નવી દિલ્હીઃ સંસદની એક સ્થાયી સમિતિએ ૧૩મી માર્ચે એનઆરઆઈના લગ્નોને ૩૦ દિવસમાં ફરજિયાત રજિસ્ટ્રેશન માટેના એક બિલને બહાલી આપી દીધી છે. વિદેશી બાબતો અંગેની સ્થાયી સમિતિએ રજિસ્ટ્રેશન ઓફ મેરેજ ઓફ નોન-રેસિડેન્ટ ઈન્ડિયન બિલ, ૨૦૧૯ને કેટલીક ભલામણો સ્વીકારીને મંજૂરી આપી હતી. આ બિલમાં પાસપોર્ટ સત્તાવાળાઓને સત્તા અપાઈ છે કે જો એનઆરઆઈ તેમના લગ્નનું રજિસ્ટ્રેશન ૩૦ દિવસમાં નહીં કરાવે તો તેમના પાસપોર્ટ અથવા ટ્રાવેલ દસ્તાવેજો રદ્દ કરી શકે છે. કમિટીએ પાસપોર્ટ, વીઝા અથવા કાયમી રહેવાસી કાર્ડ અને વિદેશમાં પૂરાવા સાથે સરનામાને લગતી તમામ વિગતો સામેલ કરી શકાય તે માટે ફોર્મમાં સુધારાની હાકલ કરી છે.