નવી દિલ્હી: ભારત સરકારે દેશમાં સિક્યોરિટીઝ અને કોમોડિટી માર્કેટનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (‘સેબી’)ના ચેરપર્સન પદે માધવી પુરી બુચની નિમણૂક કરી છે. તેઓ ‘સેબી’ના વડાં બનનારાં પ્રથમ મહિલા છે. આ સાથે જ ‘સેબી’નું સુકાન સરકારી અધિકારીને બદલે પહેલી વાર પ્રાઇવેટ સેક્ટરમાંથી આવેલી વ્યક્તિને સોંપાયું છે. ‘સેબી’ના ૧૦મા ચેરપર્સન બનેલાં માધવી પુરી બુચનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. આઇઆઇએમ-અમદાવાદમાં અભ્યાસ કરી ચૂકેલાં માધવી પુરી બુચે આઇસીઆઇસીઆઇ બેન્કથી કરિયરની શરૂઆત કરી હતી.
માધવી પુરી બુચ કોણ છે?
• તેમણે આઇઆઇએમ-અમદાવાદમાંથી મેનેજમેન્ટની ડિગ્રી મેળવી છે. • તેઓ નવી દિલ્હી સ્થિત સેન્ટ સ્ટીફન કોલેજના મેથેમેટિક્સ ગ્રેજ્યુએટ છે. • તેઓ ફાયનાન્સિયલ માર્કેટમાં 30 વર્ષનો અનુભવ ધરાવે છે. • 1989માં તેમણે ICICI બેન્કથી કરિયરની શરૂઆત કરી હતી.
મુંબઇ આતંકી હુમલામાં બચી ગયાં હતાં
મુંબઈમાં ૨૦૦૮માં તાજ પર થયેલા આતંકવાદી હુમલા વખતે માધવી પુરીનો પણ બચાવ થયો હતો. તેઓ હુમલા વખતે હોટેલમાં જ હતાં. હાલ ૫૬ વર્ષનાં માધવી પુરી બુચ આતંકવાદી હુમલા વખતે કોર્પોરેટ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં હતાં.