લખનઉ: રિક્ષા ચલાવતા મણિરામની ૨૮મીએ તકદીર ખૂલી ગઈ. પોતાની રિક્ષામાં બેસાડીને તે પેટીએમના સીઈઓને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના ઘરે લઈ ગયો હતો. તેને ખબર નહોતી કે તેની રિક્ષામાં બેઠેલા મુસાફર પેટીએમના સીઈઓ છે. આથી તેણે ભાડાના રૂ. ૫૦ માગ્યા. ત્યારે અખિલેશે તેને આખેઆખું ઘર ગિફ્ટમાં આપી દીધું.
વાસ્તવમાં પેટીએમના સીઈઓ વિજય શેખર ટ્રાફિકજામમાં ફસાઈ ગયા હતા તેથી તેમણે અખિલેશને મળવા માટે રિક્ષાનો સહારો લેવાનું પસંદ કર્યું હતું. રિક્ષાચાલક મણિરામ તેમને અખિલેશના બંગલે લઈ ગયો હતો. તેણે વિજય શેખર પાસેથી ભાડાના રૂ. ૫૦ માગ્યા ત્યારે અખિલેશે તેને ઘર, રૂ. ૬,૦૦૦ રોકડા અને એક ઈ-રિક્ષા બક્ષિસમાં આપ્યાં હતાં. અખિલેશે જ ટ્વિટર પર મણિરામનો ફોટો મૂકીને આ ઘટના જાહેર કરી હતી.
રિક્ષાચાલક મણિરામને ખબર નહોતી કે વિજય શેખર ૭,૦૦૦ કરોડની પ્રોપર્ટીના માલિક છે. તેઓ યશભારતી એવોર્ડના વિજેતા છે. વિજય શેખર અખિલેશને મળવા તેમના બંગલે જતા હતા ત્યારે ટ્રાફિકજામમાં તેમની કાર ફસાઈ ગઈ હતી. આથી વિજય શેખર પગરિક્ષામાં અખિલેશના બંગલે પહોંચ્યા હતા. મણિરામ વિજય શેખરને બંગલાની બહાર ઉતારીને બીજા ફેરાની રાહ જોતો હતો ત્યારે શેખરે તેમને બંગલાની અંદર ઊતારી જવા કહ્યું હતું. સિક્યોરિટી જવાનોએ આખરે તેમને બંગલા સુધી રિક્ષા લઈ જવાની સંમતિ આપી હતી. મણિરામ પૈસા લઈને જતો હતો ત્યારે અખિલેશે તેને પાછો બોલાવ્યો હતો અને થોડી વાતચીત કર્યા પછી તેને દિવાળીની ગિફ્ટ તરીકે ઈ-રિક્ષા, ઘર અને રૂ. ૬,૦૦૦ રોકડા આપ્યા હતા.