નવી દિલ્હીઃ આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા નામમાં પણ શુભ છે, તમારી યાત્રા નવા યુગનો શુભારંભ પણ છે. વાતચીત આપણે બંને કરી રહ્યા છીએ, પરંતુ મારા અવાજમાં તમામ ભારતીયોનો ઉત્સાહ - ઉમંગ પણ છે. અંતરિક્ષમાં ભારતનો ધ્વજ લહેરાવવા માટે શુભકામના પાઠવું છું.
મોદીએ એમ પણ પૂછયું કે ત્યાં બધુ કુશળ મંગળ છે ને, તમારી તબિયત બરાબર છે? તેના જવાબમાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે ભારતીયોની શુભકામનાઓથી હું અહીં બરાબર છું. જ્યારે નાનો હતો તો ક્યારે વિચાર્યું ન હતું કે ક્યારેય પણ અંતરિક્ષમાં જઈશ. આજે તમારા (વડાપ્રધાન મોદીના) નેતૃત્વમાં આજનું ભારત સપનાઓને સાકાર કરવાનો અવસર આપે છે. તેનું પરિણામ છે કે હું દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો છું.
મોદીએ શુભાંશુ શુક્લાને પૂછ્યું કે તમે જે ગાજર હલવો, મગ દાળનો હલવો, કેરીનો રસ લઈને ગયા છો, એ તમારા સાથીઓને ખવડાવ્યા કે નહીં? તેના પર શુભાંશુએ કહ્યું કે બિલકુલ તમામ સાથીઓએ સ્વાદ લીધો. શુભાંશુએ એમ પણ કહ્યું કે અંતરિક્ષમાંથી જોવા પર ભારતનો નજારો ખૂબ ભવ્ય લાગે છે, જેટલો નકશામાં દેખાય છે, તેનાથી વધુ ભવ્ય દેખાય છે.
મોદીએ કહ્યું કે મારી આદત છે કે જ્યારે કોઈને મળું છું, હોમવર્ક આપું છું. શુભાશુંને મોદીએ કહ્યું કે તમારું હોમવર્ક એ છે કે તમારો અનુભવ મળી રહ્યો છે, તેનાથી આપણને ગગનયાનને આગળ વધારવાનું છે, ચંદ્ર પર લેન્ડિંગ કરાવવાનું છે. તેના જવાબમાં શુભાંશુએ કહ્યું કે અહીં મને જે અનુભવ મળી રહ્યો છે, એ ખૂબ કિંમતી છે. જ્યારે હું પરત આવીશ, તો ચોક્કસ જ ગગનયાન સહિત અન્ય મિશનોને આગળ વધારવા માટે કામ કરીશ. શુભાંશુએ એમ પણ કહ્યું કે ગગનયાનને લઈને સ્પેસ સ્ટેશન પર ઉપસ્થિત અંતરિક્ષ યાત્રીઓમાં પણ ઉત્સાહ છે. મને આનંદ થયો, જ્યારે તેમણે મને પૂછયું કે આપણે ક્યારે ગગનયાન પર જઈ શકીએ છીએ. વડાપ્રધાન મોદીએ શુભાંશુને કહ્યું કે અમને સૌ તમે પરત ફરો તેની રાહ જોઈ રહ્યા છીએ. તમારું ધ્યાન રાખજો, મા ભારતીનું સન્માન વધતું રહેવું જોઈએ.