INS મોરમુગાઓઃ ભારતમાં નિર્મિત સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ નૌકાદળને સોંપાયું

Saturday 24th December 2022 11:35 EST
 
 

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આધુનિક હથિયારોથી સજ્જ સ્વદેશી મિસાઇલ વિધ્વંસ આઈએનએસ મોરમુગાઓ ભારતીય નૌકાદળને સોંપ્યું છે. યુદ્ધજહાજ આઈએનએસ મોરમુગાઓની મદદથી ભારતીય નૌકાદળ હવે હિંદ મહાસાગરમાં પોતાની પકડ વધુ મજબૂત બનાવી શકશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે આઈએનએસ મોરમુગાઓ ભારતમાં બનેલું સૌથી શક્તિશાળી યુદ્ધજહાજ પૈકીનું એક છે, આ ભારતીય સમુદ્રી ક્ષમતાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ કરશે. આ આપણી સ્વદેશી રક્ષા ઉત્પાદન ક્ષમતાનું એક ઉદાહરણ છે. ભવિષ્યમાં આપણે વિશ્વ માટે જહાજ નિર્માણ કરીશું.
ઉલ્લેખનીય છે કે જે રીતે ચીન હિન્દ મહાસાગરમાં પોતાની ગતિવિધિ વધારી રહ્યું છે, એ સમયે આ યુદ્ધજહાજ નૌકાદળમાં સામેલ થયું છે તે ખૂબ મહત્વની બાબત છે. નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમારે કહ્યું કે આ ઉપલબ્ધિ છેલ્લા દાયકામાં યુદ્ધજહાજ ડિઝાઈન અને નિર્માણ ક્ષમતામાં આપણા દ્વારા ઉઠાવેલા મોટા પગલાંનો સંકેત છે. નૌકાદળમાં શહેરોના નામ પર જહાજોના નામ રાખવાની પરંપરા છે, જે બંને વચ્ચે એક સ્થાયી કડી બનાવે છે. તેમણે આગળ એમ પણ કહ્યું કે સ્વદેશી યુદ્ધજહાજ નિર્માણના ઇતિહાસમાં આજનો દિવસ એક સીમાસ્તંભ બની રહેશે, કારણ કે આપણે ડિસ્ટ્રોયર મોરમુગાઓને ચાલુ કર્યું છે.
આઈએનએસ મોરમુગાઓની લંબાઇ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને 7500 ટનનું વજન છે. તેની ગતિ પ્રતિ કલાક 49 કિલોમીટરની છે. આનાથી નૌકાદળની તાકાતમાં ત્રણ ગણો વધારો થયો છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મોરમુગાઓ પર બ્રહ્મોસ, બરાક-8 જેવી આઠ મિસાઇલ લાગી શકે છે. તેની ખાસિયત એ છે કે હવામાં નક્કી લક્ષ્યને કેટલાક કિલોમીટર દૂરથી ઓળખી શકે છે, આ ખાસિયતને લીધે સટીક નિશાન લગાવી શકે છે. મોરમુગાઓ મધ્યમ અંતરથી હવામાં પ્રહાર કરનારી એસએએમ મિસાઇલ, એસટીએસ મિસાઇલ, સબમરીન સંરક્ષક રોકેટ લોન્ચર, ટોરપીડો ટ્યૂબ અને લોન્ચર, સુપર રેપિડ ગન માઉન્ટ, કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ, ઈન્ટીગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્મટ લાગેલી છે.
ઓટોમેટેડ પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, ફોલ્ડેબલ હેંગર ડોર્સ, ક્લોઝ-ઇન વેપન સિસ્ટમ અને બો માઉન્ટેડ સોનારથી સજ્જ છે. આ યુદ્ધજહાજને ભારતીય નૌકાદળના વોરશિપ ડિઝાઇન બ્યૂરોએ દ્વારા ડિઝાઈન કરાયું છે. તેનું નિર્માણ મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિ.એ કર્યું છે.
આ યુદ્ધજહાજનું નામ પશ્ચિમી તટ પર ગોવાના ઐતિહાસિક બંદરના શહેર પરથી રાખવામાં આવ્યું છે. તેને પહેલીવાર ગત 19 ડિસેમ્બરના રોજ દરિયામાં ઉતારવામાં આવ્યું, જ્યારે ગોવામાં પોર્ટુગલ શાસનથી મુક્તિ મેળવવાના 60 વર્ષ પૂરા થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter