અજિત ડોભાલઃ એક નહીં, અનેક વખત અસંભવને સંભવ કરી દેખાડ્યું

Wednesday 07th August 2019 06:42 EDT
 
 

નવી દિલ્હીઃ દેશમાં ‘કંઇક મોટું’ થાય અને નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજિત ડોભાલનું નામ ન સંભળાય એવું વીતેલા વર્ષમાં ભાગ્યે જ બન્યું છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટવાના સંદર્ભમાં પણ ડોભાલનો ઉલ્લેખ થવો જ જોઇએ. ‘કાશ્મીરમાં કંઇક મોટું થવાનું છે...’ તેની હિલચાલ પહેલી વાર ત્યારે શરૂ થઈ જ્યારે ડોભાલ જુલાઇના અંતિમ સપ્તાહમાં કાશ્મીરના સિક્રેટ પ્રવાસે ગયા હતા.
ડોભાલે ત્યાં પહોંચી રાજ્યપાલ સત્યપાલ મલિકના સલાહકાર કે. વિજયકુમાર, ચીફ સેક્રેટરી બી. વી. આર. સુબ્રમણ્યમ્, ડીજીપી દિલબાગ સિંહ, આઈજી એસ. પી. પાણિ સાથે મુલાકાત કરી. બધું કામ ગુપ્ત રીતે પાર પાડ્યું. પાછા દિલ્હી આવ્યા અને વધારાના સૈનિકો કાશ્મીર મોકલવાનો નિર્ણય કર્યો. ત્યારે જ કંઇક સંકેત મળ્યા હતા કે ખીણમાં કંઈક મોટું થવાનું છે.
૩૭૦ હટાવવાનું નક્કી થતાં ડોભાલ ફરી કાશ્મીર પહોંચી ગયા. બધું સુરક્ષા આયોજન ખુદની દેખરેખ હેઠળ પાર પાડ્યું. અમરનાથ યાત્રા અધવચ્ચે રોકવાનો નિર્ણય લેવા પાછળ પણ તેમના ઈનપુટ સામેલ હતા. સુરક્ષા અને ગુપ્તચર બાબતોની જોરદાર સમજ ધરાવતા ડોભાલ પહેલીવાર ૧૯૭૫માં અખબારોમાં ચમક્યા હતા. તે તેમણે સિક્કીમને ભારતમાં ભેળવવામાં મોટી ભૂમિકા ભજવી હતી
આ પછી તત્કાલીન સુરક્ષા સલાહકાર એમ. કે. નારાયણન્ હેઠળ તેમણે કામ કર્યું. પાકિસ્તાનમાં ૭ વર્ષ અંડરકવર એજન્ટ બનીને રહ્યા પછી ત્યાં ભારતીય દૂતાવાસમાં પણ રહ્યા. અમૃતસરના સુવર્ણ મંદિરમાં ૧૯૮૮માં ચલાવાયેલા ઓપરેશન બ્લેક થંડરનો પણ ભાગ બન્યા. ૧૯૯૦માં ડોભાલ કાશ્મીર પહોંચ્યા અને પહેલી સફળતા મેળવી. તેમણે કુકા પારા જેવા બળવાખોરોને પોતાની તરફ કરી આતંકીઓ વિરુદ્ધ ઉપયોગમાં લીધા અને ખીણમાં ચૂંટણી કરાવી.
૨૦૦૫માં નિવૃત્ત થયા બાદ ડોભાલને મે ૨૦૧૪માં દેશના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પસંદ કરવામા આવ્યા. ૨૦૧૯માં તેમને બીજો કાર્યકાળ અપાયો. તે દેશના એકમાત્ર સુરક્ષા સલાહકાર છે જેમને બીજો કાર્યકાળ મળ્યો હોય. ડોભાલે ૨૦૧૪માં ઈરાકમાં ફસાયેલી ભારતીય નર્સોનાં એરલિફ્ટમાં ભૂમિકા ભજવી. ૨૦૧૬ની સર્જિકલ સ્ટ્રાઈક, ૨૦૧૯ની એરસ્ટ્રાઈકમાં ડોભાલની સૈન્ય સમજણ, ડોકલામ મુદ્દામાં પણ તેમની કૂટનીતિક સમજ સામેલ રહી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter