અજિત પવાર: મહારાષ્ટ્રની રાજનીતિને જેમણે એક જ રાતમાં પલટી નાખી

Tuesday 26th November 2019 13:24 EST
 
 

મુંબઇઃ ૨૨મી તારીખની રાત સુધી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્ય પ્રધાન બનાવવાનું લગભગ નક્કી હતું અને અચાનક ૨૩મી નવેમ્બરની સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્ય પદે જ્યારે એનસીપીના બળવાખોર નેતા અજિત પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. આ સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા એક મહિનાથી ચાલતા રાજકીય ઘમાસાણમાં વળાંક આવ્યો હતો. આ ઘટનાક્રમ સાથે રાજકીય પંડિતો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા અને કોઈ સમજી ન શક્યું કે આખરે રાતોરાત એવું શું થઈ ગયું કે એનસીપી નેતા અજિત પવારે ભાજપને સમર્થન આપી દીધું.
શપથવિધિ બાદ શરદ પવારે ટ્વીટ કરીને માહિતી આપી કે ભાજપમાં જવાનો અજિત પવારનો વ્યક્તિગત નિર્ણય છે અને અજિત પવારના આ નિર્ણયને પક્ષનું સમર્થન નથી. આ પછી આશંકા ઊભી થઈ હતી કે હવે કેટલા ધારાસભ્યો અજિત પવારને સમર્થન આપશે?
લોકો વચ્ચે 'દાદા' તરીકે જાણીતા અજિત પવારનું આખું નામ અજિત અનંતરાવ પવાર છે અને તેઓ મહારાષ્ટ્રના બારામતી ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. ૬૦ વર્ષીય અજિત પવાર એનસીપી પ્રમુખ શરદ પવારના ભત્રીજા છે.
વર્ષ ૧૯૯૧માં તેઓ બારામતીથી સાંસદ તરીકે ચૂંટાયા હતા, પરંતુ છ મહિના બાદ તેમણે કાકા શરદ પવાર માટે પોતાની બેઠક છોડી દીધી હતી. તે સમયે નરસિંહ રાવની સરકારમાં શરદ પવારની સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂક થઈ હતી. અજિત પવાર આ સાથે મહારાષ્ટ્રમાં પરત ફર્યા હતા અને બારામતી બેઠક પરથી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. જ્યારે શરદ પવાર કોંગ્રેસ પાર્ટીમાંથી રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારે તેમણે પોતાના ભત્રીજાને રાજ્યનાં ઘણાં ખાતાં સોંપ્યાં હતાં.
જોકે, ૧૯૯૯માં શરદ પવારે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને તેમણે પોતાની પાર્ટી નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નું નિર્માણ કર્યું હતું. અજિત પવારે પણ પોતાના કાકાની સાથે રહીને એનસીપીમાં જોડાયા હતા. ૪૦ વર્ષની વયે અજિત પવાર કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારમાં સૌથી યુવાન કેબિનેટ પ્રધાન બન્યા હતા અને સિંચાઈ મંત્રાલય સંભાળ્યું હતું. અજિત પવારની ઇચ્છા હતી કે તેઓ એક દિવસ નાયબ મુખ્ય પ્રધાનનું પદ સંભાળે. તેમની આ ઇચ્છા વર્ષ ૨૦૧૦માં પૂર્ણ થઈ હતી. જોકે સિંચાઈ યોજના કૌભાંડમાં પોતાનું નામ ખુલ્યા બાદ અજિત પવારે પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી અજિત પવાર ફડણવીસ સાથે જોડાઇને ફરી રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter