નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૬૩ ઈરાદાપૂર્વકના નાદારોને આપવામાં આવેલી રૂ. ૭,૦૧૬ કરોડની શકમંદ લોન માંડવાળ કરાઈ છે તેવા આક્ષેપો કોંગ્રેસે સંસદમાં કર્યા છે, જે ૬૩ ખાતાઓની શકમંદ લોન માંડી વાળી છે તેમાં ૩૧ને આંશિક માંડવાળ કરાઈ છે અને છને બિનકાર્યક્ષમ અસ્કામતો (એનપીએ) તરીકે દર્શાવાઈ છે.
બેન્કે તેનાં પાકા સરવૈયામાં જે લોનો માંડી વાળી છે તેમાં કિંગફિશર એરલાઇન્સના માલિક વિજય માલ્યાને અપાયેલી રૂ. ૧,૨૦૧ કરોડની લોનનો પણ સમાવેશ કરાયો છે અને તે માંડવાળ કરેલી શકમંદ લોનોની યાદીમાં ટોચ પર છે. બેન્કનાં પાકાં સરવૈયામાં કિંગફિશરને અપાયેલી અને વસૂલ નહીં કરાયેલી લોનનો ઉલ્લેખ જ કરાયો નથી. અન્ય ટોચના ડિફોલ્ટર્સનાં નામ પણ યાદીમાં સમાવાયાં છે. તેમાં કેએસ ઓઇલના રૂ. ૫૯૬ કરોડ, સૂર્યા ફાર્માના રૂ. ૫૨૬ કરોડ, જીઈટી પાવરના રૂ. ૪૦૦ કરોડ અને એસએઆઈ ઇન્ફો સિસ્ટમના રૂ. ૩૭૬ કરોડનો સમાવેશ થાય છે.


