e-Rupi: ભારતમાં નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ

Thursday 05th August 2021 05:06 EDT
 
 

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશમાં પહેલીવાર કેશલેસ અને કોન્ટેક્ટલેસ પેમેન્ટ માટે નવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ e-Rupi લોન્ચ કરી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેમણે ઈલેક્ટ્રોનિક્સ વાઉચર ડિજિટલ પેમેન્ટ સોલ્યૂશન્સનું અનાવરણ કર્યું હતું.
e-Rupi એ એક પ્રકારનું પ્રી-પેઇડ ઈ-વાઉચર છે, જે ક્યૂઆર કોડ તેમજ એસએમએસને આધારે કામ કરશે. મોબાઈલ યૂઝર્સ રોકડ વ્યવહાર કર્યા વિના કોઈ પણ પ્રકારનાં પેમેન્ટ માટે ઉપયોગ કરી શકાશે. આ સિસ્ટમ સેવા આપનારાઓને તેના લાભાર્થીઓ સાથે જોડે છે તેમજ સર્વિસ પ્રોવાઈડરને ફિઝિકલ સંપર્ક વિના ડિજિટલી અન્યો સાથે જોડે છે. આ સિસ્ટમનો અમલ થવાથી જુદી જુદી સરકારી યોજનાઓ માટે લાભાર્થીઓને કોઈ અવરોધો વિના પેમેન્ટ મળશે. આથી ભ્રષ્ટાચાર ઘટશે. આના ઉપયોગથી દેશમાં ડિજિટલ પેમેન્ટને વેગ મળશે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) દ્વારા તેના UPI પ્લેટફોર્મ પર તેને વિકસાવવામાં આવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીસ, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેર તેમજ નેશનલ હેલ્થ ઓથોરિટીના સહયોગથી તે તૈયાર કરાઇ છે.

વડા પ્રધાન મોદીએ ઈ-રૂપીને લોન્ચ કરતી વેળા કહ્યું હતું કે આ ઈ-રૂપી વાઉચરથી દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન તેમજ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્ઝેક્શન (ડીબીટી)ને વેગ આપી શકાશે. આને કારણે દેશમાં દરેક લોકોને ટાર્ગેટેડ, ટ્રાન્સપરન્ટ અને લીકેજ ફ્રી પેમેન્ટના લાભ મળશે. કોઈ સામાન્ય સંસ્થા કે સંગઠન કોઈની સારવાર માટે કે અભ્યાસ માટે કે અન્ય કોઈ કામ માટે મદદ કરવા માગતી હશે તો રોકડ વ્યવહાર કર્યા વિના તે e-Rupi દ્વારા પેમેન્ટ કરી શકશે. આને કારણે જે કાર્ય કરવા માટે પેમેન્ટ કરાયું હશે તે કાર્યમાં જ અપાયેલી રકમનો ઉપયોગ થવાનું નિશ્ચિત બનશે. મોદીએ કહ્યું કે e-Rupi પર્સન તેમજ પર્પઝ સ્પેસિફિક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter