ખડગપુરઃ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતની મુલાકાતે છે. પશ્વિમ બંગાળમાં ખડગપુર સ્થિત આઈઆઈટીમાં અભ્યાસ કરનારા સુંદર પિચાઈએ ખડગપુરમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને સ્પર્ધાત્મક યુગમાં કરિયર બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પશ્વિમ બંગાળની ખડગપુર આઈઆઈટીમાં ૧૯૯૩માં અભ્યાસ કર્યો હતો. ચેન્નઈમાં જન્મેલા અને ભારતમાં જ ઉચ્ચ અભ્યાસ કરનારા સુંદર પિચાઈ ૨૦૧૫થી ગૂગલના સીઈઓ છે. આ વખતેની સુંદર પિચાઈની ભારત મુલાકાત વખતે તેમણે ખાસ પોતાની શિક્ષણ સંસ્થા ખડગપુર આઈઆઈટીની મુલાકાત કરી હતી. ગૂગલના સીઈઓ બન્યા પછીની તેમની ખડગપુરની આ પહેલી મુલાકાત છે.
ખડગપુર આઈઆઈટીમાં તેમણે ભારતના યુવાનોને સંબોધતા જૂના સ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું હતું કે હવે તેમની પાસે ૩૦૦ સ્માર્ટફોન ભલે હોય પણ આ કેમ્પસમાં જ પહેલી વખત તેમણે કમ્પ્યુટર જોયું હતું. તેમને કેટલીક જૂની તસવીરો બતાવવામાં આવી હતી, જેમાંથી તેમણે તુરંત જ પોતાના મિત્રોને ઓળખી બતાવ્યા હતા.
આઈઆઈટીના ખોરાક વિશે તેમને પૂછાયું હતું ત્યારે તેમણે હસતા હસતા કહ્યું હતું કે મિત્રો વચ્ચે એ ઓળખી બતાવવાની શરત લાગતી હતી કે પીરસવામાં આવેલું પ્રવાહી દાળ છે કે સાંભાર છે! તેમણે સ્વીકાર્યું હતું કે તેમને મોડી રાત સુધી જાગવાની આદત હોવાના કારણે સવારનો પહેલો લેક્ચર બંક થઈ જતો હતો. જોકે, તેમણે ખડગપુરના વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવાનું કહ્યું હતું.
તેમણે કહ્યું કે સંસ્થાઓમાં એડમિશન પાછળ વિદ્યાર્થીઓ દોટ મૂકે છે. એના કરતા બાળકોને આશા હંમેશા જળવાઈ રહે તે શિખવાડવાની ખાસ જરૂર છે. સારી શિક્ષણ સંસ્થા સક્સેસની ગેરંટી નથી, પરંતુ જિંદગી તરફનો અભિગમ તમને સફળતા સુધી પહોંચાડે છે.
જીમેલને જાણતા નહોતા સુંદર
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ ગૂગલના ઈન્ટરવ્યૂનું સ્મરણ કરીને કહ્યું હતું કે, પહેલી એપ્રિલ ૨૦૦૪ના દિવસે ગૂગલે તેમનો પહેલો ઈન્ટરવ્યૂ લીધો હતો. એ ગાળામાં ગૂગલે જીમેલનો કન્સેપ્ટ લોંચ કર્યો હતો. ત્રણ ઈન્ટરવ્યૂ સુધી પિચાઈએ સરખા જવાબ આપ્યા ન હતા. એક ઈન્ટરવ્યૂ વખતે તેમને પૂછાયું કે ગૂગલે જીમેલનો કન્સેપ્ટ લોંચ કર્યો છે એ શું છે? તેની પિચાઈને ખબર નહોતી. એ પછી ચોથા ઈન્ટરવ્યૂમાં તેમને જીમેલ બતાવ્યું હતું. એ પછી પિચાઈએ ગૂગલ વતી ઈન્ટરવ્યૂ લેનારાને કહ્યું હતું કે જીમેલમાં શું ફેરફાર કરીને તેને વધુ બહેતર બનાવી શકાય. તેમનો એ આઈડિયા ગૂગલને ગમી ગયો હતો.
ઓર વો બોલતી થીઃ 'અંજલિ સુંદર આયા હૈ!'
સુંદર પિચાઈએ કોલેજના દિવસોને યાદ કરીને કહ્યું હતું કે તેમની પત્ની અંજલિ ખડગપુરમાં તેની ક્લાસમેટ હતી. એ સમયે ગર્લફ્રેન્ડને મળવાનું કામ આજના જેટલું આસાન ન હતું. હોસ્ટેલમાં આજે સરળતાથી ગર્લફ્રેન્ડને લઈ જઈ શકાય છે. એવું એ સમયે ન હતું એટલે ગર્લ્સ હોસ્ટેલની બહાર ખાસ અંજલિની રાહ જોતો હું ઉભો રહેતો. ફોન પણ ન હતા કે મેસેજ-કોલ કરીને ગર્લફ્રેન્ડને બોલાવી શકાય. કોઈ બીજી ગર્લ બહાર નીકળે ત્યારે તેને અંજલિને બોલાવી લાવવાનું કહેતો. એ જોરથી બૂમ પાડીને અંજલિને બોલાવતી અંજલિ સુંદર આયા હૈ. આ વાક્યોથી હોસ્ટેલની બીજી ગર્લ્સ પણ બહાર આવીને હું અંજલિની રાહ જોતો ઉભો છું એ જોઈ જતી. આજે હવે આ સ્થિતિમાંથી મુક્તિ મળી છે એમ તેમણે રમૂજમાં કહ્યું હતું.