાઈ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter