MDHના સ્થાપક ધર્મપાલ ગુલાટીનું ૯૮ વર્ષની વયે નિધન

ઘોડાગાડી ચલાવતા હતા, રૂ. ૨૦૦૦ કરોડનું સામ્રાજ્ય સ્થાપ્યું

Tuesday 08th December 2020 06:02 EST
 
 

નવી દિલ્હીઃ એમડીએચ મસાલાના માલિક ધર્મપાલ ગુલાટીનું ત્રીજી ડિસેમ્બરે સવારે ૯૮ વર્ષની ઉંમરે હાર્ટએટેકથી નિધન થયું છે. તેઓ છેલ્લા ત્રણ સપ્તાહથી સારવાર હેઠળ હતા. ઉદ્યોગજગતમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને ગત વર્ષે જ પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા. પાકિસ્તાનથી રૂ. ૧૫૦૦ લઇ ભારત આવેલા ધર્મપાલ ગુલાટીએ એક સમયે દિલ્હીમાં રૂ. ૬૫૦માં ઘોડાગાડી ખરીદી દિલ્હીના રસ્તા પર જાતે જ ચલાવી હતી, આજે એમડીએચ રૂ. ૨૦૦૦ કરોડનું ગ્રૂપ છે.
ધર્મપાલ ગુલાટીનો પરિવાર મૂળ પાકિસ્તાનના સિયાલકોટ વિસ્તારનો વતની છે. તેમનો જન્મ ૨૭મી માર્ચ ૧૯૨૩માં થયો હતો. તેમને અભ્યાસ રસ ન હતો. આથી પિતા ચુન્નીલાલે સિયાલકોટમાં પારિવારિક વેપાર મસાલાની દુકાન શરૂ કરી ધર્મપાલને આપી હતી. જેને પંજાબમાં મહાશિયાં દી હટ્ટી (મહાશયની દુકાન)ના નામથી ઓળખ મળી હતી. આથી જ તેમણે મસાલાની કંપની સ્થાપી ત્યારે કંપનીનું નામ એમડીએચ રાખ્યું હતું.
દેશના ભાગલા પડતા ધર્મપાલ ગુલાટી પરિવાર ૧૯૪૭માં સિયાલકોટથી અમૃતસર અને અહીં થોડોક સમય રહ્યા બાદ દિલ્હીમાં સ્થાયી થયો હતો. અહીં પ્રારંભે તેમણે ઘોડાગાડી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવ્યું હતું. બાદમાં તેમણે પરિવારની બચતમાંથી ઘરે જ મસાલા બનાવી વેપાર શરૂ કર્યો. ૧૯૫૯માં દિલ્હીમાં કીર્તિનગરમાં ઓછી મૂડીમાં એક ફેક્ટરી શરૂ કરી. જેનું નામ તેમની સિયાલકોટની દુકાનના નામ પરથી જ MDH રાખ્યું.
૧૦૦૦થી વધારે ડિસ્ટ્રિબ્યૂટર, ૪ લાખથી વધુ રિટેલર્સ
એમડીએચના મસાલાની લંડન, શારજાહ, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, હોંગકોંગ, સિંગાપુર સહિત વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે. આજે ભારત સહિત વિશ્વમાં તેમના ૧૦૦૦થી વધારે ડિસ્ટ્રિબ્યૂટર અને ૪ લાખથી પણ વધારે રિટેલ ડિલર્સ છે. આજે એમડીએમ કંપનીનો વેપાર અંદાજે રૂ. ૨૦૦૦ કરોડનો છે. જેની ૧૮ જેટલી ફેક્ટરી હાલ કાર્યરત છે. આધુનિક મશીનોથી સજ્જ કંપનીમાં રોજ ૩૦ ટન મસાલા પીસીને તેનું પેકેજિંગ કરાય છે.
દિલ્હીના કરોલ બાગમાં દુકાન શરૂ કર્યા બાદ વેપાર ધીમે ધીમે ફેલાવા લાગ્યો હતો. પોતાના ઉત્પાદનનું માર્કેટિંગ કરવાની શરૂઆત કરી ત્યારે ગ્રાહકોને પોતીકાપણાનો અહેસાસ થાય તે હેતુથી પોતાના પ્રોડક્ટના માર્કેટિંગમાં તેઓ પોતે જ કરતા થયા. ટીવી હોય કે પછી સમાચાર પત્રો દરેક જગ્યાએ જાહેરાતમાં ધર્મપાલ ગુલાટી દેખાવા લાગ્યા. આજે તેઓ સૌથી ઉંમરલાયક બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. એફએમસીજી સેક્ટરમાં સૌથી વધારે પગાર લેનાર સીઇઓમાં ધર્મપાલ ગુલાટીનં નામ છે. તેઓ ગોદરેજ કન્ઝયુમરના અદિ ગોદરેજ અને વિવેક ગંભીર, હિન્દુસ્તાન યુનિલિવરના સંજીવ મહેલાથી પણ વધુ રૂ. ૨૧ કરોડ પગાર લેતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter