અમદાવાદઃ ભારતમાં બેન્ક એકાઉન્ટ ખોલાવવાથી માંડીને શેરબજારમાં રોકાણ કરવા સહિતના આર્થિક વ્યવહારોમાં ઓનલાઇન KYCના અભાવે હેરાનપરેશાન વિદેશવાસી ભારતીયો માટે રાહતના સંકેત છે. નાણાં મંત્રાલય અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (‘સેબી’) ભારતીય બજારમાં રોકાણ કરવા માંગતા બિનનિવાસી ભારતીયો (એનઆરઆઈ) અને વિદેશી નાગરિકો માટે ઓનબોર્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહ્યા છે, જે હેઠળ તેમને વિદેશમાં બેઠાં નો યોર કસ્ટમર (કેવાયસી) સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવાની યોજના પર વિચારણા શરૂ કરાઇ છે. મતલબ કે, NRI અને વિદેશી નાગરિકોને ભારતમાં રોકાણ કરવા માટે જરૂરી કાગળકામ પૂર્ણ કરવા માટે ભૌતિક રીતે હાજર રહેવા અથવા બેંક શાખાની મુલાકાત લેવામાંથી મુક્તિ મળશે.
એક અહેવાલ અનુસાર, સુધારા અંતર્ગત વીડિયો આધારિત કેવાયસી પ્રક્રિયા, યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (યુઆઈડી) નંબર ધરાવતા NRI માટે ‘આધાર’ આધારિત વેરિફિકેશન, અન્ય દેશોના ડિજિટલ હસ્તાક્ષરોની માન્યતા અને ડિજિટલ નોટરાઈઝેશન પ્રક્રિયાને આવરી લેવાય તેવી સંભાવના છે.
નિષ્ણાતોનું કહેવું છે કે, જ્યારે નિયમનકારો NRI માટે રોકાણમર્યાદા વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે કેવાયસી પ્રક્રિયા મોટો અવરોધ બની રહી છે. એરસ્પેસ સંબંધિત અવરોધો સમયે એનઆરઆઈ રોકાણકારો માટે કેવાયસી ચકાસણી માટે શારીરિક રીતે મુસાફરી કરવી સરળ નથી. અહેવાલ મુજબ, હાલમાં NRI અને વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ માટે ઘણાં અવરોધોનો સામનો કરવો પડે છે. તેમને ભારતની નાણાકીય વ્યવસ્થામાં સામેલ થવામાં લગભગ એક મહિના જેટલો સમય લાગે છે. એટલું જ નહીં, એનઆરઆઈને ભારતમાં બેંક ખાતું ખોલાવવા માટે રૂબરૂ હાજર રહેવું પડે છે.
એક અહેવાલ જણાવે છે કે, ડિસેમ્બર 2025માં ‘સેબી’એ NRI કસ્ટમર્સના રિ-કેવાયસી માટે ડયુ ડિલિજન્સ પ્રક્રિયાને જીઓલોકેશન ટેગિંગ અને વીડિયો વેરિફિકેશન દ્વારા ડિજિટલ રીતે પૂર્ણ કરવાની મંજૂરી આપી હતી. હવે ‘સેબી’ રેગ્યુલર કેવાયસી માટે પણ સમગ્ર સિસ્ટમને સરળ બનાવવા પ્રયાસ કરી રહી છે. જોકે આ માટે આરબીઆઈના સહયોગ અને સહાયની જરૂર પડી શકે છે. જો જોગવાઇ લાગુ થઇ તો એનઆરઆઈ જ્યાં પણ વસવાટ કરતા હશે ત્યાંથી ભારતમાં રોકાણ કરી શકશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં ભારત બહારના ઈન્ટરનેટ પ્રોટોકોલ કે આઇપી એડ્રેસ માટે વીડિયો કેવાયસીની સુવિધા ઉપલબ્ધ નથી. બજાર વિશ્લેષકોના મતે આજના યુગમાં જ્યારે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નું ચલણ વધી રહ્યું છે અને આઈટી ક્ષેત્રના વ્યાપક વિકાસ તથા વિસ્તરણ થઇ રહ્યું છે ત્યારે આ યોગ્ય નથી. બજાર નિષ્ણાતોનું કહેવું છે કે, આવી સ્થિતિમાં આપણે જોવું પડશે કે, આ અવરોધો અને જોખમોને કઈ રીતે ઘટાડી શકાય. તેમણે જણાવ્યું હતું કે, ભારતની બહારથી ‘આધાર’ આધારિત ફેસ ઓથેન્ટિકેશન પણ બ્લોક કરાયું છે. જેથી ‘આધાર’ ધરાવતો NRI હજુ પણ કેવાયસી કરી શકતો નથી. આ બધા અવરોધોને કઈ રીતે દૂર કરી શકાય તે અંગે વિચારણા થઇ રહી છે.


