અછતના અવરોધ વચ્ચે ખરાખરીનો જંગ

Wednesday 28th April 2021 04:26 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતમાં એક તરફ ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવર ઇન્જેક્શન, ફેબિફ્લુ ટેબ્લેટ વગેરેની તીવ્ર તંગી વર્તાઇ રહી છે. તો બીજી તરફ, કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા વલખાં મારી રહ્યા છે. જોકે અંધાધૂંધીભર્યા આ માહોલ વચ્ચે રાહતજનક બાબત એ છે કે સરકાર તબીબી સાધનોથી માંડીને દવાઓ મેળવવા તેમજ હોસ્પિટલ સહિતના સ્થળોએ બેડની સંખ્યા વધારીને દર્દીઓને શક્ય તેટલી વહેલી સારવાર મળી રહે તે માટે દિવસ-રાત એક કરી રહી છે.
સરકારે સૌથી ટોચની અગ્રતા ઓક્સિજનનો પુરવઠો પૂરા પાડવાને આપી છે. આ માટે તમામ ઔદ્યોગિક એકમોમાં ઓક્સિજનના વપરાશ પર પ્રતિબંધ લાદીને તમામ જથ્થો મેડિકલ ટ્રીટમેન્ટ માટે જ વાપરવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ સરકારે દેશમાં કુલ ૫૫૧ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે યુદ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરી છે. કોરોના સામે લડવા માટે ખાસ રચાયેલા પીએમ કેર ફંડની ધનરાશિમાંથી દરેક જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાશે.
આ ઉપરાંત સરકારે વિદેશમાંથી પણ શક્ય તેટલો વધુ ઓક્સિજન પુરવઠો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે. દેશના અનેક ઉદ્યોગજૂથોએ પૂરતો ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે પોતપોતાના સ્તરે કામગીરી હાથ ધરી છે.
સરકારની અસરકારક કામગીરીનું પ્રતિબિંબ પોઝિટિવ કેસો અને મૃત્યુદરમાં ઘટાડા સ્વરૂપે જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી નવી ઊંચાઇએ સ્પર્શી રહેલો પોઝિટિવ કેસનો આંકડો હવે અંકુશમાં આવતો જણાઇ રહ્યો છે. સોમવારે દેશમાં સૌથી વધુ ૩,૫૨,૯૯૧ કેસ નોંધાયા હતા તેની સામે મંગળવારે આ અંક ઘટીને ૩,૨૩,૧૪૪ થયો છે. હાલ ભારતમાં ૨૮,૮૨,૨૦૪ એક્ટિવ કેસ છે. કુલ મૃત્યુઆંક બે લાખ નજીક સરકી રહ્યો છે.
કોરોનાનો કેર આગામી દિવસોમાં કેટલો વધશે તે અંગે જુદા જુદા અભ્યાસો દ્વારા વિરોધાભાસી આંકડા રજૂ થઇ રહ્યા છે. કેટલાક અભ્યાસનું તારણ કહે છે કે અત્યારે જે પ્રકારે કેસોમાં ધીમો ઘટાડો જોવા મળી રહ્યો છે તે સારા દિવસોના આગમનના એંધાણ છે. આગામી એકાદ સપ્તાહમાં ઓક્સિજન, રેમડેસિવર સહિતનો જથ્થો પૂર્વવત થતાં સ્થિતિ ઝડપભેર થાળે પડવા લાગશે. જ્યારે કેટલાક અભ્યાસો એવું પણ સૂચવે છે કે મેના બીજા સપ્તાહમાં ભારતમાં ૩૮થી ૪૮ લાખ એક્ટિવ કેસ હોય તો નવાઇ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter