મુંબઇઃ ગયા વર્ષે જુલાઈમાં તાતા જૂથને પછાડીને દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ બનેલું રિલાયન્સ જૂથ છ મહિના પણ આ સ્થાને રહી શક્યું નથી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા રિલાયન્સ જૂથ બજાર મૂલ્યની રીતે હવે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, પોતાની ફ્લેગશિપ કંપની ટીસીએસના શાનદાર પ્રદર્શનના કારણે તાતા જૂથ ફરી એકવાર સૌથી મોટું બિઝનેસ ફેમિલી બની ગયું છે. આ ઉપરાંત શેરોમાં આવેલી તેજીના કારણે એચડીએફસી જૂથ દેશનું સૌથી મોટું જૂથ બની ગયું છે. જોકે, રિલાયન્સ હજુ પણ દેશની સૌથી મોટી કંપની છે. જુલાઈ ૨૦૨૦માં તાતા જૂથની ૧૭ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૧૧.૩૧ લાખ કરોડ રૂપિયા હતું, જ્યારે રિલાયન્સનું માર્કેટ કેપ રૂ. ૧૩ લાખ કરોડ ઉપર પહોંચી ગયું હતું.


