INX મીડિયા મની લોન્ડરિંગ કેસઃ કાર્તિ ચિદમ્બરમની ધરપકડ

Thursday 01st March 2018 02:27 EST
 
 

ચેન્નઈઃ આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસનીશ એજન્સી સીબીઆઈએ બુધવારે ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરી છે. લંડનના પ્રવાસેથી પરત ફરેલા કાર્તિ ચિદમ્બરમ્ ચેન્નઈ એરપોર્ટ પર ઊતર્યા કે તરત જ તેમની ધરપકડ કરાઈ હતી. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કાર્તિની ધરપકડ કરતાં પહેલાં તેમના પરિવારને તેની જાણ કરી દેવાઈ હતી. ધરપકડ બાદ સીબીઆઈની ટીમ કાર્તિ ચિદમ્બરમને અજાણ્યા સ્થળે લઈ ગઈ હતી જ્યાં તેમની પૂછપરછ ચાલી રહી છે. સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીટિંગ કેસમાં કાર્તિ સામે અમારી પાસે મજબૂત પુરાવા છે.
સીબીઆઈએ જણાવ્યું હતું કે કાર્તિ ચિદમ્બરમ્ અમારા સવાલોના જવાબ આપી રહ્યા નહોતા અને તપાસમાં સહકારનો ઇનકાર કરી રહ્યા હતા. કાર્તિ લંડનમાં પોતાનાં રોકાણ દરમિયાન તેમની સામે ચાલી રહેલી તપાસના પુરાવાનો નાશ કરી રહ્યા હતા. હાલ તેમના પિતા પી. ચિદમ્બરમ્ લંડનમાં છે. સીબીઆઈએ કાર્તિને પકડીને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યો હતો. કાર્તિને જામીન પર મુક્ત કરાવવા માટે કોંગ્રેસી નેતા અને વરિષ્ઠ કાનૂનવિદ્ અભિષેક મનુ સિંઘવી હાજર રહ્યા હતા. સિંઘવી અને સીબીઆઈ વચ્ચે અહીંયાં જોરદાર દલીલો થઈ હતી. જોકે છેવટે કોર્ટે કાર્તિનો કબ્જો સીબીઆઇને સોંપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કાર્તિ ચિદમ્બરમના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસ. ભાસ્કરરમણની ૧૬ ફેબ્રુઆરીના રોજ દિલ્હીની એક ફાઇવસ્ટાર હોટેલ ખાતેથી ધરપકડ કરી હતી. આમ હવે ઈડીના અધિકારીઓ પણ કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરે તેવી સંભાવના છે. સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે, મોરિશિયસથી મૂડીરોકાણ મેળવવા માટે આઈએનએક્સ મીડિયાએ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઇપીબી)ના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવા અંગે કેસ ચાલી રહ્યો હતો. કરચોરીના આ કેસને દબાવી દેવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા કાર્તિને આઈએનએક્સ મીડિયા દ્વારા નાણાં ચૂકવવામાં આવ્યાં હતાં. કન્સલ્ટન્સી ચાર્જીસ તરીકે ચૂકવાયેલા રૂપિયા ૧૦ લાખનાં વાઉચર સીબીઆઈને મળી આવ્યાં છે.

ઈન્દ્રાણીએ કાર્તિ સામે આરોપ મૂક્યો હતો

એક તરફ, સીબીઆઈએ આરોપ મૂક્યો હતો કે, કાર્તિ દ્વારા તપાસમાં કોઈ પણ રીતે સાથ સહકાર આપવામાં આવતો નથી. બીજી તરફ સિંઘવીએ દલીલ કરી હતી કે, કાર્તિ ઉપર મૂકવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, ઈન્દ્રાણી મુખરજીએ કાર્તિ સામે મોટી રકમ વસૂલી હોવાનો આરોપ મૂક્યો હતો. ઈન્દ્રાણીએ સીબીઆઈને જણાવ્યું હતું કે, એફઆઈપીબી ક્લિયરન્સ માટે કાર્તિએ તેની પાસેથી સાડા છ કરોડ રૂપિયા મેળવ્યા હતા. સીબીઆઈએ આ મુદ્દે જ કાર્તિની અટકાયત કરી છે. તેને પંદર દિવસના રિમાન્ડ આપવામાં આવે જેથી બાકીના ખુલાસા થઈ શકે. જોકે કોર્ટે તેને એક દિવસ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો.

એરસેલ કેસમાં પણ સંડોવણી

આઈએનએક્સ મીડિયા કેસ ઉપરાંત એરસેલ મેક્સિસ કેસ સાથે પણ કાર્તિ ચિદમ્બરમનું નામ જોડાયેલું છે. માર્ચ ૨૦૦૬માં મલેશિયાની મેક્સિસ કોમ્યુનિકેશને એરસેલમાં ૭૪ ટકા હિસ્સો ખરીદ્યો હતો. મે ૨૦૧૧માં એરસેલનાં સ્થાપક સી. શિવશંકરણે સીબીઆઈમાં એક ફરિયાદ નોંધાવી આરોપ મૂક્યો હતો કે, મારા શેર મેક્સિસને વેચી દેવાનું દબાણ થઈ રહ્યું છે.

INX કેસ અને આરોપીઓ

આઈએનએક્સ મીડિયા અને આઈએનએક્સ ન્યૂઝમાં રૂપિયા ૩૦૫ કરોડનાં ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઇ)માં સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ ચાલી રહી છે. સીબીઆઈનો આરોપ છે કે મહેસૂલ વિભાગ દ્વારા થઈ રહેલી તપાસને ખોરવી નાખવા કાર્તિ ચિદમ્બરમને કંપનીઓ દ્વારા કમિશન ચૂકવાયું હતું.
• કાર્તિ પી. ચિદમ્બરમ્ • મે. આઈએનએક્સ મીડિયા પ્રા. લિ. (પ્રીતમ મુખરજી અને ઇન્દ્રાણી મુખરજી) • ચેસ મેનેજમેન્ટ સર્વિસિઝ (કાર્તિ ચિદમ્બરમ્) • એડવાન્ટેજ સ્ટ્રેટેજિક કન્સલ્ટન્સી પ્રા. લિ. (પદ્મા વિશ્વનાથન્ અને અન્યો) • નાણાં મંત્રાલયના કેટલાક અજાણ્યા અધિકારીઓ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter