LIC: ૬૫ વર્ષ પૂર્વે રૂ. ૫ કરોડથી પ્રારંભ, આજે રૂ. ૩૮ લાખ કરોડની સંપત્તિ

Sunday 12th September 2021 05:13 EDT
 
 

રાજકોટ: ભારતીય જીવન વીમા નિગમ - લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઇસી)ની સ્થાપના પહેલી સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ પાંચ કરોડ રૂપિયાની પૂંજી સાથે થઈ હતી. એલઆઈસી તરીકે આજે લોકહૈયે વસતી આ સંસ્થાએ ૬૬મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે આજની સ્થિતિએ તેની પાસે ૩૪,૩૬,૬૮૬ કરોડ રૂપિયાના લાઈફ ફંડ સહિત ૩૮,૦૪,૬૧૦ કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે.
બ્રાન્ડ ફાઈનાન્સ ઇન્સ્યોરન્સ દ્વારા પ્રસિદ્ધ એક સર્વેક્ષણ રિપોર્ટ અનુસાર એલઆઈસીએ વિશ્વમાં ત્રીજા નંબરની સૌથી મજબુત અને ૧૦મી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. નોંધનીય છે કે વર્તમાન સ્થિતિએ ૧૪ દેશમાં એલઆઈસીના પદચિહ્નો છે.
વીમા ક્ષેત્રની શરૂઆતના બે દશકા પછી પણ એલઆઈસી માર્કેટમાં સૌથી મોટા હિસ્સેદાર, અર્થાત્ પ્રથમ પ્રિમિયમ આવકમાં ૬૬.૧૮ ટકા અને પોલીસીની સંખ્યામાં ૭૪.૫૮ ટકા હિસ્સેદારી સાથે માર્કેટ લીડર છે.
વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન એલઆઈસીએ ૩૧ માર્ચ ૨૦૨૧ની સ્થિતિએ ૨.૧૦ કરોડ નવી પોલીસી મેળવી હતી અને નવા વ્યવસાયમાં ૩.૪૮ ટકાની વૃદ્ધિ મેળવી હતી. એલઆઈસીના પેન્શન અને ગ્રૂપ વીમા અંતર્ગત સતત બે વર્ષ સુધી ટ્રિલિયન માર્ક પાર કરીને નવા વ્યાવસાયિક પ્રીમિયમની આવકના રૂપમાં ૧,૨૭,૭૬૯ કરોડ રૂપિયા મેળવ્યા હતા.
એલઆઈસી પોતાના ૮ ક્ષેત્રીય કાર્યાલયો, ૧૧૩ મંડળ કાર્યાલય, ૭૪ ગ્રાહક ક્ષેત્રો, ૨૦૪૮ શાખા કાર્યાલયો, ૧૫૪૬ સેટેલાઈટ કાર્યાલયો, ૪૨ હજારથી વધુ પ્રિમિયમ પોઇન્ટસ અને લાઈફ પ્લસ કાર્યાલયો, એક લાખથી વધુ કર્મચારીઓ અને ૧૩.૫૩ લાખ એજન્ટોના માધ્યમથી ગ્રાહકોને સેવા પ્રદાન કરે છે. આ ઉપરાંત એલઆઈસીએ ૮ જાહેર ક્ષેત્રની બેંક, ૬ ખાનગી બેંક, ૧૩ ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક, ૧૪ સહકારી અને ૧ વિદેશી બેંક સાથે જોડાણ કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter