નવી દિલ્હીઃ ભારત સરકારે OCI (ઓવરસીઝ સિટીઝન ઓફ ઇંડિયા) કાર્ડધારકો માટે બહુ રાહતજનક નિર્ણય કર્યો છે. નવી જોગવાઇ અનુસાર, હવે પછી ઓસીઆઇ કાર્ડધારકોએ ભારતપ્રવાસ વેળા પોતાનો જૂનો - એક્સપાયર્ડ પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી. અલબત્ત, નવો પાસપોર્ટ ફરજિયાત સાથે રાખવો પડશે.
આ નિર્ણયથી લાખો ભારતવંશીઓએ રાહતની લાગણી અનુભવી છે. હવે ભારતવંશી વિદેશી નાગરિકોને ભારત આગમન સમયે એરપોર્ટ પર ના તો જૂનો - એક્સપાયર્ડ પાસપોર્ટ આપવો પડશે કે ના તો તેમને ઇમરજન્સી વિઝા માટે મુશ્કેલી થશે. આમ તેમના સમય અને નાણાંનો બગાડ અટકશે. આની સાથોસાથ ભારત સરકારે ઓસીઆઇ કાર્ડની રિન્યુઅલ મુદત વધારીને ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ કર્યાની જાહેરાત કરી છે. ભારત પ્રવાસ માટે OCI કાર્ડ એક પ્રકારે આજીવન વિઝા સમાન ગણાતું હોવાથી લાખો વિદેશવાસી ભારતીયો તેનો લાભ લઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ની કલમ 7Bમાં એક ખાસ પ્રકારના જૂથને કેટલીક વિશેષ સુવિધા અપાઇ છે. આ વિશેષ સમૂહને OCI - ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇંડિયા કાર્ડધારક કહે છે. સરળ શબ્દોમાં કહીએ તો OCI કાર્ડધારક એક ભારતીય મૂળની એવી વ્યક્તિ છે, જેણે અન્ય કોઇ દેશની નાગરિકતા મેળવી લીધી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશને બાદ કરતાં અન્ય કોઇ પણ દેશમાં વસતાં ભારતીયો OCI કાર્ડ મેળવી શકે છે.
OCI કાર્ડમાં નાગરિકના પોતાના દેશના પાસપોર્ટનો નંબર નોંધાયેલો હોય છે. આ કારણે ભારત પ્રવાસ વેળા ભારતવંશી OCI કાર્ડધારકને કાર્ડ સાથે પાસપોર્ટ પણ સાથે રાખવો પડતો હોય છે, જેથી વેરિફિકેશન થઇ શકે. છેલ્લા ઘણા વર્ષોથી વિદેશવાસી ભારતીયો આ જોગવાઇ બદલવાની માગ કરી રહ્યા હતા કેમ કે પાસપોર્ટની મુદત વીતી ગયે તે નવા બની ગયા હતા. વળી, કેટલાક ભારતવંશીઓ પાસે જૂના ફોરેન પાસપોર્ટ ન હોવાથી તેમને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી મળતી નહોતી અને તેમને એરપોર્ટથી પરત ફરવું પડતું હતું. જોકે હવે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની અનિવાર્યતા દૂર કરાઇ હોવાથી આ લોકો સરળતાથી ભારત પ્રવાસ કરી શકશે. જોકે OCI કાર્ડ સાથે નવો પાસપોર્ટ રાખવાની જોગવાઇ યથાવત્ છે. મતલબ કે OCI કાર્ડ સાથે ચાલુ પાસપોર્ટ રાખવો ફરજિયાત છે.
નોંધનીય છે કે OCI કાર્ડની સુવિધા એ દેશમાં વસતાં ભારતીય નાગરિકો માટે જ છે જ્યાં બેવડા નાગરિકત્વની જોગવાઇ છે. કોઇ ભારતીય વ્યક્તિ એક જ નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ૧૮૩ દિવસ વિદેશમાં રહ્યો હોય તો તે NRI ગણાય છે. OCI કાર્ડધારક ભારતીય નાગરિક નથી, જ્યારે NRI ભારતનો નાગરિક હોય છે. OCI કાર્ડધારક પાસે ભારતમાં મતદાન કરવાનો અધિકાર નથી હોતો, જ્યારે NRI પાસે મતાધિકાર હોય છે. OCI કાર્ડધારક વ્યક્તિ કોઇ ચૂંટણીમાં ભાગ લઇ શકતી નથી, જ્યારે NRI ચૂંટણીમાં ભાગ લઇ શકે છે. OCI કાર્ડધારક પાસે ભારતનો પાસપોર્ટ હોતો નથી, જ્યારે NRI પાસે ભારતનો પાસપોર્ટ હોય છે.
OCI કાર્ડની સમયમર્યાદામાં વધારો
ભારત સરકારે ૨૦ વર્ષથી ઓછા અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના કાર્ડધારકો માટે OCI કાર્ડની રિન્યુઅલ સમયમર્યાદા પણ વર્ષની આખર સુધી લંબાવી છે. હવે આવા ભારતવંશીઓનું ઓસીઆઈ કાર્ડ ૩૧ ડિસેમ્બર -૨૦૨૧ સુધી માન્ય ગણાશે. વર્ષ ૨૦૦૫થી અમલી ઓસીઆઈના દિશા-નિર્દેશો અનુસાર ૨૦ વર્ષથી ઓછી વયના અને ૫૦ વર્ષથી વધુ વયના કાર્ડધારકોને દર વખતે નવો પાસપોર્ટ બનાવતા સમયે પોતાનું OCI કાર્ડ બીજી વખત ઇસ્યુ કરાવવું પડતું હોય છે.