અજિત દોવલ કેબિનેટ રેન્ક સાથે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર

Thursday 06th June 2019 05:59 EDT
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) તરીકે પ્રશંસનીય કામગીરી કરીને દેશના સીમાડાઓની સુરક્ષા કરનાર અજિત દોવલને ફરી પાંચ વર્ષ માટે એનએસએ તરીકે જવાબદારી સોંપાઇ છે. તેમને એક્સ્ટેન્શન સાથે પ્રમોશન પણ મળ્યું છે. પાકિસ્તાન પર થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનાં માસ્ટર માઇન્ડ એવા દોવલના રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાનને ધ્યાનમાં રાખીને કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાયો છે. વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને તેમના કામથી સંતોષ છે.

સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકનાં કસબી

વડા પ્રધાન મોદીનાં શાસનમાં પાકિસ્તાનમાં ૨૦૧૬માં એલઓસી નજીક કરેલી સર્જિકલ સ્ટ્રાઇકમાં સરહદે ધમધમતા આતંકી કેમ્પોનો નાશ કરીને આતંકીઓનો ખાતમો બોલાવી દેવાયો હતો. આ જ રીતે બાલાકોટમાં કરાયેલી એર સ્ટ્રાઇકમાં પણ તેમનું યોગદાન મહત્ત્વનું હતું. જ્યાં ભારતે હવાઈ હુમલો કરીને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની છાવણીઓને તબાહ કરી હતી અને ૨૫૦થી ૩૦૦ આતંકીઓ માર્યા ગયા હતા.

કીર્તિ ચક્રથી સન્માનિત અધિકારી

દોવલ ૧૯૬૮ બેચનાં આઇપીએસ અધિકારી છે જેમણે મોટા ભાગનો સમય ઇન્ટેલિજન્સ બ્યૂરોમાં કામ કર્યું છે. તેમને બાહોશ ગુપ્તચર અધિકારી માનવામાં આવે છે. તેઓ આઈબી પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેમણે પાકિસ્તાનમાં ૬ વર્ષ ફરજ બજાવી હતી. તેઓ પહેલાં પોલીસ અધિકારી છે કે જેમને ૧૯૮૮માં કીર્તિ ચક્રથી સન્માનવામાં આવ્યા હતા. પંજાબ અને શ્રીનગરમાં આતંકીઓ સામે મજબૂત કામગીરી કરવા માટે તેઓ જાણીતા છે.

દોવલની કારકિર્દી

• ૧૯૬૮માં ઇંડિયન પોલીસ સર્વીસ માટે પસંદગી. કેરળ કેડરમાં નિયુક્તિ. • મિઝોરમ અને પંજાબમાં ઉગ્રવાદને નાથવામાં મહત્ત્વની ભૂમિકા. • ૧૯૯૯માં કંદહારમાં સરકારનાં મુખ્ય ત્રણ મંત્રણાકારોમાં મહત્ત્વની ભૂમિકા. • ૧૯૭૧થી ૧૯૯૯ દરમિયાન દેશમાં વિમાન હાઇજેક કરવાનાં ૧૫ પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. • ૧૯૮૮માં ઓપરેશન બ્લેક થન્ડર-૨માં મહત્ત્વની ગુપ્ત માહિતી એકઠી કરી. • ૧૯૯૦માં કાશ્મીરમાં ઉગ્રવાદને ડામવા કાશ્મીર મોકલવામાં આવ્યા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter