ઇન્દોરઃ મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા ખેડૂત પ્રદર્શને મંગળવારે હિંસક રૂપ લીધું છે. મંદસૌરમાં ધરણા પર બેસેલા ખેડૂતો પર પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં ૨ ખેડૂતોની મોત થયાં છે તેમજ ૩ ખેડૂતો ઇજાગ્રસ્ત થયાં છે. મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ ઘટનાને લઈને અધિકારીઓની તાત્કાલિક બેઠક બોલાવી હતી. અનેક વિસ્તારોમાં ખેડૂત આંદોલનને પગલે ચીજોના ભાવ જોકે આસમાને પહોંચી ગયા છે.
પોલીસે મંદસૌરમાં ફાયરિંગ કર્યા બાદ મંદસૌર, રતલામ અને ઉજ્જૈનમાં ઈન્ટરનેટ તથા બલ્ક મેસેજિંગ સેવાઓ બંધ કરી દેવાઈ હતી. આ પહેલા મંદસૌરમાં ગુસ્સે થયેલા ખેડૂતોએ દલૌદા સ્ટેશન પર રેલવે ફાટક તોડ્યું હતું. સાથે જ રેલવે પાટા પરની ફિશ પ્લેટ કાઢવાનો પણ ખેડૂતો પર આરોપ લાગ્યો હતો. હવે રાષ્ટ્રીય કિસાન મજદૂર સંઘે ખેડૂતોનાં મોતનાં પગલે બુધવારે પ્રદેશ વ્યાપી બંધની જાહેરત કરી હતી. દરમિયાન સુવાસરામાં ખેડૂતો અને વેપારીઓની વચ્ચે ઝપાઝપીના કિસ્સા સામે આવ્યા હતા. વેપારીઓએ વિરોધમાં અનિશ્ચિત સમય માટે સમગ્ર શહેર બંધ કરાવી દીધું હતું. આ આંદોલનના પગલે શાકભાજીનો જથ્થો પ્રજા સુધી પહોંચતો અટકી ગયો છે.