જયપુર: દસ વર્ષથી ચાલતા અજમેર દરગાહ બ્લાસ્ટ કેસમાં બે દોષિતો ભાવેશ પટેલ અને સંઘના નેતા દેવેન્દ્ર ગુપ્તાને સ્પેશિયલ એનઆઈએ કોર્ટે ૨૨મીએ આજીવન કારાવાસની સજા કરી હતી. કોર્ટે ભાવેશ પટેલને રૂ. ૧૦,૦૦૦ અને ગુપ્તાને રૂ. ૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. આ અગાઉ કોર્ટે ૮ માર્ચે ભાવેશ, દેવેન્દ્ર અને સુનીલ જોશીને દોષિત ઠરાવ્યા હતા. આ કેસમાં કુલ ૧૩ આરોપી સામે કોર્ટ કાર્યવાહી કરાઈ હતી. જેમાંથી અસીમાનંદ સહિત ૬ આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા. એક દોષિત આરોપી સુનીલનું ચુકાદા પહેલાં જ મૃત્યુ થયું હતું. કોર્ટે આરએસએસ નેતા ઇન્દ્રેશકુમારને ક્લિનચીટ આપી હતી.
કેટલાય ગુનામાં સજા
કોર્ટે ભાવેશ અને દેવેન્દ્રને ક્રિમિનલ કાવતરું રચવા માટે કલમ ૧૨૦-બી હેઠળ તેમજ જાણી જોઈને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે કલમ ૨૯૫-એ હેઠળ સજા કરી હતી. અનોલોકુલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ હેઠળ પણ બંનેને દોષિત કરાયા હતા.