નવી દિલ્હીઃ મહિલા પત્રકારો દ્વારા જાતીય શોષણ અને યૌન ઉત્પીડનના શ્રેણીબદ્ધ આરોપોનો સામનો કરી રહેલા એમ. જે. અકબરે આખરે વિદેશ રાજ્યપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. અકબરે ૧૭મી ઓક્ટોબર રાજીનામું આપતાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મેં કાયદાની અદાલતમાં વ્યક્તિગત રીતે ન્યાય મેળવવાનો નિર્ણય લીધો છે. મને લાગે છે કે, મારે હોદ્દા પરથી રાજીનામું આપીને મારા પર મુકાયેલા આરોપોનો વ્યક્તિગત ક્ષમતાથી જવાબ આપવો જોઈએ, તેથી મેં કેન્દ્રીય વિદેશ રાજ્યપ્રધાનના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. મને દેશની સેવા કરવાની તક આપવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન સુષમા સ્વરાજનો આભાર માનું છું.
#MeToo અભિયાનનો ભોગ બનનાર એમ. જે. અકબર પહેલા રાજકીય નેતા છે. અકબર સામે તેમની સંપાદક તરીકેની કારકિર્દીમાં ૨૦ જેટલી મહિલા પત્રકારોએ યૌન દુર્વ્યવહાર કર્યાના આરોપ મૂક્યા છે. અકબરે તેમના પર આરોપો મૂકનાર પત્રકાર પ્રિયા રામાણી વિરુદ્ધ દિલ્હીની અદાલતમાં માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે.
ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ રચાશે
મીડિયા, બોલિવૂડ સ્ટાર અને ડિરેક્ટર્સ દ્વારા મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદોની તપાસ કરવા માટે સરકાર દ્વારા પ્રધાનોની સમિતિ રચાશે. અગાઉ કેન્દ્રનાં બાળ અને મહિલાવિકાસ પ્રધાન મેનકા ગાંધીએ આવા કેસો તપાસવા માટે સમિતિની રચના કરવાની જાહેરાત કરી હતી પણ હવે તેમાં ફેરફાર કરાયો છે અને પ્રધાનોની સમિતિ રચવાનું નક્કી કરાયું છે. પ્રધાનોનાં આ ગ્રૂપનું વડપણ વરિષ્ઠ મહિલા પ્રધાન કરશે.

