IPLમાં સૈફ-કરીના સહિત દસ લોકો ટીમ ખરીદવા માગતા હતા

Friday 08th April 2016 04:40 EDT
 
 

નવી દિલ્હી: ટેક્સ બચાવવા માટે અન્ય દેશોમાં નાણાં છુપાવવા અંગે પનામા પેપર્સ લીકની આંચ હવે આઈપીએલ અને બોલિવૂડ સુધી પહોંચી ગઈ છે. બોલિવૂડ કપલ સૈફઅલી ખાન અને કરીના કપૂરની સાથે વીડિયોકોન ગ્રૂપના વેણુગોપાલ ધૂતનું નામ તેમાં સામેલ થઈ ગયું છે. તાજા ખુલાસા અનુસાર, ૨૦૧૦માં આઈપીએલમાં ટીમ ખરીદવા સૈફઅલી ખાન, કરીના કપૂર, કરિશ્મા કપૂર, વીડિયોકોન કંપનીના વેણુગોપાલ ધૂત સહિત ૧૦ લોકોની અલગ-અલગ ભાગીદારી હતી. આ તમામ લોકોએ ભેગા મળીને એક કન્સોર્ટિયમ બનાવ્યું હતું. કન્સોર્ટિયમે એક અમઓયુ સાઇન કરી પી-વિઝન સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની બનાવી હતી. મોસેક ફોન્સેકા પાસેથી હાંસલ થયેલા એમઓયુ મુજબ, કન્સોર્ટિયમમાં ૧૫%ની હિસ્સેદારી Obdurate Limited નામની કંપનીની હતી. આ કંપની ટેક્સહેવન દેશ બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સમાં રજિસ્ટર્ડ હતી. આ હરાજી માટે તત્કાલીન આઈપીએલ કમિશનર લલિત મોદીએ બે નવા નિયમો જોડી દીધા હતા.

આ નવા નિયમ અંતર્ગત બોલી લગાવનાર કંપનીની નેટવર્થ એક બિલિયન ડોલર અને રૂ. ૪૬૦ કરોડની બેંકગેરેન્ટી આપવાનો હતો. આ નિયમને કારણે નાના બિડરો દૂર થઈ ગયા હતા. હોબાળો થતાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે હરાજી રદ કરી દીધી હતી. ખાસ વાત એ છે કે, ફ્રેન્ચાઇઝી ખરીદવાની પ્રક્રિયા પૂર્ણ થતાં આ કંપનીને ખતમ કરી દેવામાં આવી હતી.

જવાબ આપવા કોઈ તૈયાર નથી

વીડિયોકોનના વેણુગોપાલે જણાવ્યું હતું કે, તેઓ ફક્ત તેમની હિસ્સેદારી અંગે જ જણાવી શકે છે. અન્ય લોકોની હિસ્સેદારી વિશે તેમને કંઈ જાણકારી નથી, તો સૈફઅલી ખાને આ મામલે કોઈ જવાબ આપ્યો નહોતો.

ભાગીદારી

  • અતુલ કોરડિયા ૯.૦%
  • વર્ષા કોરડિયા ૯.૦%
  • કોર્ટયાર્ડ પ્રોપર્ટીઝ પ્રા. લિ. ૧૫.૦%
  • વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ લિ. ૨૪.૫%
  • વીડિયોકોન ઇન્ટર ઇલેક્ટ્રો લિ. ૦.૫%
  • મનોજ એસ. જૈન૯.૦%
  • સૈફઅલી ખાન પટૌડી ૯.૦%
  • કરીના કપૂર ૪.૫%
  • કરિશ્મા કપૂર ૪.૫%
  • ઓબ્ડયુરેડ લિ. ૧૫.૦%

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter