VT: ભારતનાં વિમાનો પરના આજેય ગુલામીનું પ્રતીક

Wednesday 16th November 2016 07:44 EST
 
 

નવી દિલ્હીઃ ભારતીય વિમાનોના રજીસ્ટ્રેશન પર જોવા મળતો ગુલામીના પ્રતીક સમાન VT કોડ આજે પણ યથાવત છે. VTનો અર્થ વાઇસરોય ટેરેટરી થાય છે. આ VT ભારત જયારે બ્રિટીશરોનું ગુલામ હતું ત્યારે ઇસ ૧૯૨૯માં અપાયો હતો. વીટી કોડ ભારતના દરેક સિવિલ એરક્રાફટ પર જોવા મળે છે.
કોઇ પણ દેશ આઝાદ થાય ત્યારે ગુલામીના પ્રતીકોને ફગાવી દે છે પણ વાઇસરોય ટેરેટરી સૂચવતો VT કોડ ૭૦ વર્ષ પછી પણ દૂર થયો નથી. જૂનો કોડ પાકિસ્તાન, ફિજી અને નેપાળ જેવા દેશોએ ફગાવી દીધો છે. એવિએશન ઈન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે કોડ VT વાંચીને મગજમાં બ્રિટીશ રાજની ઝાંખી થાય છે. ભારત સ્વતંત્ર દેશ હોવાથી વાઇસરોય ટેરેટરી એટલે કે વાઇસરોયનો વિસ્તાર ઉલ્લેખ યોગ્ય નથી.
આંતરરાષ્ટ્રીય એવિએશનના નિયમ મુજબ કોઇ પણ વિમાન પર એરક્રાફટ કોડ વંચાય તેવી રીતે મોટા અક્ષરે લખવો ફરજિયાત છે.
એરક્રાફટ રજીસ્ટ્રેશન કોડના પાંચમાંથી બે અક્ષર એ જે તે દેશનો કોડ સૂચવે છે. આ કોડથી વિમાન કયા દેશનું છે તે જાણી શકાય છે. બાકીના ત્રણ અક્ષરના કોડ વિમાનની માલિક કંપનીની ઓળખ દર્શાવે છે.
આ અંગે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનમાં રજૂઆત થતી હોવા છતાં કોઇ પરિણામ મળ્યું નથી. આથી ભારતના વિમાનો પર જોવા મળતા VT કોડ અંગે વારંવાર સવાલો ઉઠતા રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર નવો VT કોડ મેળવવા માટે અગાઉની સરકારોએ પણ પ્રયત્નો કર્યા હતા. ભારતના નામ મુજબ બીએ અને ઇન્ડિયા નામ મુજબ આઇએ કોડની માગણી પણ કરાઇ હતી, પરંતુ બી કોડ ચીન અને આઇ કોડ ઇટાલી દેશને ફાળવી દેવાયા છે. આમ કોડ ઉપલબ્ધ નહીં હોવાથી તેવી સ્થિતિમાં VT કોડ મજબૂરી બની ગયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter