LICનો આઇપીઓ આવતા મહિને

Saturday 19th February 2022 09:27 EST
 
 

અમદાવાદઃ દેશનો સૌથી મોટો એલઆઈસી આઈપીઓ આગામી મહિને માર્ચમાં યોજાઈ શકે છે. ભારત સરકારે આ માટેનો ડ્રાફ્ટ રવિવારે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇંડિયા (‘સેબી’) સમક્ષ રજૂ કર્યો છે. ઈશ્યૂનો અમુક હિસ્સો એન્કર ઈન્વેસ્ટર્સ માટે અનામત રાખશે. આ ડ્રાફ્ટ અનુસાર સરકાર તરફથી ૫ ટકા ઇક્વિટી વેચાશે. જોકે આ શેર ક્યા ભાવે લોકોને ઓફર કરાશે તે હજુ નક્કી નહિ હોવાથી સરકાર કેટલાં નાણા ઊભા કરશે તે સ્પષ્ટ નથી. બજાર નિષ્ણાતોના મતે જીવન વિમા કંપની રૂ. ૫૩,૫૦૦ કરોડથી રૂ. ૯૩,૬૨૫ કરોડ વચ્ચેનું ફંડ એકત્ર કરી શકે છે. મતલબ કે કંપનીનો શેર રૂ. ૧૬૯૩-૨૯૬૨ની રેંજમાં ઓફર કરે તેવી શક્યતા છે.
‘દીપમ્’ (ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ)ના સચિવ તુહિન કાંતા પાંડેએ આ અંગે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર દ્વારા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સને મંજૂરીની અમે રાહ જોઈ રહ્યાં છીએ. બાદમાં ‘સેબી’ની મંજૂરી સાથે માર્ચમાં આઈપીઓ આવી શકે છે. નાણા પ્રધાને ૨૦૨૨-૨૩ની બજેટ સ્પીચમાં એલઆઈસીનો આઈપીઓ ટૂંક સમયમાં યોજાવાની જાહેરાત કરી હતી. સરકાર ઈન્સ્યોરન્સ સેક્ટરની ટોચની કંપનીના ડિસન્વેસ્ટમેન્ટ અંતર્ગત આઈપીઓ મારફત અંદાજિત રૂ. ૭૮ હજાર કરોડનું ફંડ એકત્ર કરશે. ઉલ્લેખનીય છે કે સરકાર તેની ડિસઈન્વેસ્ટમેન્ટ યોજના હેઠળ તાજેતરમાં જ એર ઈન્ડિયાના ખાનગીકરણ દ્વારા રૂ. ૧૨ હજાર કરોડ એકત્ર કરી ચૂકી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter