OCI કાર્ડધારકોએ ધર્મપ્રસાર સહિતના કાર્યો માટે મંજૂરી લેવી પડશે

Wednesday 10th March 2021 06:10 EST
 

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓસીઆઈ (ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા) કાર્ડધારકો માટે નવા નિયમો જાહેર કર્યા હતા. જે હેઠળ અને ઓસીઆઈ કાર્ડધારકોએ દેશમાં ધર્મપ્રસાર, તબલિગ કે પર્વતારોહણ કે પત્રકારત્વની કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી ખાસ સમંજૂરી લેવી પડશે. ગયા શુક્રવારે જારી કરાયેલા મંત્રાલયના જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, ઓસીઆઈ કાર્ડધારકોએ ભારતમાં કોઈ પણ વિદેશી દુતાવાસ કે વિદેશી સરકારના સંગઠનોમાં ઇન્ટર્નશિપ કરવા કે ભારતમાં કોઈ વિદેશી દૂતાવાસમાં નોકરી કરવા માટે વિશેષ પરવાનગી મેળવવાની રહેશે. એ સિવાય તેમણે સંરક્ષિત કે નિયંત્રિત કે પ્રતિબંધિત હોય તેવી કોઈ જગ્યાની મુલાકાત લેવા માટે ખાસ પરવાનગી મેળવવાની રહેશે.
નોંધપાત્ર છે કે, કોરોનાની મહામારી ફેલાવવાના કારણે માર્ચ ૨૦૨૦માં જ્યારે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે એ સમયે તબલીગી જમાતના ૨૫૦૦થી વધારે સભ્યો દિલ્હીમાં સંગઠનના મુખ્યાલયમાં એકત્ર થયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે, એ સમયે મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
લગભગ ૨૩૩ વિદેશી તબલીગી કાર્યકર્તાઓની વિઝાના નિયમોના ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઓસીઆઈ કાર્ડધારકોએ ધર્મપ્રસાર કે તબલીગી કે પર્વતારોપણ કે પત્રકારત્વની કામગીરી માટે વિદેશી પ્રાદેશીક નોંધણી ઓફિસર કે સંબંધિત ઇન્ડિયન મિશન પાસેથી ખાસ પરવાનગી મેળવવાની રહેશે.

• એનઆરઆઇને આઇટી રિટર્ન ભરવામાંથી શરતી મુક્તિઃ જે એનઆરઆઇ ભારતમાં ૧૮૨ દિવસ કરતા વધારે વસવાટ કરે તેમણે રિર્ટન ભરવું પડે છે. પરંતુ તાજેતરની મહામારીને ધ્યાનમાં રાખીને સીબીડીટીએ આવા એનઆરઆઇને રિટર્ન ભરવામાંથી મુક્તિ આપી છે. સામાન્ય રીતે ભારતમાં ૧૮૨ દિવસ કરતા વધારે સમય એનઆરઆઇ રહે તો તેમને સામાન્ય રેસિડેન્ટ ગણી ટેક્સ લાગુ પડે છે. જોકે કોવિડ-૧૯ના કારણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ થતાં ભારત આવ્યા પછી પરત નહી જઇ શકેલાને આ શરતી છૂટછાટ લાગુ પડે છે. આ પેરિપત્ર સાબીડિટીએ બહાર પાડ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter